________________
પછી અભય શ્રેણિક રાજાના હુકમથી રોહિણેયને છોડી મૂક્યો. આ પ્રસંગથી રોહિણેયનું આખું મન બદલાઈ ગયું. તે વિચારવા લાગ્યો : “અરરર ! આ મેં શું કર્યું ? મારા પિતાએ તો મને ગેરમાર્ગે દોરવ્યો કે મહાવીરની વાણી સાંભળીશ નહિ. પરંતુ અચાનક અને અનિચ્છાએ એક વાર સાંભળેલા મહાવીર પ્રભુનાં અલ્પ-વચનોના કારણે જ હું બચી ગયો. નહિ તો આજે મારું મોત નક્કી હતું. મહાવીર-પ્રભુની થોડી પણ વાણી આટલી પ્રભાવશાળી છે...તો તેમની પૂરી ધર્મદેશના તો કેટલી ગજબ મહિમાશાળી હશે !!” - આ રીતે શુભ-વિચારધારાથી ભાવિત થયેલો રોહિણેય પ્રભુ મહાવીર દેવના ચરણોમાં પહોંચી ગયો. અને પરમાત્માને નિવેદન કરવા લાગ્યો : “ભગવંત ! ભયંકર દુઃખોથી ભરેલા આ ભવસાગરમાં આપની વાણી તો ભવજલતરણ જહાજ છે. પરંતુ આપની આવી પરમકલ્યાણકારિણી વાણીથી પિતાનાં કુવચનોના કારણે હું વંચિત રહ્યો. ભગવાન ! જેઓ નિરંતર આપની વાણીનું અમૃતપાન કરે છે તેઓ ખરેખર ધન્ય છે. અનિચ્છાએ સાંભળેલાં આપનાં વચનોએ મારો આ જનમ સુધારી લીધો...હવે હું ઇચ્છાપૂર્વક આપની ધર્મદેશના સાંભળવા ઝંખું છું. જેના પ્રભાવે આપ મારા ક્નમોજનમ સુધારો.” '
રોહિણેયના અંતરની એ આગ હતી. પશ્ચાત્તાપનો એ પાવક હતો. રોહિણયની સુપાત્રતાને જોઇને ભગવંત મહાવીરે તેને નિવાણપદપ્રદાયિની અને સાધુધર્મનો મહિમા સમજાવનારી દિવ્ય-દેશના આપી. વીર-વાણીના પુનિત-પાણી પીને પવિત્ર બનેલા રોહિણેયે પ્રભુને પોતાને ચારિત્ર-ધર્મ (દીક્ષા) આપવા વિનંતી કરી.
યોગાનુયોગ શ્રેણિક મહારાજા વગેરે આ દેશના-સમયે ઉપસ્થિત હતા. તેમણે રોહિણેયને કહ્યું “તું કોઇ પણ જાતની ચિંતા કે શંકા કર્યા વગર હવે તારે જે કહેવું હોય તે કહે. તને મારું અભયવચન છે.”
ત્યારે રોહિણેયે કહ્યું “તમે જેની રાત ને દિ' તલાશ કરી રહ્યા છો તે રોહિણેય ચોર હું જ છું. અભયકુમાર જેવા બુદ્ધિનિધાનની ચાલાકીભરી ચતુરાઇને પણ મેં પછડાટ ખવડાવી દીધી તે પ્રતાપ આ પ્રભુ મહાવીરની થોડી પણ સાંભળેલી વાણીનો છે. અને માટે જ મેં આ જીવન હવે પ્રભુના ચરણે સમર્પિત કરવાનો નિર્ણય કરી લીધો છે.