________________
આધ્યાત્મિક બાબતમાં ઊંડો આદરભાવ કે રાગભાવ જોવા મળતો નથી...આથી જ તેને સંતવાણી દ્વારા રજૂ કરાયેલું તત્ત્વચિંતન યાદ રહેતું નથી.
તત્ત્વચિંતન પ્રત્યે ઊંડો આદરભાવ, તત્ત્વચિંતનથી થનારા આત્મકલ્યાણ પ્રત્યેની અવિહડ શ્રદ્ધા જો જાગૃત થાય તો તે તત્ત્વભૂત પદાર્થોનું શ્રવણ-ગ્રહણ કર્યા પછી ધારણ રાખવું ખરેખર સરળ બની જશે. પ્રવચનકારના પક્ષે કેટલીક ખામીઓ :
આ વાતો શ્રોતાના પક્ષે થઇ. પરંતુ શ્રોતાને પ્રવચનમાં કહેવાયેલો પદાર્થ બરાબર યાદ રહેતો ન હોય તેમાં પ્રવચનકારના પક્ષે પણ કેટલીક ખામી હોઇ શકે છે. ઘણા વક્તાઓ પોતાનો પદાર્થ ખૂબ ઝડપથી, ધસમસતા પાણીનાં પૂરની જેમ બોલી નાંખવાથી પણ શ્રોતાઓને તે મુદ્દાઓ યાદ રાખવાનું મુશ્કેલ બની જાય છે.
ઘણાં બધા પદાર્થો બોલી નાખવા, ખૂબ ધમધમાટ કરતાં વેગપૂર્વક પદાર્થો બોલવા, પ્રવચનમાં બીજા-ત્રીજા દૃષ્ટાંત-જોક્સ વધુ પડતા રજૂ કરીને મૂળ પદાર્થ પ્રત્યેથી શ્રોતાનું ધ્યાન બીજે ખેંચી જવું, અસંકલિત રીતે પદાર્થો બોલવા...અર્થાત્ પ્રવચન શરુ કર્યું હોય કોઇ વિષય ઉપર અને જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે બીજા જ વિષય ઉપર સમાપન થાય...આવા બધા પ્રવચનકારના ઘણા દોષો શ્રોતાને પદાર્થની ધારણા કરવાનું ખૂબ મુશ્કેલ બનાવી દે છે. આવી પ્રવચન-પદ્ધતિ ઉપાદેય નથી. ક્યારેક વધુ પડતા જોશીલાં અને વેગીલાં પ્રવચનો સાંભળતી વખતે કર્ણપ્રિય કદાચ લાગે-લાગશે, પરંતુ તેની ચિંરજીવ અસર જોવા નહિ મળે. “તમે શું સાંભળ્યું?' એવું શ્રોતાને વ્યાખ્યાન બાદ પૂછવામાં આવે તો તે કહેશે: વ્યાખ્યાન ઘણું સારું હતું. પણ મહારાજશ્રીએ એટલું બધું કહ્યું અને એટલી ઝડપે કહ્યું કે અમને તો કશું જ યાદ નથી રહ્યું.” આ સ્થિતિમાં આપણે શ્રોતાઓની સ્મરણશક્તિનો દોષ કાઢીએ તો તે જરાય વાસ્તવિક નથી. આ એક પ્રાસંગિક વાત થઇ.
(૬) ઉહા અને અપોહ : ઉહા એટલે વિધિમુખી તર્ક. અને અપોહ એટલે નિષેધમુખી તર્ક.
સાંભળીને ધારણ કરી રાખેલા પદાર્થની ઉપસ્થિતિ અથવા સમાનતા જ્યાં દેખાય ત્યાં ત્યાં તે તે પદાર્થની ઘટના કરવી અને એ રીતે પદાર્થને મજબૂત કરવો આ ઉહા” કહેવાય.