________________
દારૂડિયાને દારુ પીવા અને અસદાચારનાં પાપો કરવા પૈસાની સખત જરુરત પડે તેથી તે ચોરી પણ કરે અને અવસરે જુગાર પણ રમે...અને દારુ.. માંસ આદિના ભક્ષકના મનમાં હિંસકતા હોય તેથી તેનામાં શિકારનું પાપ પણ પ્રવેશ્યા વગર ન રહે.
આમ, દારુનું વ્યસન અતિ ભયંકર છે. તેનો ત્યાગ, પરલોકમાં સદ્ગતિ પામવા તો ઠીક, પણ આલોકનાં સુખ, શાંતિ અને પ્રસન્નતાની ખાતર પણ ખૂબ જરૂરી છે. વાલકેશ્વરના બેનની વ્યથા :
વાલકેશ્વરના તે બેનની કથા યાદ આવે છે. જેની વ્યથા સાંભળતાં એક મુનિવરની આંખ આંસુ-ભીની બની હતી. તે બેન રડતાં રડતાં કહે. “સાહેબજી ! શું કરું ? ઘરે અઢળક પૈસો છે. ત્રણ ગાડીઓ છે. નોકર-ચાકર છે. સંતાનો પણ ડાહ્યાં છે. પણ “એમનામાં” (પતિમાં) એક એવું મોટું દૂષણ છે : દારુ પીવાનું, જેણે અમારા સંસારને સળગાવી નાખ્યો છે.
“રાત્રે મોડા આવે, દારૂ ઢીંચી ઢીંચીને. ભાન રહે નહિ. જેમ તેમ ગાળો બોલે. બાળકો નાનાં છે. ઘણીવાર ઊઠી પણ જાય. તેની સામે જ મને મારઝૂડ કરે. બાળકોને પણ ખૂબ મારે. આ બધાથી ઘરનું વાતાવરણ કલૂષિત થાય. ઉપરાંત બાળકો ઉપર વિપરીત સંસ્કારો પડે. સાહેબજી ! શું કરું ? કાંઇ સમજાતું નથી. લાખો રૂપિયા ઘરમાં હોવા છતાં આ દારુના દેત્યે અમારું જીવન પાયમાલ કરી નાખ્યું છે...' દારુએ પત્નીનું મોત આપ્યું?
આવી જ એક વ્યથાભરી કથા છેઃ બીજા એક જૈન બેનની.. તેમનો ફ્લેટ પણ વાલકેશ્વરના વૈભવી-વિસ્તારમાં. પતિ દારુનો ખૂબ વ્યસની. બેન વારંવાર સમજાવેઃ દારુ છોડી દો. આપણા કુટુંબનું આનાથી સત્યાનાશ થશે.
પણ પેલા ભાઇ ન માને. ઉપરથી પત્નીને ખૂબ મારે-પીટે. એકવાર મોટી ચૌદસનો દિવસ. પત્ની પ્રતિક્રમણ કરવા જતી હતી. ત્યાં જ પેલા સાહેબ (!) દારુના પેગ ચઢાવીને આવ્યા. પત્નીએ જ બારણું ખોલ્યું. પતિની હાલત જોઇને તેનાથી ના રહેવાયું. તે બોલી: “આજ મોટી ચૌદસના દિવસેય ભાન ન રહ્યું.