________________
સગુણોનું પ્રવેશદ્વાર સત્સંગ : - જીવનના તમામ સગુણોનું પ્રવેશદ્વાર સત્સંગ છે. સત્સંગના પ્રભાવથી દોષોના દૂરીકરણનો માર્ગ આરંભાય છે. આપણા જીવનમાં અનેક દોષો અને પાપ પ્રવેશી ચૂક્યાં છે. એ તમામનો નાશ કરવા માટે સત્સંગનો આશ્રય આપણે જરુર લેવો જોઇએ. સત્સંગના પ્રભાવના ગુણ ગાતા સંત તુલસીદાસે કહ્યું છે
એક ઘડી આધી ઘડી; આધીમેં ભી આધ, ; તુલસી સંગત સંતકી, કટે કોટિ અપરાધ.
એક ઘડી એટલે ચોવીસ મિનિટ..અરે એનીય અડધી એટલે બાર મિનિટ...અરે ! એ અડધીની પણ અડધી એટલે માત્ર છ મિનિટ...પણ જો સંતપુરુષની સંગતિ (સત્સંગ) મળી જાય, તો કરોડો જનમોનાં પાપ ધોવાઇને સાફ થઈ જાય.
સત્સંગનો મહિમા કેવો અપરંપાર છે ! કારણ કે સંત એટલે સગુણોનો સુવાસિત બગીચો. બગીચામાં ગયેલો જેમ પુષ્પોની-સુવાસથી આનંદિત ન થાય એવું ન બને, તેમ સંતના સાનિધ્યમાં ગયેલો સગુણોની સુવાસથી સુપ્રસન્ન ન બને એવું કદી ન બને. અને જો એવું બને તો સમજવું કે કાં એ સાચા સંત નહિ અને કાં જનારો માનવદેહ પથ્થર (જવો જડ) હશે !
જગતના ઇતિહાસમાં પૃષ્ઠો ઉકેલીને વાંચશો તો સમજાશે કે દુનિયામાં થયેલા મોટા ભાગના સદગુણીઓ, સંતો, સજ્જનો અને સાધુવરો કોઇ ને કોઇ સંતપુરુષના પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ નીચે આવીને જ સન્માર્ગને પામ્યા હતા.
વાલિયો લૂંટારો સંતપુરુષને ભેટીને જ વાલિયામાંથી વાલ્મીકિ બન્યો હતો ને ! પત્નીરુપી સત્સંગથી કામાંધ તુલસીનું સંત તુલસીમાં રુપાંતર :
સંત તુલસીદાસ સંસારી જીવનમાં અત્યંત કામાંધ હતા. એકવાર એમની પત્ની રત્નાવલી પિયર ગઇ તો ત્યાં રાત્રિના સમયે, પત્નીની રુપાળી કાયામાં લુબ્ધ બનેલા તુલસી પહોંચી ગયા.