SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય -૧ (ઈ.સ. ૧૪૫૦ -૧૬૦0) ૯૭ છે તેમ ઉચ્ચ કવિત્વશક્તિ પણ છે, જેની પ્રતીતિ આખો રાસ વાંચતાં વારંવાર થાય છે. કવિની વાણી અનાયાસ, અસ્ખલિત વહી જાય છે. કવિ પાસે અસાધારણ ભાષાપ્રભુત્વ છે જે એમની પંક્તિઓને સઘન બનાવે છે અને એને સામાન્યતામાં કે બિનજરૂરી વિસ્તારમાં સરી પડતી અટકાવે છે. એમની ભાષામાં ઓજસ પણ છે અને માધુર્ય પણ છે, આડંબર છે અને શબ્દ-વિલાસ પણ છે. કવિ નયસુંદરની આ રાસકૃતિ આપણી મધ્યકાલીન ઉત્તમ સાહિત્યકૃતિઓની હરોળમાં સ્થાન પામે એવી છે. રૂપચંદકુંવર રાસ : કવિ નયસુંદરે વીજાપુર નગરમાં છ ખંડમાં આ રાસની રચના કરી છે. એમાં રૂપચંદકુંવરનું કથાનક આલેખાયું છે. ઉજ્જયિની નગરમાં રાજ કરતા રાજા વિક્રમના રાજ્યમાં ધનદત્ત શ્રેષ્ઠી અને એની ભાર્યાં ધનસુંદરીને થયેલા ચાર પુત્રોમાં છેલ્લો પુત્ર તે રૂપચંદ. રૂપચંદ ભણીગણી મોટો થાય છે એટલે રૂપસુંદરી નામની કન્યા સાથે એનાં લગ્ન થાય છે. ત્યાર પછી કનોજ નગરીના રાજા ગુણચંદની કુંવરી સૌભાગ્યસુંદ૨ને રૂપચંદ પ્રત્યે આકર્ષણ થાય છે. બંને એકાંતમાં મળે છે, સમસ્યાઓ દ્વારા સંકેત થાય છે અને ગાંધર્વવિવાહથી જોડાય છે. એ વાતની વિક્રમ રાજાને ખબર પડે છે. તે રૂપચંદ પાસેથી વાત કઢાવવાનો, જુદી જુદી સમસ્યાઓનો અર્થ જાણવાનો પ્રયત્ન કરે છે, ખૂબ મારે છે, પરંતુ રૂપચંદ કશો ખુલાસો કે એકરાર કરતો નથી. છેવટે રાજા એને શૂળીએ ચડાવવાનો નિર્ણય કરે છે. તો પણ રૂપચંદ મક્કમ રહે છે. તે સમયે પ્રધાન રાજાને વચન આપે છે અને રૂપચંદને મુક્ત કરાવે છે. રૂપચંદ પાસેથી બધી સમસ્યાઓના અર્થ જાણવા હોય તો વિક્રમ રાજાએ પોતાની પુત્રી મદનમંજરીને રૂપચંદ સાથે પરણાવવી જોઈએ એવા પ્રધાનના સૂચનને રાજા સ્વીકારે છે. મદનમંજરી પોતાની કુશળતાથી અને પ્રેમથી રૂપચંદ પાસેથી બધી માહિતી મેળવી રાજાને કહે છે. રાજા એથી પ્રસન્ન થઈ સૌભાગ્યસુંદરી સાથે એનાં વિધિપૂર્વક લગ્ન કરાવે છે. આમ ત્રણ પત્નીઓ – રૂપસુંદરી, સૌભાગ્યસુંદરી અને મદનમંજરી– સાથે ભોગવિલાસ ભોગવતો, સુખમાં દિવસોનું નિર્ગમન રૂપચંદ કરતો હતો. એવામાં ઉજ્જયિનીમાં પધારેલા જૈન આચાર્ય સિદ્ધસેનસૂરિના ઉપદેશની રાજા ઉ૫૨ ઘણી અસર પડી. રૂપચંદ પણ ત્યાં ઉપસ્થિત હતો. સૂરિએ સંસારની અસારતા, મનુષ્ય ભવની દુર્લભતા, અજ્ઞાની જીવનાં કર્મો, મૃત્યુ પાસે સર્વની અધીનતા ઇત્યાદિ ૫૨ વિવેચન કરી ઉપદેશ આપ્યો. રૂપચંદે પૂછતાં બીજે દિવસે સૂરિએ પોતાના જ્યોતિષજ્ઞાનના આધારે એને જણાવ્યું કે એનું આયુષ્ય હવે માત્ર છ માસનું છે. એ સાંભળી, વિચારી માતાપિતા તથા પત્નીઓને સમજાવી રૂપચંદે સિદ્ધસેનસૂરિ પાસે દીક્ષા લીધી. એની સાથે એની પત્નીઓએ અને પાંચેક વડીલોએ પણ દીક્ષા લીધી.
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy