________________
ક્ષમાપના
૩૪૯
માને છે, ત્યાં સુધી દારૂ છોડવાનો નહીં. પૈસાની બરબાદી થાય, શરીરની બરબાદી થાય, કુટુંબની બરબાદી થાય, આબરૂની બરબાદી થાય, ભલે જે થવું હોય તે થાય પણ હિતકારી માન્યું છે ત્યાં સુધી એ છોડવાનો નહીં. એમ અહીં પણ આ ભવની બરબાદી થાય, આત્માની બરબાદી થાય, અધોગતિમાં જવું પડે તો પણ એ વિષયોને, કષાયોને, આરંભને, પરિગ્રહને, અસદેવ-ગુરુ-ધર્મને છોડવા તૈયાર થતો નથી. એમાં આશ્ચર્ય કરવા જેવું નથી.
આપણને એમ થાય કે આ મનુષ્યભવમાં આવીને આ જીવ કેમ આમ કરે છે ? પણ તેનો એ પ્રકારનો તીવ્ર મોહનીય કર્મનો ઉદય છે કે એ કરી શકે તેમ નથી, એવી એની યોગ્યતા નથી. દારૂ પીનારા પર તમને દયા આવે કે આ બિચારાનો મનુષ્યભવ ખરાબ થયો અને એની સાથે પીવાવાળા પણ એમ જ કહેવાના કે ‘નિકલ જાયેગા જી તો કૌન કહેગા પી.’ એક ભોગી થવાનો બોધ કરે છે, એક યોગી થવાનો બોધ કરે છે. કોઈને કોઈનો અને કોઈને કોઈનો બોધ કેમ લાગે છે ? તો જેને ભોગી થવાનો બોધ લાગે છે તે અજ્ઞાની છે, અવિવેકી છે. યોગી થવાનો બોધ લાગે છે તે વિવેકી કહેવાય. અનાદિકાળથી અજ્ઞાનમાં અંધ થયો છું. પ્રજ્ઞાચક્ષુ તો સારા કે એને માત્ર આંખેથી દેખાતું નથી પણ અજ્ઞાનરૂપી અંધકારમાં એને આત્માનું હિત કે પરમાર્થ સૂઝતો નથી.
કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ.
— શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર - ગાથા - ૯૮
આપણને ક્યારેય લાગતું નથી કે હું અજ્ઞાની છું. આપણને તો એમ જ લાગે છે કે મને શાસ્ત્રનું જ્ઞાન છે, ધર્મનું જ્ઞાન છે, દુનિયાની બધી કળાઓનું જ્ઞાન છે. એક વખત અમારી સાથે એક ભાઈ ટ્રેઈનમાં આવેલા, એમને દરેક ક્ષેત્રનું ખૂબ જ્ઞાન હતું. શાસ્ત્રો પણ ઘણા વાંચેલા. કોઈ એમની સાથે ચર્ચા કરી શકે નહીં. બધાને ચર્ચામાં હરાવી દે. પછી છેવટે તેમણે કહ્યું કે મને કુકેવળજ્ઞાન છે. એટલે કહેવા એમ માંગતા હતા કે મને જ્ઞાન બધું છે, પણ કુશાન છે. એટલે બીજું દુનિયાનું જ્ઞાન ઘણું હોય, ઘણો ડાહ્યો હોય, ઘણો હોશિયાર હોય, લોકો એની સલાહ માનીને કામ કરતા હોય, પણ પરમાર્થમાર્ગમાં એ આંધળો છે, કેમ કે અજ્ઞાની છે. તો, અનાદિકાળથી અજ્ઞાનથી અંધ થયો છું આ વાત જ્યારે તમને બેસો ત્યારે તમે સાચા દેવ, ગુરુ, ધર્મની શોધમાં આવશો. જ્યાં સુધી હું અજ્ઞાનરૂપી અંધકારમાં ફસાયેલો છું એ વાત બેસશે નહીં ત્યાં સુધી તમે સાચા દેવ, ગુરુ, ધર્મ પ્રત્યે વળશો નહીં. સદ્ગુરુના ઉપદેશથી વિવેક આવે તો અજ્ઞાન દૂર થાય. ઉપદેશ તો મળે, પણ જો વિવેક ના આવે તો પણ અજ્ઞાન દૂર થાય નહીં.