________________
પ્રસ્તાવના
સાધકની સાધનાનું લક્ષ્યબિંદુ છે પરમપદની પ્રાપ્તિ. પ્રભુભક્તિ, પ્રભુનાં ગુણગાન, પ્રભુના ચરણોમાં સર્વ સમર્પણની ભાવના પરમપદ અર્થાત્ મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ કરાવે છે. આના માટે કોઈ ઉચ્ચ આત્મા નિમિત્તરૂપ બનતો હોય છે.
અર્થશાસ્ત્ર (Economics) સાથે M.A. કર્યું. ભણવાનો શોખ, આથી ફરી સમાજશાસ્ત્ર(sociology)ના વિષય સાથે M.A. કર્યું. સાથે સાથે એક્યુપ્રેશર(Accupressure)નો પણ અભ્યાસ કર્યો. જ્ઞાનપિપાસા એટલી પ્રબળ હતી કે કંઈક ભણવાની ઇચ્છા સતત થયા કરતી. મારાં માતા-પિતા ખૂબ જ ધાર્મિક વૃત્તિના તેથી બાળપણથી જ ધર્મના સંસ્કાર. વ્યાવહારિક જ્ઞાન તો લીધું પણ જૈન ધર્મમાં રુચિને કારણે કંઈક જૈન વિષયમાં ભણવાની પ્રબળ ઇચ્છા થતી.
ભક્તામર સ્તોત્રનું પઠન ઘણાં વર્ષોથી કરતી હતી. આ સ્તોત્રનો ભાવાર્થ જેમ જેમ સમજતી ગઈ તેમ તેમ તેમાં રહેલું કાવ્યત્વ અને અધ્યાત્મ બંનેનો અપૂર્વ સુમેળ સમજાતો ગયો. આ સ્તોત્ર સો કોઈના કંઠ અને હૃદય બંનેમાં વસેલું છે. તેમાં પ્રભુની સ્તુતિનો ભાવ અદ્ભુત રીતે પ્રગટ થાય છે.
આ સ્તોત્રમાં જે રીતે પ્રભુના શાંત રસનું નિરૂપણ થયેલું છે તેવું બીજું ક્યાંય થયેલું જોવા મળતું નથી તેથી તેમાં વિશેષ રસ જાગ્રત થયો. તેથી કરીને તેને લગતાં સાહિત્ય, પુસ્તકો તેમજ હસ્તપ્રતોનો અભ્યાસ શરૂ કર્યો. પ્રાચ્યવિદ્યા સંશોધન મંદિર, ડેક્કન યુનિવર્સિટી, કોબા પુસ્તક ભંડાર, શારદાબહેન રિસર્ચ સેન્ટર – અમદાવાદ, લીંબડી, ખંભાત, જેસલમેર, સુરત, અમૃતલાલ કાળીદાસ પુસ્તક ભંડાર – ઇર્ષા, મુંબઈ, મહાવીર જૈન વિદ્યાલય - મુંબઈ – આ સર્વ જ્ઞાનભંડારોની હું આભારી છું કે જેણે મને પુસ્તકો, ઝેરોક્ષ, હસ્તપ્રતો વગેરે પૂરાં પાડ્યાં. આ ગ્રંથભંડારોમાંથી લગભગ ૧૦૦ જેટલાં પુસ્તકો વાંચ્યા પછી થયું કે આવા અદ્ભુત સ્તોત્ર વિશે સવિશેષ – વિસ્તૃત અને ઊંડાણપૂર્વકની સમજ આવે તે માટે વધુ વાંચન કરવાનું વિચાર્યું. જેમ વાંચન કરતી ગઈ તેમ તેની વિશેષતા અંગે જાણવાની ઇચ્છા વધુ પ્રબળ થતી ગઈ.
આ માત્ર ભગવાનની સ્તુતિ જ નથી. પણ સ્તુતિની સાથોસાથ ભક્તના હૃદયના ઊર્વાહરણનું આલેખન છે. સ્તુતિ દ્વારા પ્રભુના ગુણો આત્મામાં પ્રવેશે, એનું બીજ રોપાય અને એનું વિકસન થાય. આમ આ માત્ર પ્રભુસ્તુતિ નથી પણ એક ભક્તોને માટે ક્રમિક યાત્રાનો આલેખ છે અને એ જ આ સ્તોત્રની વિશેષતા છે. એક બાજુ પ્રભુના ગુણોનું દર્શન કરતા જાવ અને એની સાથે તમારા અંતરમાં એ ગુણો કેટલા પ્રગટ્યા છે એનું વિશ્લેષણ કરતા જાવ. આ એક ભિન્ન પ્રક્રિયા છે. પ્રભુના જે ગુણોનું વર્ણન છે એ માત્ર અહોભાવવાળું વર્ણન નથી પણ ભક્તના આત્માના