SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ નિજ સ્વરૂપને જાગ્રત કરાવનારું, ઢંઢોળનારું તત્ત્વ છે. પ્રભુના ગુણોનું સિંચન જે ભક્તાત્મા પર થાય છે તેના અંતરમાં તેવી જ ગુણરૂપી કૂંપળો ફૂટે છે. અનેક વિશેષતાઓમાં આ સ્તોત્રની એક વિશેષતા એ છે કે સામાન્ય માણસને પોતાના જીવનમાં આવનારાં – આવેલાં દુઃખોમાંથી બચાવનારું કોઈ જોઈએ છે... તો એ આ સ્તોત્ર છે. કોઈ ભક્તને તીર્થંકરની ભક્તિમાં ઓળઘોળ કરી દેતું સ્તોત્ર લાગે અને કોઈ સાધકને તીર્થંકરની ગુણરાશિનું સ્વ જીવનમાં રૂપાંતર કરવાનો પડકાર લાગે. ભક્તામર સ્તોત્રવિષયક આવી કંઈક વિશેષતાઓ અંગે જાણી-વિચારીને ગહન અભ્યાસ કરવાર્થે તેના પર પીએચ.ડી. કરવાનું નક્કી કર્યું. જ્યાં સુધી વાંચન કે લેખનકાર્ય કરો ત્યાં સુધી સતત પ્રભુના સ્મરણમાં રહેવાની અને તેના ઊંડાણમાં જવાની તક મળે તેવો વિષય નક્કી થયો : જૈન સ્તોત્રસાહિત્ય અને ભક્તામર સ્તોત્ર'. શ્રી મહર્ષિ દયાનંદ કૉલેજના પ્રો. ડૉ. કલાબહેન શાહના માર્ગદર્શન હેઠળ શોધ-પ્રબંધની શરૂઆત કરી. "ગુરુવેવો ભવઃ" એ ઉક્તિ આ વાત્સલ્યમય કરુણામૂર્તિ, નમ્ર-નિખાલસ ડૉ. કલાબહેન માટે યથાયોગ્ય છે. તેમણે સ્નેહની સરવાણી કરીને પોતાના અતિવ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને મને સુંદર માર્ગદર્શન આપ્યું છે. તેમનો સહયોગ અવિસ્મરણીય છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી ૨૦૦૧માં પીએચ.ડી.ની ઉપાધિ મળી. આજે તેને આપ સર્વ સમક્ષ 'II ભક્તામર તુર્થ્ય નમઃ II' ગ્રંથ સ્વરૂપે રજૂ કરી રહી છું. આ ગ્રંથમાં મારો ઉપક્રમ આ પ્રત્યક્ષ અર્થની સાથોસાથ તેની પાછળ રહેલી પરોક્ષ અનુભૂતિ દર્શાવવાનો છે. એમાં પ્રભુસ્તુતિ છે, ગુરુસ્તુતિ છે અને ભાવસ્તુતિ છે. આમ આ નાનકડા સ્તોત્રમાં શાસ્ત્રનો વિચાર કરીએ તો એનો અનેક ભૂમિકાએ વિચાર કરવો પડે. તેથી આ ગ્રંથમાં એનો વાચ્યાર્થ અને ગૂઢાર્થ દર્શાવ્યો છે અને એમાં પણ ગૂઢાર્થની વિશેષ–વ્યાપક રીતે ચર્ચા કરી છે. આ ગ્રંથના પ્રારંભે જૈન સ્તોત્રસાહિત્યનો અભ્યાસ આપેલો છે જેથી આ સ્તોત્ર વિશેની એક ભૂમિકા વાચકના મનમાં ઊપસી આવે. એના રચિયતા આચાર્યશ્રી માનતુંગસૂરિના જીવનચરિત્રની સાથોસાથ આ મહાન સ્તોત્રની સર્જનકથા પણ વણી લીધી છે અને એ નિમિત્તે જેમની સ્તુતિ રૂપે આ સ્તોત્ર લખાયું છે તે શ્રી આદિનાથ પ્રભુના જીવનચરિત્રને ટૂંકમાં આલેખ્યું છે. ભક્તામર સ્તોત્ર સર્વગ્રાહી ગ્રંથ આપવાનો આશય હોવાથી તેની પદ્યસંખ્યા, પ્રભાવક કથાઓ, વૃત્તિપાદપૂર્તિઓ એ બધાંનો આમાં સમાવેશ કર્યો છે. એ જ રીતે એમાં ગૂઢાર્થ રીતે સમાયેલાં મંત્ર– યંત્ર−તંત્ર, અષ્ટકો વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. આ બધાંની સાથોસાથ જિજ્ઞાસુઓ, મુમુક્ષુઓ, અધ્યાત્મ-પ્રેમીઓ અને સાહિત્યરસિકોના હૃદયમાં અને કંઠમાં આ સ્તોત્ર સવિશેષ સ્થાન ધરાવે છે અને તેથી જ તેના પ્રત્યેક શબ્દમાં નીતરતું કાવ્યત્વ મને એના અર્થમાંથી થતા મુક્તિપંથનો ૨મણીય ઉઘાડ દર્શાવે છે. એનો વસંતતિલકા છંદ અને એના ગુજરાતીમાં થયેલા પદ્યાનુવાદ સાથે-સાથે તમિલ, તેલુગુ, મરાઠી, ઉર્દૂ, ફારસી, બંગાળી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં લિવ્યંતરો થયાં છે. તેની માહિતી આપવામાં આવી છે. VI
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy