________________
ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ 407 લઈને તેને સંપૂર્ણ સોળે કળાએ ખીલેલા સુધીનું વર્ણન કર્યું છે. તેવી જ રીતે સૂર્ય રાત્રિના અંધકારનો નાશ કરનાર છે પરંતુ સાથે સાથે તે સાંજે અસ્ત થાય છે તેમ પણ જણાવ્યું છે. તે ઉપરાંત તે એક લોકને જ પ્રકાશિત કરે છે. જ્યારે પ્રભુ ત્રણે લોકને જાગ્રત કરનાર સ્વયંપ્રકાશી છે. બંને ગ્રહો રાહુ વડે ગ્રસિત છે. આમ બંને આકાશી તત્ત્વોની ઉપમા દ્વારા પ્રભુને તેની તુલનામાં સર્વોત્કૃષ્ટ વર્ણવ્યા છે. અહીં જગતને બાહ્ય રીતે પ્રકાશિત કરનારની ઉપમાનું સુંદર, સુરમ્ય, મૌલિક ભાષામાં સરળ શબ્દોમાં કવિવર શ્રી માનતુંગસૂરિએ વર્ણન કર્યું છે.
(૨) દેવગણ-સ્વર્ગ્યુ તત્ત્વો સૂરિજીએ દેવો અને દેવેન્દ્રોને અમર, મણિથી શોભતા મુકુટધારી, બુદ્ધિવંત શ્લોક ૧-૨-૩માં વ્યક્ત કર્યા છે. જ્યારે ૨૧મા શ્લોકમાં હરિહર, ૨૪માં બ્રહ્મા, કામદેવ, યોગેશ્વર અને રપમાં બુદ્ધ, શંકર, બ્રહ્મા વગેરેની ઉપમા આપી છે.
(૩) આકાશ અને પૃથ્વીની મધ્યમાં રહેલાં તત્ત્વોઃ સૂરિજીએ વાયુ કલ્પાન્તકાલનો પ્રચંડ પવન શ્લોક ૪-૧૫-૪૦માં વ્યક્ત કર્યો છે. વાદળાં જે સૂર્ય તથા ચંદ્રના પ્રભાવને આડે આવી રોકે છે તે શ્લોક ૧૭-૧૮માં વર્ણવ્યું છે. જ્યારે પાણીના ભારથી નમ્ર બનેલાં વાદળાં ૧૯મા શ્લોકમાં કહેલાં છે.
() પાર્થિવ તત્ત્વો સૂરિજીએ જલતત્ત્વની અભિવ્યક્તિ અગાધ સમુદ્રના રૂપમાં કરી છે અને જેમાં ભયંકર જલચર પ્રાણીઓ ઊછળી રહેલાં છે. તેને ભુજાઓ વડે તરવામાં દુઃશક્ય શ્લોક ૪માં, ક્ષીરસમુદ્ર, શ્લોક ૧૧માં અને અનેક જલચર પ્રાણીઓના આશ્રય રૂપે શ્લોક ૪૦માં વર્ણવ્યા છે. જ્યારે મેરુ પર્વતને સ્થિર, અવિચલ, ઉન્નત અને કઠોરતાના ભાવો દર્શાવવા માટે શ્લોક ૧૫માં ઉપયોગ કર્યો છે. મહારત્નમણિ જે તેજસ્વી રૂપે અને કાચ જે ક્ષણિક તેજ રૂપે શ્લોક ૨૦માં રજૂ કર્યા છે. અગ્નિતત્ત્વને પણ તેમણે તેમની રચનામાં સમ્મિલિત કર્યું છે. શ્લોક ૧૬માં દીપક રૂપે અને શ્લોક ૩૬માં દાવાનલના રૂપમાં અગ્નિતત્ત્વનું વર્ણન કરેલ છે.
(૫) પ્રાકૃતિક સંપદાઃ ભક્તામરકાર સૂરિજીને પ્રાકૃતિક સંપદા વિશેષ પ્રેરણાસ્ત્રોત હોય તેમ જણાય છે. તેથી જ સૂરિજીએ પદ્મ અર્થાત્ કમળને ઉપમાન તરીકે ઘણા શ્લોકોમાં વર્ણવ્યું છે. શ્લોક૮માં કમળ ઉપર પડેલું ઝાકળ મોતી જેવી કાંતિ ધારણ કરેલું હોય છે, કમળ સૂર્યના પ્રકાશ વડે દિવસમાં વિકસ્વર થાય છે તે શ્લોક ૯માં દેવો દ્વારા સુવર્ણકમળની રચના થાય છે. શ્લોક ૩૨માં કમલમાં પરાગરજ હોય છે એમ શ્લોક ૪૧માં વર્ણવ્યું છે જ્યારે મોગરાના અતિશ્વેત પુષ્પનું વર્ણન શ્લોક ૩૦માં કરેલ છે. ધાન્યનાં ખેતર-વન અને નાગદમની ઔષધિ અનુક્રમે શ્લોક ૧૯ અને ૩૭માં વર્ણિત કર્યા છે. વસંતતિલકા જેવા મધુર અને માદક, ચિત્તાકર્ષક છંદમાં આ સ્તોત્રરચના થઈ છે. તેવી જ વસંત ઋતુની માદકતાનું વર્ણન શ્લોક ૬માં કર્યું છે. સૂરિજીએ પ્રકૃતિની સંપદામાંથી જે જે તત્ત્વોને ઉપમાન તરીકે લીધાં છે તે દરેક તત્ત્વ સુગંધ અને માદકતાથી ભરપૂર ચિત્તાકર્ષક અને મનોહારી છે.
(૬) પ્રાણીજગત સૂરિજીએ શ્લોક ૫માં મૃગ-મૃગેન્દ્ર, શ્લોક ૬માં કોકિલા, શ્લોક ૭માં ભ્રમર,