________________
ભાવના હોય છે. તેમણે કહ્યું છે કે
સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ * 13
स्तुतिः स्तोतुः साधोः कुशलपरिणामाय स तथा, भवेन्मा वा स्तुत्यः फलमपि ततस्तस्य च सतः । किमेवं स्वाधीन्याज्जगति सुलभे श्रेयसपथे, स्तुयान्न त्वां विद्वान् सततमभिपूज्यं नमिजिनम् । । ११६ ।।
અર્થાત્ ‘સ્તુતિ એ તેનું ફળ ન હોવા છતાં સ્તુતિ કરનાર સાધુના કુશલ પરિણામ માટે હોય છે તેથી જગતમાં સ્વાધીન અને સુલભ એવાં કલ્યાણ-માર્ગરૂપ આ સ્તુતિ વિષે હે નેમિનાથ ! કોણ વિદ્વાન પ્રવૃત્ત ન થાય ?' એટલે સ્તુતિ ફળ આપે કે ન આપે પણ તેનાથી થતાં કુશલ પરિણામો સર્વેને વાંછનીય છે. સ્તુતિ કરનારની સરખામણી દીવામાં બળતી વાટની સાથે કરવામાં આવે છે. ઉપાસના કરતો ભવ્યજીવ સ્વયંમાં શુદ્ધ સ્વરૂપ વિકસિત કરવા માટે જે રીતે વાટ તેલાદિથી સજ્જિત થઈ દીવાની ઉપાસનામાં તન્મય બની જાય છે, તેમ જ આત્માર્પણ કરી તદાકાર બને છે.
તાત્પર્ય કે ઉત્તમ સ્તોત્રકારની રચના ઉત્તમ સ્તુતિ માટે હોય છે. પછી તેનું ફળ પ્રાપ્ત થાય કે નહીં તે વિચારણીય નથી. આના માટે સ્તુતિ ફલાકાંક્ષાથી પર થઈને દીપકમાં બળવાવાળી જ્યોતની જે તૈલાદિથી તરબોળ થઈ છે તેની સમજ આપી છે; જેમ કે એ દીપકની તપશ્ચર્યા કરતી હોય તેમ એના ચરણોમાં જ તન્મયતાપૂર્વક પોતાને સમર્પિત કરી દે છે, તેનામાં જ તદાકાર બની જાય છે, અને સ્વયં દીપકની સમરૂપ બનીને, દીપકમય બનીને પ્રકાશમાન બની જાય છે. તેવી જ રીતે સ્તુતિકાર પણ સ્વયંમાં આ શુદ્ધ સ્વરૂપને વિકસિત કરવાની દૃષ્ટિથી સ્તુતિ કરે છે.
દીપક અને વાટના દૃષ્ટાંતથી એ સ્પષ્ટ થાય છે કે જો સ્તુતિ માત્ર સ્તુતિ હોય અથવા પોપટની જેમ પઢવું અથવા માત્ર સ્તુતિ રૂઢિપાલન હોય તો એમાં કોઈ અર્થ સિદ્ધ થતો નથી. ભાષા કરતાં ભાવની અગત્ય વધારે હોય છે. શબ્દ વિનાની પણ હૃદયથી થતી સ્તુતિ ચાલે, હૃદય વિનાની પણ શબ્દાડંબરવાળી સ્તુતિ નિરર્થક છે. આત્મા ૫ર જામેલા કર્મના પડળની મલિનતાને દૂર કરવાનો પ્રયત્ન હોય તો જ સ્તુતિ સાર્થક ગણાય. હૃદયમાંથી શ્રદ્ધાપૂર્વક થતી સ્તુતિ આત્માને લાગેલી મલિનતા સ્વચ્છ કર્યા વિના રહેતી નથી. તેથી જ સ્તુતિ તો સાચા હૃદયથી થવી જોઈએ. સ્તુતિ કરતાં સ્તોતવ્યના ગુણોની અનુભૂતિ કરતાં કરતાં એમાં જ એકાકાર થઈ, તેમાં જ અનુરાગી બની એના ગુણોને સ્વયં પોતાનામાં વિકસિત કરવાનો પ્રયત્ન કરે તો સ્તુતિનો ઉદ્દેશ અને એનો હેતુ સિદ્ધ થાય છે. આની સાથે જ આરાધ્યદેવમાં શ્રદ્ધા, વિશ્વાસ, મન-વચન અને કાયા દ્વારા તેનામાં નિષ્ઠા હોવી પણ અતિ આવશ્યક છે.
સ્તુતિ સાધનાનું આવશ્યક અંગ ધ્યાન છે. હૃદયપૂર્વકની સ્તુતિમાં ભક્ત એટલો આર્તધ્યાન રહેવો જોઈએ કે તે વખતે તેને બીજી કોઈ પણ વસ્તુનું ભાન જ ન હોય. જ્યાં સુધી સ્તુતિ હૃદયમાં ન ઊતરે ત્યાં સુધી સ્તુતિનો કોઈ અર્થ નથી. સ્તુતિ કરતાં કરતાં સ્તોતવ્યમાં ઉપાસક એટલો