________________
14 || ભક્તામર તુલ્યું નમઃ II
તરૂપ થઈ જાય કે તેને બીજા કશાનું ભાન જ ન રહે. આવી તલ્લીનતા કેવી રીતે આવે ? શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય ૬, શ્લોક ૨૫-૨૬માં કહ્યું છે કે, “ધીરે ધીરે અભ્યાસ કરતાં કરતાં ઉપશમતાને પ્રાપ્ત થયું. ધૈર્યમુક્ત બુદ્ધિથી મનને પરમાત્મામાં સ્થિર કરીને અને કોઈ પણ વિચારને મનમાં આવવા ન દેવો તથા આ ચંચળ અને અસ્થિર મન જ્યાં-ત્યાં દોડીને જાય ત્યાં ત્યાંથી હટાવીને વારંવાર તેને પરમાત્મામાં જ લગાવવું જોઈએ.''
ભક્ત સાધક જ્યારે પોતાના ઇષ્ટદેવનું ધ્યાન પદ્યાત્મક સ્વરૂપે કરાયેલ વર્ણન દ્વારા કરે છે ત્યારે જે પ્રકારે વર્ણન થાય છે તે જ પ્રકારનું સ્વરૂપ સાધકના મનઃચક્ષુ સમક્ષ તાદૃશ્ય થઈ જાય છે. સ્તુતિમાં પણ ઇષ્ટદેવના ગુણોનું, તેમના સ્વરૂપનું, તેમને પ્રાપ્ત થયેલી વિભૂતિઓનું વર્ણન હોય છે. તેથી સ્તુતિ ક૨ના૨ની નજર સમક્ષ, આ સર્વ ભક્તની નજર સમક્ષ પણ ઉપસ્થિત થાય તેવું વર્ણન હોય છે. વિવિધ છંદોનો પ્રયોગ, આલંકારિક શૈલી, કાવ્યકલાથી પૂર્ણ શબ્દલાલિત્ય અને કલ્પનામય ભાવો વગેરે તથ્યોનો સમાવેશ કરીને સ્તુતિની રચના કરવામાં આવે છે. જેના દ્વારા પાઠન-શ્રવણથી નિર્મળ ચિત્તમાં વર્ણાનુસારી પ્રતિબિંબ અંકિત થઈ શકે છે તથા થોડા સમય માટે પણ સાધકનું ચિત્ત સ્તોતવ્ય સાથે સમરૂપ બને છે.
શાસ્ત્રોમાં કહ્યું છે કે, “સ્તોત્રનું માનસિક સ્મરણ અને મંત્રનું વાચિક સ્મરણ બંને ફૂટેલા ઘડામાં પાણી ભરવા સમાન છે.’
જો સ્તોત્રનું ફક્ત માનસિક રીતે પોપટ-પઠન કરવામાં આવે અને મંત્રનું વાચિક અર્થાત્ તંત્ર અને યંત્ર વિના ગણવામાં આવે તો તેનું કોઈ ફળ મળતું નથી. સ્તોત્રનું પઠન અંતઃકરણપૂર્વક, ધ્યાન ધરીને સ્તોતવ્ય સાથે તદ્રુપ થઈને મધુર સ્વરમાં અને અર્થાનુસંધાન દ્વારા થવું જોઈએ. અર્થાનુસંધાનનો અર્થ એ થાય છે કે જે કંઈ બોલવામાં આવે છે તેનો અર્થ શું છે ? તેનું જ્ઞાન રાખીને સ્તુતિનો પાઠ કરવામાં આવે તો તે સ્તુતિ સફળ થાય છે. કારણ કે સ્તુતિમાં કરવામાં આવેલા વર્ણનાનુસાર સ્મૃતિપટ પર ચિત્રાંકન અંકિત થાય છે અને તે દ્વારા જેનું વર્ણન કરવામાં આવ્યું છે તેની સાથે તાદાત્મ્ય સધાય છે. આ સ્તુતિ કરવાની સરળ અને સાચી પદ્ધતિ છે કે જેના દ્વારા જેની સ્તુતિ કરવામાં આવે છે તેના જેવા બની શકાય છે અર્થાત્ પરમાત્માની સ્તુતિ કરતાં કરતાં પરમ આત્મા બની શકવાની શક્યતા અનેક ગણી વધી જાય છે.
‘જ્ઞાનપૂર્વક કરેલાં કર્મો નિષ્ફળ ન જાય' એ ઉક્તિને ધ્યાનમાં રાખીને શુદ્ધ ઉચ્ચારણ, રસાનુકૂળ સ્વરોચ્ચાર તથા છંદ બોલવાની પદ્ધતિ આત્મસાત્ કરવી જોઈએ. આ બધી વાતો ગુરુભગવંત કે યોગ્ય વિદ્વાન પાસે શીખી લેવી જરૂરી છે. પાઠનું પાઠાન્તર ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. પાઠનું પાઠાન્તર થતાં અર્થનો અનર્થ થઈ જતો હોય છે.
સ્તુતિ દ્વારા સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરનાર ત્રણે જગતનું આધિપત્ય જેનું છે તેવા ઇષ્ટદેવ, ઈશ્વર, આરાધ્યદેવ સાથે સીધો સંબંધ જોડી શકાય છે. સ્તુતિ દ્વારા વિશ્વની મહાન શક્તિને પ્રાપ્ત કરી શકાય છે. આ શક્તિ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ જેટલી જ નક્કર સર્વકાલીન અને પૃથ્વી