________________
યોગશાસ્ત્રના જ્ઞાનનો કવિએ પોતાની રચનામાં ઉપયોગ કર્યો હોય તેવો, ચિત્રભારતનાટકનો એક શ્લોક અહીં ઉદાહરણ(૨૨) તરીકે રજૂ થયો છે. યોગના ધ્યાનાદિ પ્રકારોની મદદથી દરેક સાધકે પોતાના હૃદયમાં રહેલા પ્રકાશને, ‘આંતર-જ્યોતિઃ’ને પામવાનો છે. આ વાત કવિએ અહીં ઠસાવી છે.
વૃત્તિમાં યોગ્રિંથપુ એ વાક્યમાં, અંતે, જે આવિ શબ્દ વાપર્યો છે તેમાં જે ગૌણ શાસ્ત્રો તથા વિષયોના જ્ઞાનની કવિને જરૂર પડે છે તે બધાંની સોદાહરણ ચર્ચા હવે ગ્રંથકાર હાથમાં લે છે.
‘આયુર્વેદશાસ્ત્ર’માં કવિની નિપુણતા દર્શાવતો એક શૃંગા૨-૨સનો શ્લોક(૨૩) ‘પદ્યકાદંબરી’માંથી ઉદ્ધૃત કર્યો છે. આ શ્લોકમાં પ્રેમરૂપી જ્વર(તાવ)નાં શરીર પર વરતાઈ આવતાં ચિહ્નોનું આયુર્વેદશાસ્ત્રના જ્ઞાન વડે કવિએ હૃદયંગમ વર્ણન કર્યું છે. નૈષધીય(૪,૨)માં પણ આયુર્વેદજ્ઞાનનો સરસ ઉપયોગ થયો છે.
વિવેકમાં મળતો વિદ્યાનન્દરચિત શ્લોક(૨૪), પ્રેમમાં જ્યોતિષશાસ્ત્રના મુહૂર્તજ્ઞાનની વ્યર્થતા દર્શાવે છે કેમ કે પ્રેમમાં તો જે ક્ષણે પ્રેમી અચાનક આવી ચડે તે ક્ષણ, દિવસ, રાત્રિ જ શુભમુહૂર્ત બની રહે છે.
‘વિવેક’ વ્યાખ્યામાં ૨૫ થી ૩૨ સુધીના ક્રમાંકે આવતા શ્લોકો ગજલક્ષણ, અશ્વ(તુરગ)શાસ્ત્ર, રત્નપરીક્ષા, દ્યૂતવિદ્યા, ઇન્દ્રજાલ, ચિત્રકળા અને ધનુર્વેદ એટલાં ગૌણ શાસ્ત્રોના જ્ઞાનનાં કાવ્યરૂપ નિદર્શનો બની રહે છે.
‘કનકકજાનકી’ નામના પ્રસિદ્ધ કાવ્યમાં ગજશાસ્ત્રના જ્ઞાનનો ઉપયોગ કરીને, પોતાની પ્રિયહસ્તિનીના વિરહમાં વ્યથા અનુભવતા હાથીની સ્થિતિનું વર્ણન કરી, રૂપકદ્વારા, કવિ, સીતાના વિયોગથી વ્યથિત રામ(રાધવકુંજર)ની દશાનું કરુણ ચિત્ર દોરી આપે છે(વિવેક, શ્લો.૨૫).
ઉદાહરણશ્લોક ૨૬માં કવિના તુરગશાસ્ત્રના, અશ્વવિદ્યાના જ્ઞાનનો ઉપયોગ દર્શાવ્યો છે. ‘અમૃતતરંગકાવ્ય'માં મળતા આ શ્લોકમાં કવિએ ભરતી વેળાના સમુદ્રનું વર્ણન કરીને તેમાં ઘોડાનાં વિવિધ લક્ષણો દર્શાવ્યાં છે - જાણે સમુદ્ર ઘોડાનું અનુકરણ કરવા લાગ્યો છે.
શ્લોક ૨૭માં રત્નપરીક્ષાનૈપુણ્યનું ઉદાહરણ છે. રત્નવિશેષજ્ઞ કવિ જ આવો શ્લોક રચી શકે. રાજાઓ માટે, જપાપુષ્પખંડ કે વિદ્રુમખંડ જેવો લાલરંગ અને હલદરના દ્રાવણ જેવો રંગ ધરાવતા હીરા-રત્ન શ્રેષ્ઠ છે એમ રત્નપરીક્ષાનિપુણ લોકો કહે છે.
૩૯