________________
‘સ્મૃતિ’ એટલે શ્રુતિના અર્થનું સ્મરણ. તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારેય પુરુષાર્થોના અંગરૂપ આચાર, વ્યવહાર વગેરે વિષયોનું પ્રતિપાદન થાય છે. એમાં પ્રાચીન ધર્મ, નીતિ, કાનૂન વગેરે વિષયોની ચર્ચા મળે છે. સ્મૃતિનો પરિચય કરાવવા ‘નારદસ્મૃતિ'માંથી પ્રાચીન વ્યવહાર(કાનૂન)ને લગતો એક શ્લોક ‘વિવેક’માં(શ્લો. ૬) આપ્યો છે અને પછી કાલિદાસના ‘વિક્રમોર્વશીયમ્ નાટકના ચોથા અંકના સત્તરમા શ્લોકમાં એ જ ‘સ્મૃતિજ્ઞાન’નો કવિએ કેવો સર્જનાત્મક વિનિયોગ કરી ચમત્કૃતિ સાધી છે તે વાત પ્રસ્તુત શ્લોક ટાંકીને દર્શાવી છે. આથી સ્મૃતિજ્ઞાન પણ કવિને ઉપકારક છે.
પુરાણની વ્યાખ્યા આપતાં કહે છે કે પુરાણો પ્રાયઃ વેદોનાં આખ્યાનો પર આધારિત લાંબા કથાનકોનાં બનેલાં છે. એમાં સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તરો અને વંશાનુચરિત એ પાંચ વિષયોનું નિરૂપણ હોય છે. આવાં અઢાર પુરાણો પ્રસિદ્ધ છે. એમાંથી ‘અગ્નિપુરાણ’નો એક શ્લોક ‘વિવેક’માં ઉદાહરણ(૮) તરીકે ઉદ્ધૃત કર્યો છે. આ શ્લોકમાં હિરણ્યકશિપુ નામના દૈત્યનું વૃત્તાન્ત છે. તેનો મહાકવિ માઘે પોતાના સુપ્રસિદ્ધ મહાકાવ્ય શિશુપાલવધ(૧.૪૬)માં કુશળતાપૂર્વક, કવિત્વપૂર્ણ, વિનિયોગ કર્યો છે અને એક સુંદર શ્લોક રચ્યો છે(વિવેક, શ્લો. ૯).
ઇતિહાસને હેમચન્દ્રાચાર્યે પુરાણનો પેટા વિભાગ કહ્યો છે. પરંપરાગતરીતે ‘રામાયણ’ અને ‘મહાભારત' ઇતિહાસગ્રંથો તરીકે પ્રતિષ્ઠિત છે. આથી ગ્રંથકારે રામાયણ(૪.૩૪.૧૮)નો એક પ્રસિદ્ધ શ્લોક ટાંકી, તે જ શ્લોક પરથી ‘જાનકીહરણ’મહાકાવ્યના કર્તા કુમારદાસે ઇતિહાસજ્ઞાનના સામર્થ્યથી, રામાયણનો આશય પકડીને, શ્લોક રચ્યો છે તે દર્શાવ્યું છે. આ ઇતિહાસનૈપુણ્યનું જ ફળ છે.
હવે ‘આગમ’ના જ્ઞાનની ઉપયોગિતા દર્શાવે છે. આગમ એટલે ‘આપ્તવચન’. આ લોક તથા પરલોકમાં કલ્યાણ અપાવનારા, સિદ્ધપુરુષોએ પ્રમાણિત કરેલા, પ્રવર્તાવેલા સિદ્ધાંતો તે જ આગમ કે શાસ્ત્ર. શૈવો, બૌદ્ધો, જૈનો વગેરેના સંપ્રદાયશાસ્ત્રો માટે પણ ‘આગમ' શબ્દ પ્રયોજાય છે. વળી ‘આગમ’ શબ્દ તંત્રશાસ્ત્ર માટે પણ પ્રયોજાય છે. વળી દરેક મતના સિદ્ધાંતોને આગમ શબ્દથી ઓળખાવાય છે. અહીં આગમનૈપુણ્ય કવિને કેવી રીતે ઉપકારક નીવડે છે તે દર્શાવવા પ્રથમ શૈવાગમનૈપુણ્યનો શ્લોક(૧૨૦) રજૂ કરી, પછી બૌદ્ધાગમ નૈપુણ્યનો નિદર્શક શ્લોક(૧૩) ‘વિવેક’ વ્યાખ્યામાં ઉદ્ધૃત કર્યો છે. આ બંને શ્લોકો અજ્ઞાત કવિના રચેલા છે. પ્રથમ શ્લોકમાં શૈવ આગમનું ગૂઢ સ્વરૂપ
૩૫