________________
અર્થાત્ મંત્ર વગેરેથી ઉત્પન્ન થતી પ્રતિભા ઔપાધિકી કહેવાય છે. વૃત્તિમાં સૂત્રનું વિવરણ કરતાં ગ્રંથકાર જણાવે છે કે મંત્ર, દેવતાની કૃપા વગેરેથી ઉદ્ભવેલી ઔપાધિકી પ્રતિભા છે. ટૂંકમાં મંત્રજાપ, દેવતાનો અનુગ્રહ, ગુરુની કૃપા આદિથી ઉત્પન્ન થયેલી પ્રતિભા ઔપાધિકી છે. આ પ્રતિભા પણ આવરણના ક્ષયથી તથા પ્રતિબંધથી પેદા થાય છે; મંત્ર વગેરેથી આવરણનો ક્ષય તથા નિરોધ થવાથી જ ઉદ્ભવે છે. આમ પ્રથમ તથા દ્વિતીય બંને પ્રકારની પ્રતિભામાં આવરણનો ક્ષય તથા ઉપશમ જરૂરી છે. પણ કેમ કે, બીજા પ્રકારની પ્રતિભામાં બાહ્ય બાબતો (મંત્રાદિ) કારણરૂપ થયેલી દેખાય છે, તેથી તેને ઔપાધિકી કહે છે. ઉપાધિ એટલે કે બાહ્ય કારણથી જન્મે છે તેથી તે ઔપાધિકી કહેવાય છે. પણ સહજા પ્રતિભામાં કોઈ બાહ્ય વસ્તુ કારણરૂપ દેખાતી નથી. આવરણનો ક્ષયોપશમ સહજ થાય છે - જન્માંતરની વાસના કે સંસ્કારથી થાય છે. આ સહજા અને ઔપાધિકી પ્રતિભા વચ્ચેનો ભેદ છે. જોઈ શકાશે કે પ્રતિભાના કાવ્યશાસ્ત્રીય ખ્યાલનું આ ગ્રંથમાં શ્રી હેમચન્દ્રાચાર્યે જૈન દર્શનના સંદર્ભમાં નવતર નિરૂપણ કર્યું છે અને પ્રતિભાની જૈન પરિભાષા નીપજાવી છે. વ્યુત્પત્તિ અને અભ્યાસ : પ્રતિભાનાં સહાયક તત્ત્વો
પ્રતિભાને કાવ્યનું પ્રધાન કારણ માનવા છતાં શ્રી હેમચન્દ્રાચાર્ય વિદ્વત્તા કે વ્યુત્પત્તિ તથા કાવ્ય રચવાનો નિરંતર મહાવરો કે અભ્યાસનું કાવ્યસર્જનમાં મહત્ત્વ સ્વીકારે છે. આથી તેઓ સાતમા સૂત્રમાં, વ્યુત્પત્તિ તથા અભ્યાસની સ્વતંત્ર વિચારણા કરે છે અને કહે છે કે ઉપરોક્ત બંને પ્રકારની પ્રતિભા -
વ્યુત્પત્યખ્યામાાં સંહાર્યા ॥ (૧.૭)
અર્થાત્ પ્રતિભા ઉપર ‘વ્યુત્પત્તિ તથા અભ્યાસ વડે સંસ્કાર કરવા’. કવિની જન્મજાત સર્જક કલ્પનાને પણ વિદ્વત્તા તેમજ સતત કાવ્યરચનાના મહાવરાની મદદ મળવી જોઈએ. પ્રતિભાની આ કેળવણી છે, સંસ્કાર છે.
પણ ‘વૃત્તિ’માં સ્પષ્ટ કર્યું છે તેમ વ્યુત્પત્તિ અને અભ્યાસ કાવ્યનાં સાક્ષાત્ કારણો નથી, પણ પ્રતિભાને આ બંને તત્ત્વો માત્ર મદદ કરે છે - કેવળ ઉપકારક બાબતો છે. કેમ કે જો પ્રતિભા જ ન હોય તો કવિની વ્યુત્પત્તિ અને કાવ્યરચવાની મહેનત વ્યર્થ ઠરે છે. સબળ, સહજ કલ્પનાશક્તિ વિનાના કવિની વિદ્વત્તા કે અભ્યાસ અફળ છે. એની રચના ઉપહાસપાત્ર બને છે.
૨૮