________________
થાય અને જ્યારે ભાવિ વિઘો પણ પહેલેથી જ અટકાવવામાં આવે ત્યારે આ સહજા પ્રતિભા ઉદ્ભવ પામે છે.
જૈન દર્શન અનુસાર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે કર્મો વડે, જ્ઞાનાવરણ, દર્શનાવરણ વગેરે આવરણો ઉદય પામે છે અને તેમના કારણે આત્મા જે સંપૂર્ણ જ્ઞાનસ્વરૂપ હોય છે તે ઢંકાઈ જાય છે. આત્માનાં આ આવરણો કે વિપ્નો જ્યારે સંપૂર્ણ રીતે નષ્ટ કરવામાં આવે છે અથવા એ આવરણોને ઉદય પામતાં પહેલાં જ રોકવામાં કે દૂર કરવામાં આવે છે ત્યારે જ અસલનો જ્ઞાનસ્વરૂપ આત્મા ફરીથી પ્રકાશથી ઝળહળી ઊઠે છે.
પાંચમાં સૂત્રનો અર્થ સ્પષ્ટ કરવા માટે, શ્રી હેમચંદ્રાચાર્ય સહજા પ્રતિભાની , નૈસર્ગિક પ્રકાશમયતાનો અમૂર્ત ખ્યાલ, સૂર્ય, વાદળો તથા પ્રકાશનું સ્પષ્ટ દર્શન એ ત્રણ બાબતોના દૃષ્ટાંતથી સમજાવે છે.
જેમ પ્રકાશ જેનો સ્વભાવ છે તેવા સૂર્યને વાદળોનો સમૂહ આવરણરૂપ છે તેમ જ પ્રકાશ સ્વભાવવાળા આત્માને જ્ઞાનાવરણીય (જ્ઞાનને ઢાંકનાર) આદિ કર્મ આવરણરૂપ છે. એ ઉત્પન્ન થયેલા આવરણના પૂરેપૂરા વિનાશ પછી અને ઉત્પન્ન ન થયેલા આવરણનો ઉદય રોકાય તે પછી જે પ્રકાશનો આવિર્ભાવ થાય છે તે સહજા પ્રતિભા. સૂત્રમાં જે માત્રાત્ (માત્ર) શબ્દનો પ્રયોગ કર્યો છે તે એ વાત સ્પષ્ટ કરવા માટે છે કે સહજા પ્રતિભા મંત્ર, જપ, ઔષધિ વગેરે કોઈ બાહ્ય કારણ પર નિર્ભર નથી. વાદળો હઠતાં જ જેમ સૂર્ય પુનઃ ઝળહળી ઊઠે છે તેમજ આવરણો હટતાં અને નવાં આવરણો પ્રતિબંધિત થતાં જ આત્માનો જે જ્ઞાનરૂપ પ્રકાશ છે તે પુનઃ ઝળહળી ઊઠે છે અને આત્માનો આ જ્ઞાનરૂપ પ્રકાશ તે જ સહજાપ્રતિભા. આવી પ્રતિભાના આવિર્ભાવ માટે કોઈ બાહ્ય સહાયની જરૂર ન જ હોય.
સહજા પ્રતિભાના અલૌકિક સામર્થ્યનો સચોટ ખ્યાલ આપવા માટે, શ્રી હેમચંદ્રાચાર્ય, ભગવાન મહાવીરના પ્રધાન શિષ્યો જેઓ ગણધરો કહેવાય છે તેમનો દાખલો આપે છે. સહજા પ્રતિભાના સામર્થ્યથી જ ગણધરો તત્કાળ આચારાંગ આદિ દ્વાદશાંગીરૂપ જૈન આગમોની રચના કરી શક્યા હતા - વ્યુત્પત્તિ અને અભ્યાસની મદદ વગર જ કેવળ સહજા પ્રતિભાની શક્તિથી તરત જ વિશાળ આગમરાશિનાં બાર અંગો રચી શક્યા હતા.
પ્રતિભાના બીજા પ્રકારને ઔપાધિકી પ્રતિભા કહે છે. સૂત્ર છ માં ઔપાધિની પ્રતિભાની વ્યાખ્યા આપી છે : મન્નાધિ (૧૬)