SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ “શૃંગારપ્રકાશ' એ જ, કાવ્યશાસ્ત્ર તથા નાટ્યશાસ્ત્ર એ બંને વિષયોની સંયુક્ત માવજત કરતો, એકમાત્ર સર્વગ્રાહી ગ્રંથ હતો. જો કે મમ્માટાચાર્યનો પ્રસિદ્ધ ગ્રંથ કાવ્યપ્રકાશ” એ કાળે મહત્ત્વના કાવ્યશાસ્ત્રીય ગ્રંથ તરીકે જાણીતો હતો, તોપણ, કેમ કે કાવ્યપ્રકાશમાં નાટ્યશાસ્ત્રના વિષયનાં પાસાનું નિરૂપણ ન હતું, તેથી તે કાવ્ય તથા નાટકના સર્વગ્રાહી ગ્રંથની આવશ્યકતાઓસંતોષતો નહતો. વળી, કાવ્યશાસ્ત્રના વિષયને લાગે - વળગે છે ત્યાં સુધી, મમ્મટાચાર્યના કાવ્યપ્રકાશની નિરૂપણરીતિ જરાક કઠિન હતી અને તેની ભાષા તથા શૈલી, કાવ્યશાસ્ત્રના નવાસવા વિદ્યાર્થી માટે, જરાક વધારે પડતી સુત્રાત્મક તથા જટિલ હતી. બીજી તરફ ભોજરાજનો “શૃંગારપ્રકાશ' ગ્રંથ બહુ જ વિશાળ તથા ભારેખમ ગ્રંથ હતો અને એ જે કાવ્યશાસ્ત્રીય પરંપરાને અનુસરતો હતો તે વિષયમાં તથા માવજતમાં, કાશ્મીરની કાવ્યશાસ્ત્રીય પરંપરાની તુલનામાં, અરૂઢ પરંપરા હતી. કાવ્યશાસ્ત્રની કાશ્મીરદેશીય પાંડિત્ય-પરંપરા ભારતીય કાવ્યશાસ્ત્ર તથા રસમીમાંસા વિશે ગ્રંથો લખનાર તેજસ્વી ગ્રંથકારોનો તારકસમૂહ કાશ્મીરે આપણને આપ્યો છે તે સૌ સ્વીકારે છે. એમ કહેવામાં અતિશયોક્તિ નથી કે કાશ્મીર દેશના જુદા જુદા ગ્રંથકારોને હાથે જ સંસ્કૃત કાવ્યશાસ્ત્રને તેના પ્રારંભથી જ પુષ્કળ વેગ મળ્યો હતો અને એમના જ હાથે કાવ્યશાસ્ત્ર તેની પરાકાષ્ઠાની સ્થિતિએ પહોંચ્યું હતું. કારણ કે પ્રાચીન સમયથી જ અને ખાસ કરીને આ કાળમાં કાશ્મીરની ભૂમિએ જ કાવ્યશાસ્ત્રને ભૌતિક પાયો કે મૂળભૂત સિદ્ધાંતમાળખું પૂરું પાડ્યું હતું અને દેશભરના કાવ્યશાસ્ત્રીય ચિંતનમાં વધુ ઊંડાણ તથા તીવ્રતા પ્રગટે તેવી શરૂઆત કરવાનો સંકેત પણ આપ્યો હતો. આ સંબંધમાં આચાર્ય આનંદવર્ધન, આચાર્ય અભિનવગુપ્તપાદ અને આચાર્ય મમ્મટના નિષ્ઠાભર્યા તેમ જ અથાક પ્રયત્નો દાદ માગે તેવા છે. કેમ કે આ લેખકોના પ્રયાસોથી જ, રસધ્વનિને કાવ્યાત્મા માનતો, ધ્વનિનો સિદ્ધાંત કાવ્યશાસ્ત્રમાં આદર તથા સ્વીકાર પામ્યો હતો - માત્ર કાશ્મીરમાં જ નહીં પણ દેશમાં અન્યત્ર પણ અને આ ધ્વનિસિદ્ધાન્તના ઉદયથી કાવ્ય તથા કાવ્યશાસ્ત્રની વિભાવનાઓમાં સમૂળી ક્રાન્તિ આવી હતી. ધ્વનિ સિદ્ધાન્તનો સ્વીકાર થતાં, કાવ્યનાં ગુણ, દોષ, અલંકાર વગેરે તત્ત્વોનું પુનર્ધટન કરવાની આવશ્યકતા ઉપસ્થિત થઈ હતી, કેમ કે આ સિદ્ધાંત કાવ્ય અથવા સર્જનાત્મક સાહિત્ય વિવેચનના સર્વોપરિ સિદ્ધાંત તરીકે ધ્વનિ અથવા રસની સ્થાપના કરી હતી.
SR No.023032
Book TitleKalikalsarvagna Shree Hemchandracharya Virachit Kavyanushasannu Alankar Chudamani Vrutti ane Vivek Vyakhya Sathe Sampurna Adhyayan
Original Sutra AuthorN/A
AuthorA M Upadhyay
PublisherAmrut M Upadhyay
Publication Year1994
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy