SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ખરું કહીએ તો આટલો લાંબો વિહાર હોવા છતાં અમને સહેજ પણ અઘરો લાગ્યો નહોતો, તે પૂજ્યશ્રીનો જ પ્રભાવ હતો. આવા કટોકટીના સમયે પૂજ્યશ્રીની પ્રભુ-ભક્તિની મસ્તી, પ્રભુ પરનો વિશ્વાસ... વગેરે એવા ને એવા જ હતા, જે આપણું મસ્તક ઝુકાવી દે. બાડમેર પછી પણ ઘણી વાર વિઘ્ન આવ્યાં. ક્યારેક અમે વાપરતા હોઇએ ને એવો પવન આવે કે તંબુ ઊડી જાય, ક્યારેક એટલી રેતી ઊડે કે વાપરવામાં ધૂળ-ધૂળ જ આવે. ક્યારેક રસોઇયા રસોઇ કરતા હોય ને ઉપરથી તંબુ પડું પડું થતું હોય ! પડે તો આગ જ લાગે. : કેટલીક વખત તો સંઘપતિઓ પણ નિરાશ થઇ જાય અને કહે : સાહેબજી ! હવે સંઘને જેસલમેર જ પૂરો કરી દઇએ. આવી પરિસ્થિતિમાં આગળ વધવું કેમ ? પણ પૂજ્યશ્રી પૂરી શ્રદ્ધા, સ્વસ્થતા અને આત્મવિશ્વાસ સાથે દૃઢ સ્વરે કહેતા : મને વિશ્વાસ છે : સંઘ નક્કી કર્યા પ્રમાણે જ પૂરો થશે. હું એની પૂર્ણાહુતિ એના આયોજન પ્રમાણે જ જોઇ રહ્યો છું. તમે સૌ શા માટે ચિંતા કરો છો ? આપણી ચિંતા કરનાર ભગવાન બેઠા છે, પૂ.પં.શ્રી ભદ્રંકરવિજયજી બેઠા છે. તમને દેવ-ગુરુની શક્તિ પર ભરોસો નથી ? મને તો છે. વિઘ્ન તો આવે. વિઘ્નોથી ડરીને ભાગી જવાનું ન હોય, પણ પાર ઊતરવાનું હોય, વિઘ્નોને જીતવાનાં હોય, દરેક વિઘ્ન આપણને વધુને વધુ મજબૂત બનાવવા જ આવે છે. ભગવાનના અને પૂ.પં.મ.ના આશીર્વાદ આપણી સાથે છે. માટે કોઇ પણ ચિંતા કર્યા વિના આગળ વધો. પૂજ્યશ્રીના પ્રભુ-શ્રદ્ધા અને આત્મ-વિશ્વાસથી છલકાતા આવા શબ્દોથી સંઘપતિઓમાં પણ ઉત્સાહનો સંચાર થઇ જતો ને તેઓ ખરેખર વિઘ્નોને જીતી જતા. વિઘ્નોને જીતવાનું બળ આ રીતે પૂજ્યશ્રી જ આપતા હતા. પૂજ્યશ્રી કાંઇ એમને એમ વિશ્વવિખ્યાત નથી બન્યા. લોકોનાં હૃદયસિંહાસનમાં એમને એમ બિરાજમાન નથી થયા. એ માટે એમણે ઘણું ઘણું સહન કર્યું છે, ઘણા ઘણા કટોકટીના પ્રસંગો એમના જીવનમાં આવ્યા છે. પૂ.આ. શ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મ. * ૧૬૮ સિતારા આભે આપોઆપ, કાંઇ ઊગી નથી નીકળ્યા, એમણે રાતોની રાતો જાગીને એ ધરતી ખેડી છે. મહા વદ-૧૪, જેસલમેર, ઘણી ઘણી તકલીફો વચ્ચે હેમખેમ પસાર થતો અમારો સંઘ જેસલમેર પહોંચ્યો. અહીંનું મુખ્ય આકર્ષણ અહીંનો વિશાળ પ્રાચીન હસ્તલિખિત પ્રતોનો ભંડાર અને પ્રાચીન મૂર્તિઓ છે. મધ્યકાળમાં જ્યારે આતતાયી યવનોના હુમલાથી મૂર્તિઓ અને મંદિરો તૂટતાં હતાં, જ્ઞાનભંડારોનાં શાસ્ત્રોને બાળી નાખવામાં આવતાં હતાં ત્યારે સુરક્ષા માટે ૧૮૦૦ સાંઢડીઓ દ્વારા પાટણ વગેરેથી અનેક પ્રતિમાઓ અને સેંકડો હસ્તપ્રતો જેસલમેરમાં મૂકવામાં આવી હતી. જેસલમેર સ્થાન એવું હતું કે અહીં કોઇ જલદી હુમલો કરી શકે નહિ. કારણ કે અહીં આજુબાજુના માઇલો સુધીના વિસ્તારમાં મોટી સેનાને પીવાનું પાણી જ ન મળે. પાણી વિના કોઇ લશ્કર કેવી રીતે આવી શકે ? આવી દીર્ઘદૃષ્ટિથી મૂકવામાં આવેલી સેંકડો વર્ષ જૂની હસ્તપ્રતો આજે પણ સુરક્ષિત છે. અહીંના પ્રાચીન ભંડારમાં એક જૂની કામળી (શાલ) પણ છે, જે ૯૦૦ વર્ષ પહેલાં થઇ ગયેલા શ્રી જિનદત્તસૂરિજીની કહેવાય છે. અહીંની હસ્તપ્રતો સંશોધકો માટે કાયમ આકર્ષણનું કેન્દ્ર રહી છે. અહીંના ત્રણ દિવસ રોકાણ દરમિયાન બીજે દિવસે પૂજ્યશ્રી સાથે સમસ્ત સંઘ લોદ્રવા તીર્થની યાત્રાએ ગયેલો. સામખીયાળી નિવાસી શાંતાબેનની અહીં દીક્ષા થઇ. નામ પડ્યું : સા. ચારુકલ્પાશ્રીજી. ફા.સુદ-૧૦, પોકરણ, અહીંની બાજુમાં જ ક્યાંક ઇન્દિરા ગાંધીએ ભૂગર્ભ અણુ ધડાકો કરાવ્યો હતો. લોકો કહેતા હતા કે ત્યાર પછી અહીં ઠંડી ઘટી ગઇ. (ત્યાર પછી બાજપેયીએ પણ અહીં જ અણુ ધડાકો કરાવ્યો.) અણુ ધડાકાના કારણે પ્રખ્યાત બનેલા પોકરણમાં પૂજ્યશ્રીનું જોરદાર સ્વાગત થયેલું. કચ્છ વાગડના કર્ણધારો ૨ ૧૬૯
SR No.008966
Book TitleKaccha Vagadna Karndharo
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2010
Total Pages193
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy