SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ આવી જાય, પછી સ્વામી, મિત્ર, વિશ્વાસમાં રહેલા વગેરે સાથે દ્રોહવગેરે મોટા પાપો પણ તે કરવાનો. તેથી જ યોગશાસ્ત્રમાં આવેલા અંતર શ્લોકોમાં (કલિકાળસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિ મહારાજે યોગશાસ્ત્ર ગ્રંથ બનાવ્યો છે. પોતે જ એની ટીકા પણ લખી છે. આ ટીકામાં જે શ્લોકો છે, એમાંના શ્લોકોની અહીં વાત કરે છે-) કહ્યું છે - એક બાજુ અસત્યથી થતું પાપ રાખો ને બીજી બાજુ બાકી બધા પાપો. જો તુલનામાં આ રીતે બંનેને રાખવામાં આવે, તો અસત્યથી થયેલા પાપોનો ભાર જ વધી જાય. આમ અસત્યથી ભરેલા ગોપ્ય પાપમાં સમાવેશ પામેલી બીજાની ઠગાઇને વર્જવા માટે પૂરી શક્તિથી પ્રયત્ન કરવો. (કોઇને ઠગવા નહીં) ન્યાય-નીતિનો માર્ગ જ શ્રેષ્ઠ પરમાર્થથી જોઇએ, તો ન્યાય (સારી નીતિ) જ ધન કમાવવાનો (ઉપનિષદ્) સારભૂત ઉપાય છે. દેખાય જ છે કે વર્તમાનમાં પણ ન્યાયને અનુસરનારાઓ ધન ઓછું-ઓછું કમાતા હોવા છતાં અને ધર્મના સ્થાન વગેરે સ્થળે રોજ વાપરતા હોવા છતાં કૂવાવગેરેમાં રહેલા પાણીની જેમ એમનું ધન ખુટતું જ નથી. પાપમાં ડૂબેલા બીજાઓ ઘણું ઘણું ધન કમાતા હોવા છતાં ને તેવો ખર્ચ કરતાં ન હોય, તો પણ રણપ્રદેશનાં સરોવરની જેમ ખુટી ગયેલા ધનવાળા બની જાય છે. કહ્યું જ છે- છિદ્રોથી પૂર્ણતા પોતાના નાશ માટે થાય છે, નહિં કે ઉન્નતિમાટે. તમે શું ઘટીયંત્રને વારંવાર ડુબતો જોતા નથી. (રેંટ- અરઘટ્ટમાં રહેલા ઘડા પોતાના છિદ્રથી પાણી ભરે છે, પણ એ પાણી ઉપર આવતા તો ઘણું ખાલી થઇ જાય, તેથી વારંવાર ડૂબવું પડે છે.) શંકા :- કેટલાક ન્યાય-નીતિમાર્ગે રહેલા પણ હંમેશા ગરીબી વગેરેથી દુ:ખી જ દેખાય છે. જ્યારે બીજા કેટલાક અન્યાયમાર્ગે પ્રવૃત્ત થવા છતાં ઐશ્વર્યઆદિથી લીલાલહેર કરતા દેખાય છે. તેથી ન્યાયને જ પ્રધાનતા આપવી કેટલી ઉચિત છે? પુણ્ય-પાપ ચતુર્થંગી સમાધાન :- આમાં પૂર્વભવમા કરેલા કર્મો જ કારણભૂત છે, નહીં કે આ ભવનાં ન્યાય કે અન્યાયથી કરાયેલા કર્મો. કર્મો ચાર પ્રકારના છે. શ્રી ધર્મઘોષ સૂરિ મહારાજે કહ્યું જ છે - (૧) પુણ્યાનુબંધી પુણ્ય (૨) પાપાનુબંધી પુણ્ય (૩) પુણ્યાનુબંધી પાપ અને (૪) પાપાનુબંધી પાપ (આમ ઉદયમાં આવતા કર્મો ચાર પ્રકારે છે. એમાં) જેણે જૈન ધર્મની વિરાધના નથી કરી (પણ શુદ્ધ આરાધના જ કરી છે) તેઓ ભરત ચક્રવર્તીની જેમ જે કર્મના ઉદયથી નિરપાય દુ:ખ (= હાનિ વિનાનું) નિરૂપમ સંસારસુખ પામે છે, તે પુણ્યાનુબંધી પુણ્ય છે. (૨) અજ્ઞાન કષ્ટ (સમજણ વિના કરેલા તપવગેરે કષ્ટ)થી શ્રેણિકરાજાનો પુત્ર કોણિક રાજાની જેમ નિરોગીપણું વગેરે ગુણોથી યુક્ત મોટી ઋદ્ધિ મળે. પણ સાથે પાપમાં જ રત રહે એવું પાપાનુબંધી પુણ્ય ઉત્પન્ન થાય છે. (૩) જે પાપના ઉદયમાં સમૃદ્ધિથી રહિત હોવાથી દુ:ખે જીવવા છતાં જૈનધર્મની પ્રાપ્તિ થાય, તે પુણ્યાનુબંધી પાપ છે, કેમ કે એ પાપ કરતી વખતે પણ દયાવગેરેના અંશ રહ્યા હોય છે. જેમ કે (રાજગૃહીમાં દીક્ષા લીધી હતી, તે) દ્રમક(= ભિખારી) સાધુ. (૪) જેઓ દુઃખી હોવા છતાં પાપી છે, પ્રચંડ (= હિંસાત્મક) કર્મોવાળા છે, ધર્મહીન છે, દયાહીન છે, પાપના પશ્ચાતાપ વિનાના છે = આમ પાપમાં જ રત છે, તેઓ પાપાનુબંધી પાપના ઉદયવાળા છે, જેમ કે કાલસૌકરિક કસાઇ. શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૩૫
SR No.008938
Book TitleShraddhavidhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Parivar Trust
Publication Year2008
Total Pages291
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Devdravya, Ritual, & Vidhi
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy