SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ [3] હોય છે, એમ જણાવે છે, છતાં તીવ્ર વિક્ષેપની પ્રતિક્રિયારૂપે થયેલો સમાધિ યોગપક્ષમાં ગણાતો નથી, પણ જે એકાગ્ર ચિત્તમાં “સદ્ભૂતઅર્થ” કે આત્માના સ્વરૂપને સ્પષ્ટ કરે, ક્લેશો ક્ષીણ કરે, કર્મબંધનોને શિથિલ કરે અને ચિત્તને નિરોધ તરફ વાળે એ સમાધિ જ યોગપક્ષમાં ગણાય છે, એવી સ્પષ્ટતા કરે છે. બીજા લક્ષણસૂત્રમાં સૂત્રકાર ચિત્તવૃત્તિઓના નિરોધને યોગનું મુખ્ય લક્ષણ કહે છે. ભાષ્યકાર ચિત્ત શું છે, અને એની વૃત્તિઓના પ્રકાર તેમજ વિસ્તાર ક્યાં સુધી છે, અને નિરોધનું સ્વરૂપ અને કારણ શું છે, એ બધું સ્પષ્ટ કરી સૂત્રના અર્થનું વિવરણ કરે છે. પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિ એ ત્રણ વારાફરતી ચિત્તમાં પ્રગ થાય છે, માટે એ ત્રિગુણાત્મક છે. એ ત્રણે ગુણોનું ઓછું-વધારે મિશ્રણ થવાથી ચિત્તમાં સ્વાભાવિક રીતે જે વલણો ઉત્પન્ન થાય છે, એનું વર્ણન કરતાં ભાષ્યકાર કહે છે. ચિત્તસત્ત્વ મૂળભૂત રીતે પ્રકાશરૂપ છે, પણ રજ, તમસ્ની એકસરખી માત્રાઓ એમાં ભળેલી હોય ત્યારે એ ઐશ્વર્ય અને ઇન્દ્રિયોના વિષયોને પ્રિય ગણે છે. તમોગુણ વધુ પડતો હોય તો અધર્મ, અજ્ઞાન, આસક્તિ અને હીનતાનાં વલણો બળવાન બને છે. એ જ ચિત્તમાંથી તમોગુણનું આવરણ ક્ષીણ થયું હોય અને ઓછી રજોગુણની માત્રા હોય તો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને અણિમા વગેરે દિવ્ય ઐશ્વર્યને પ્રિય માને છે. એમાંથી ૨જોગુણ પણ પૂર્ણપણે દૂર થાય, તો પોતાના સત્ત્વરૂપ પ્રકાશમાત્રમાં પ્રતિષ્ઠિત થયેલું હોવાથી સત્ત્વથી પુરુષને ભિન્ન ગણવાના વલણવાળું, નિરંતર ધર્મમેઘ ધ્યાન તરફ જ વળેલું રહે છે. ચિત્તની આવી શુદ્ધ વિચારશીલતાને પ્રસંખ્યાન કહે છે. આ વિવેકખ્યાતિ પણ સત્ત્વગુણ રૂપ છે, જ્યારે ચિતિશક્તિ શુદ્ધ, અનંત, અપરિણામી હોવાથી એનાથી વિપરીત છે, માટે એમાં પણ અનાસક્ત બનેલું ચિત્ત એનો પણ નિરોધ કરે છે. એને નિર્બીજ સમાધિ કહે છે. એ અવસ્થામાં કાંઈ પણ ન જણાતું હોવાથી એને અસંપ્રજ્ઞાત યોગ કહે છે. આમ જે ગુણનો પ્રવાહ ચિત્તમાં મુખ્ય હોય, એને અનુરૂપ વલણો અસહ્ય વેગપૂર્વક પ્રવર્તે છે, બળજબરીથી એમને ખાળી શકાતાં નથી. માટે યોગના અભ્યાસીએ બીજાઓના ગુણ-દોષ વિષેના કે એમને સુધારવાના વિચારો ત્યાગીને પોતાના ચિત્તને શુદ્ધ સત્ત્વગુણી બનાવવા પ્રયત્ન કરી, છેવટે સત્ત્વગુણનો પણ વૈરાગ્યથી ત્યાગ કરી ગુણાતીત બની આત્મનિષ્ઠ બનવું જોઈએ, એવો પતંજલિનો આશય છે. પછીનું સૂત્ર વૃત્તિઓના નિરોધ સમયે દ્રષ્ટા પુરુષ કૈવલ્યની જેમ સ્વરૂપમાં સ્થિતિ કરે છે, એમ જણાવે છે. ભાષ્યકાર કહે છે કે નિરોધના અભાવ વખતે વ્યુત્થાન દશામાં પણ પુરુષ સ્વરૂપમાં જ રહેતો હોવા છતાં એવો જણાતો નથી. વ્યાખ્યાકાર આને વધુ સ્પષ્ટ કરતાં કહે છે કે ચિતિશક્તિ કૂટસ્થ નિત્ય હોવાથી સમાહિત અને
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy