________________
[૨૦] આ વાતને વધુ સ્પષ્ટ કરતાં વાચસ્પતિ મિશ્ર પોતાની ટીકા “તત્ત્વ વૈશારદીમાં કહે છે કે વિષયભૂત નીલપુષ્યના આકારવાળું બનેલું ચિત્ત એને પ્રત્યક્ષ ઉપસ્થિત કરે છે, એમ દ્રષ્ટાની છાયા પોતાનામાં પડવાથી એના આકારવાળું બનીને દ્રષ્ટાને પણ ઉપસ્થિત કરે છે. તેથી જ્ઞાન ““-નીલ પુષ્પને-જાણું છું', એમ બે આકારોવાળું હોય છે. આ રીતે શેયની જેમ જ્ઞાતા પણ સાક્ષાત્ સિદ્ધ હોવા છતાં જળમાં પડેલા ચંદ્રના પ્રતિબિંબથી ભિન્ન આકાશમાં રહેલા મુખ્ય ચંદ્ર-બિંબને કોઈ વિવેકથી જાણે, એમ પુરુષને જાણ્યો નથી. આ કારણે પુરુષ અપ્રત્યક્ષ છે, એમ ન કહેવાય. પ્રતિબિંબના માધ્યમ જેવું ચિત્ત નિર્વિકલ્પપણે સમાહિત થાય, ત્યારે સ્વરૂપભૂત પુરુષ અપરોક્ષરીતે આપોઆપ યોગી વડે અનુભવાય છે.
સંક્ષેપમાં વસ્તુસત્તારૂપ ગ્રાહ્ય જગતના આકારવાળું ચિત્ત બને, એ સમયે ગ્રહીતા પણ ચિત્તમાં છાયારૂપે હાજર હોય છે. ચિત્ત ગ્રહણરૂપ છે. ફક્ત ગ્રાહ્ય જગતને સ્વતંત્ર સત્ય માનવા ટેવાયેલો મનુષ્ય ગૃહીતા, ગ્રહણ અને ગ્રાહ્યના આવા નિત્ય સહભાવને સમજી, ગ્રહીતા પણ મૂળ દ્રષ્ટા નથી, પણ એનું ચિત્તમાં પડેલું પ્રતિબિંબ છે, માટે એના બિંબરૂપ પુરુષમાં સંયમ કરી એની સાથે તતૂપ થાય તો આત્મનિષ્ઠ બની અનાસક્તભાવે જગતમાં વ્યવહાર કરી શકે.
બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે : જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ કે શાન્ત, ઘોર અને મૂઢ અવસ્થાઓ, સુખ-દુઃખ, શોક-મોહ, બંધ-મોલ, જન્મ-મૃત્યુએ બધા અનુભવો ત્રિગુણાત્મક ચિત્તના ધર્મો છે, આત્માના નહીં. ચિત્તસત્ત્વ અને પુરુષની ભિન્નતાનો વિવેક ન થયો હોય, ત્યાં સુધી આ બધા ધર્મોનો આરોપ ભૂલથી પુરુષ પર કરવામાં આવે છે. આ મૂળભૂત ભૂલમાંથી બધા પ્રશ્નો અને ક્લેશો ઉત્પન્ન થાય છે.
અથ યોગાનુશાસનમ્” આ શાસનું પ્રથમ સૂત્ર છે. શ્રી પતંજલિમુનિ એનાથી ગ્રંથના આરંભની પ્રતિજ્ઞા કરવા સાથે, એ એમની મૌલિક કૃતિ નથી, એમ સૂચવે છે. શાસન એટલે ઉપદેશ અને અનુશાસન એટલે અગાઉ ઉપદેશાયેલા વિષયનું પછીથી ફરીવાર કરેલું વ્યવસ્થિત નિરૂપણ. વાચસ્પતિ મિશ્ર પોતાની ટીકા “તત્ત્વ વૈશારદી”માં યાજ્ઞવલ્કય સ્મૃતિનું “હિરણ્યગર્ભો યોગસ્ય વક્તા નાન્યઃ પુરાતનઃ”, યોગના વક્તા પ્રાચીન હિરણ્યગર્ભ છે, અન્ય કોઈ નહીં.” એ વચન ટાંકીને કહે છે કે સ્વયં પતંજલિ અનુશાસન શબ્દ પ્રયોજી “શિષ્ટસ્ય શાસનમ્” અગાઉ રચાયેલા શાસનું પોતે પુનઃ કથન કરે છે, એવું સૂચવે છે. વ્યાસમુનિ પોતાના ભાષ્યમાં સાંખ્યયોગના આદિ પ્રવક્તા કપિલ ઋષિએ પોતાના શિષ્ય આસુરિને ઉપદેશ આપ્યો અને ત્યાર પછી પંચશિખ નામના આચાર્ય આ પરંપરામાં થયા, એમ કહે છે.