________________
૫૪
પંચસંગ્રહ-૨
દે છે. આ પ્રદેશબંધ કહેવાય છે.
તેઓના કાળનો જે નિશ્ચય એટલે કે અમુક કર્મરૂપે પરિણમેલી વર્ગણાઓનું ફળ અમુક કાળપર્યત અનુભવશે એવો જે નિર્ણય તે સ્થિતિબંધ કહેવાય છે. કોઈપણ કર્મરૂપે પરિણામ પામેલી વર્ગણાઓનું ફળ ક્રેમપૂર્વક અનુભવાય માટે તેઓની જે ગોઠવણ-રચના થાય છે તેને નિષેક રચના કહેવામાં આવે છે. વિવક્ષિત સમયે પરિણામોનુસાર જેટલો સ્થિતિબંધ થયો હોય તેના પ્રમાણમાં અબાધાકાલ છોડીને નિષેક રચના થાય છે અને રચનાને અનુસરી ફળનો અનુભવ કરે છે. આવા કર્મવર્ગણાઓના કાલપ્રમાણને સ્થિતિબંધ કહેવામાં આવે છે.
ઓછાવત્તા પ્રમાણમાં આત્માના ગુણોને દબાવી શકે તેમજ ઓછાવત્તા પ્રમાણમાં સુખદુઃખાદિ આપી શકે એવી પરિણામને અનુસરીને કર્મપરમાણુઓમાં જે શક્તિ ઉત્પન્ન થાય છે તે રસબંધ કહેવાય છે.
તે ત્રણેના સમુદાયને પ્રકૃતિબંધ' કહેવામાં આવે છે. સ્થિતિ, રસ અને પ્રદેશનો સમુદાય તે પ્રકૃતિબંધ. આ લક્ષણ કષાયના વશથી દશમા ગુણસ્થાન સુધીમાં જે કર્મ બંધાય છે તેને આશ્રયી છે. કારણ કે તેની અંદર કષાયનિમિત્તે સ્થિતિ અને રસ ઉત્પન્ન થયેલા હોય છે. પરંતુ અગિયારમા ગુણસ્થાનથી તેરમા સુધીમાં કેવળ યોગ નિમિત્તે બંધાતા કર્મઆશ્રયી આ લક્ષણ નથી. કારણ કે તેની અંદર કષાય નહિ હોવાથી સ્થિતિ અને રસ હોતાં નથી. તેથી જ કષાયના વશથી બંધાતા કર્મઆશ્રયી આ લક્ષણ છે એમ કહેવામાં આવ્યું છે.
બીજી રીતે સમાધાન કરવાની ખાતર તેનું સમાધાન કરે છે, તે આ પ્રમાણે—કેવળ યોગનિમિત્તે બંધાતા કર્મની પણ બે સમયની સ્થિતિ છે અને આવારકશક્તિ વિનાનો કોઈક રસ પણ છે તેથી ત્યાં પણ ઉપરોક્ત પ્રકૃતિબંધનું લક્ષણ ઘટાવવું.
અન્ય આચાર્યો આ વિષયમાં આ પ્રમાણે કહે છે–કર્મવર્ગણાઓમાં જ્ઞાનાચ્છાદકતાદિ જુદા જુદા જે સ્વભાવો ઉત્પન્ન થાય છે તે જ પ્રકૃતિબંધ છે. પહેલાં સામાન્ય સ્વરૂપે કાર્મણવર્ગણા હતી, બંધસમયે તેની અંદર પરિણામોનુસાર ભિન્ન ભિન્ન સ્વભાવો થાય છે. ઉત્પન્ન થયેલા તે ભિન્ન ભિન્ન સ્વભાવોને જ પ્રકૃતિબંધ કહેવામાં આવે છે, ત્રણેના પિંડને નહિ. આ રીતે પ્રકૃતિબંધનું સ્વતંત્ર લક્ષણ થયું અને તે દરેક ગુણસ્થાનકે ઘટી શકે છે. કારણ કે કેવળ યોગનિમિત્તે બંધાતા કર્મમાં પણ સ્વભાવ અને પ્રદેશ તો હોય છે જ. આ રીતે તેમના અભિપ્રાય અધ્યવસાયને અનુસરી ઉત્પન્ન થયેલ ભિન્ન ભિન્ન સ્વભાવોને પ્રકૃતિબંધ, કાળના નિર્ણયને સ્થિતિબંધ, આવારકશક્તિને રસબંધ અને કર્મપુદ્ગલોનો જ આત્મા સાથે જે સંબંધ તેને પ્રદેશબંધ કહેવામાં આવે છે. આ રીતે પ્રકૃતિબંધાદિ ચારનું સ્વરૂપ કહ્યું. ૪૦.
હવે મૂળ અને ઉત્તરપ્રવૃતિઓમાં દલિકનો વિભાગ શી રીતે થાય છે તે કહે છે –
૧. જેમ હાથપગ વગેરે અવયવોના સમૂહને શરીર કહેવામાં આવે છે અને તે શરીર અને અવયવોનો અવયવ-અવયવીભાવ સંબંધ છે તેમ સ્થિતિ રસ અને પ્રદેશના સમૂહને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે. તે પ્રકૃતિબંધ અને સ્થિતિઆદિના સમૂહનો અવયવ-અવયવિભાગનો સંબંધ છે. પ્રકૃતિબંધ અવયવી છે, અને સ્થિત્યાદિ ત્રણે તેના અવયવો છે.