________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
૬૦૩ દેવો સામાન્યથી મોટા ભાગે ભવપર્યત હાસ્ય, રતિ અને સાતાના ઉદીરકો હોય છે. પરંતુ માત્સર્યાદિ દોષોની પ્રાપ્તિ, પ્રિયનો વિયોગ અને ચ્યવન વગેરે કેટલાક પ્રસંગોમાં કેટલીક વાર વચ્ચે વચ્ચે અરતિ, શોક અને અસાતાનો ઉદય થવાથી તે સમયે આ ત્રણ પ્રકૃતિઓના ઉદીરકો હોય છે, એ જ પ્રમાણે નારકો સામાન્યથી મોટા ભાગે ભવપર્યત અરતિ, શોક અને અસાતાના જ ઉદીરકો હોય છે પરંતુ તીર્થંકર-પરમાત્માઓના ચ્યવન કલ્યાણક વગેરે પ્રસંગોમાં જ હાસ્ય, રતિ અને સાતાનો ઉદય થવાથી તે સમયે આ ત્રણ પ્રકૃતિઓના ઉદીરકો હોય છે, પરંતુ અલ્પ આયુષ્યવાળા કેટલાક નારકોને ભવપર્વત તીર્થંકર પરમાત્માના કલ્યાણકોનો પ્રસંગ જ પ્રાપ્ત થતો ન હોવાથી તેઓ અરતિ, શોક અને અસાતાના જ ઉદીરકો હોય છે.
આ જ ગ્રંથના પ્રથમ ભાગના પાંચમા દ્વારની ૯૯ અને ૧૦૦મી ગાથામાં બતાવેલ એકતાળીસ પ્રવૃતિઓ વિના શેષ સર્વ પ્રકૃતિઓનો હંમેશાં ઉદય અને ઉદીરણા સાથે જ હોય છે. તેથી ઉદય અને ઉદીરણાના સ્વામી સમાન જ છે.
કોઈપણ વિવક્ષિત કર્મની બે અથવા તેથી વધારે પ્રકૃતિઓની એકીસાથે ઉદીરણા થાય તે પ્રકૃતિસ્થાન ઉદીરણા કહેવાય છે. અને જે જે કર્મમાં એવા જેટલા જેટલા ઉદીરણાનાં પ્રકૃતિસ્થાનો હોય તેટલાં તેટલાં ઉદીરણા પ્રકૃતિ સ્થાનો કહેવાય છે.
જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મમાં પાંચ પ્રકૃતિઓનું એક જ ઉદયસ્થાન હોવાથી ઉદીરણાસ્થાન પણ એક-એક છે. અને બારમા ગુણસ્થાનક સુધીના જીવો તેના સ્વામી છે.
દર્શનાવરણીય કર્મમાં ચાર અને પાંચ પ્રકૃતિ સ્વરૂપ ઉદયસ્થાનો બે હોવાથી ઉદીરણાસ્થાનો પણ બે છે, અને બારમા ગુણસ્થાનક સુધીના જીવો તેના સ્વામી છે.
મોહનીયકર્મમાં ત્રણ વિના એકથી દસ સુધીનાં નવ ઉદયસ્થાનો હોવાથી નવ ઉદીરણા સ્થાનો છે. અને જે જીવો જે જે ઉદયસ્થાનના સ્વામી છે તેઓ જ તે તે ઉદીરણાસ્થાનના પણ સ્વામી છે.
. નામકર્મમાં નવનું અને આઠનું ઉદયસ્થાન ચૌદમા ગુણસ્થાનકે હોવાથી યોગના અભાવે ઉદીરણાનો પણ અભાવ હોવાથી આ બે સ્થાનો છોડી શેષ જે દસ ઉદયસ્થાનો છે તે જ દસ ઉદીરણાસ્થાનો છે. અને જે જીવો જે જે ઉદયસ્થાનના સ્વામી છે તેઓ તે જ ઉદીરણાસ્થાનના સ્વામી છે.
ગોત્રકર્મની એક પ્રકૃતિના તેરમાં ગુણસ્થાનક સુધીના, વેદનીય અને આયુષ્યકર્મની એક પ્રકૃતિના છઠ્ઠા ગુણસ્થાનક સુધીના, અને ભોગવાતા દરેક આયુષ્યની પોતપોતાના ભવની ઉપાજ્ય આવલિકા સુધીના પ્રમત્ત જીવો એક પ્રકૃતિની ઉદીરણાના સ્વામી છે.
ઇતિ પ્રકૃતિ-ઉદીરણા