________________
૧૪૮
પંચસંગ્રહ-૨
યોગસ્થાનમાં અનંત સ્થાવર જીવો અને ત્રસ પ્રાયોગ્ય એક એક યોગ સ્થાનમાં ઉત્કૃષ્ટથી અસંખ્ય જીવો હોય છે, તેથી જીવો અનંત હોવા છતાં યોગસ્થાનો અસંખ્યાત જ હોય છે.
પૂર્વ પૂર્વના યોગસ્થાનથી પછી પછીના તરતના જ યોગસ્થાનમાં અંતર વિના કેટલા સ્પર્ધકો અધિક હોય એમ શોધવું તે અનંતરોપનિધા કહેવાય છે, તથાસ્વભાવે જ ઓછા ઓછા વીર્યવાળા જીવ પ્રદેશો વધારે વધારે અને અધિક અધિક વર્યાવિભાગવાળા જીવ પ્રદેશો ક્રમશઃ ઓછા ઓછા હોય છે, તેથી દરેક જીવના પ્રદેશો સરખા હોવા છતાં પછી પછીના યોગસ્થાનમાં વર્ગણાઓ ઘણી ઘણી થાય છે અને વર્ગણાઓ ઘણી થવાથી અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાત-અસંખ્યાત સ્પર્ધકો વધતા જાય છે.
કોઈ પણ અમુક યોગ સ્થાનના સ્પર્ધકોથી કેટલાં યોગસ્થાનો ગયા પછીના યોગ સ્થાનમાં બમણા સ્પર્ધકો થાય એમ પરંપરાએ સ્પર્ધકોનો વિચાર કરવો તે પરંપરોપનિધા કહેવાય છે.
સર્વ જઘન્ય પ્રથમ યોગસ્થાનથી શ્રેણિના અસંખ્યાતમા ભાગે રહેલ યોગસ્થાનો ઓળંગ્યા પછીના યોગસ્થાનમાં સ્પર્ધકો બમણા થાય છે, ત્યાંથી પુનઃ તેટલાં યોગસ્થાનો ઓળંગ્યા પછીના યોગસ્થાનમાં બમણા અને સર્વ જઘન્ય યોગ સ્થાનથી ચારગુણા થાય છે. એમ સર્વોત્કૃષ્ટ અંતિમ યોગસ્થાન સુધી પૂર્વ પૂર્વના યોગસ્થાનથી શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ યોગસ્થાનો ઓળંગી ઓળંગી પછી પછીના યોગસ્થાનમાં બમણા બમણા સ્પર્ધકો હોય છે. સર્વ યોગસ્થાનોના પ્રમાણભૂત શ્રેણિના અસંખ્યાતમાં ભાગથી જેટલાં જેટલાં યોગસ્થાનો ઓળંગી જે જે યોગસ્થાનોમાં બમણા સ્પર્ધકો થાય છે તે તે યોગસ્થાનોના પ્રમાણભૂત શ્રેણિનો અસંખ્યાતમો ભાગ-સંખ્યાતગુણ નાનો હોય છે, તેથી એવાં દ્વિગુણ વૃદ્ધિનાં સ્થાનો પણ કુલ્લે અદ્ધાપલ્યોપમના અસંખ્યાતમા ભાગે રહેલ સમય પ્રમાણ અસંખ્યાત છે અને એક એક વૃદ્ધિની વચમાં રહેલ સ્થાનો શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હોવાથી દ્વિગુણ વૃદ્ધિનાં સ્થાનોથી અસંખ્યાતગુણ હોય છે.
ક્ષમોપશમ તથા બાહ્ય નિમિત્તોની વિચિત્રતા હોવાથી કોઈ પણ જીવને કાયમ માટે સરખો યોગ રહેતો નથી, પરંતુ અસંખ્યાત ભાગ-સંખ્યાત ભાગ-સંખ્યાત ગુણ અને અસંખ્યાત ગુણ એમ ચાર પ્રકારે વૃદ્ધિ અને ચાર પ્રકારે હાનિવાળો હોય છે. ઉત્કૃષ્ટથી પણ પ્રત્યેક પ્રદેશમાં વર્યાવિભાગો અસંખ્યાત જ હોય છે માટે અનંતગુણ વૃદ્ધિ કે હાનિ સંભવતી નથી.
અસંખ્ય ગુણ વૃદ્ધિવાળાં કે હાનિવાળાં યોગસ્થાનોમાં જીવ નિરંતર અંતર્મુહૂર્ત સુધી અને શેષ ત્રણ પ્રકારની વૃદ્ધિ અથવા હાનિવાળાં યોગસ્થાનોમાં નિરંતર ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળ સુધી રહી શકે છે અને જઘન્યથી ચારે વૃદ્ધિ તથા હાનિઓ એકબે સમય સુધી હોય છે.
કેવલ અપર્યાપ્તમાં જ સંભવી શકે તેવા શરૂઆતનાં અસંખ્ય યોગસ્થાનોમાં જીવ એક સમયથી વધારે રહી શકતો જ નથી. કારણ કે અપર્યાપ્ત જીવો દરેક સમયે અસંખ્ય ગુણ વધતા યોગવાળા હોય છે. પરંતુ પર્યાપ્તના જઘન્ય યોગસ્થાનથી સર્વાન્તિમ ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધીના યોગસ્થાનોમાં જીવ એક સમયથી વધારે કાળ પણ રહી શકે છે અને તેને અવસ્થાકાળ કહેવાય છે.