________________
બંધનકરણ સારસંગ્રહ
૧૪૭
જીવના સર્વ પ્રદેશોમાં તરતમ-ભાવે હોય છે, તેથી તેના અવિભાગ, વર્ગણા, સ્પર્ધ્વક, અંતર, યોગસ્થાન, અનંતરોપનિધા, પરંપરોપનિધા, વૃદ્ધિ-હાનિ, અવસ્થાનકાળ અને જીવો આશ્રયી અલ્પબહુત્વ આ દશ પ્રરૂપણા (વિચારણા) ક્રમશઃ કરવામાં આવે છે.
કેવલીની બુદ્ધિરૂપી શસ્ત્રથી પણ જેના બે વિભાગ ન થઈ શકે એવા વીર્યના અંશને અવિભાગ અથવા નિર્વિભાજ્ય અંશ કહેવાય છે અને ઓછામાં ઓછા વીર્યવાળા લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદિયા જીવને ઉત્પત્તિના પ્રથમ સમયે જઘન્ય વીર્યવાળા આત્મ પ્રદેશોમાં પણ અસંખ્યાત લોકાકાશ પ્રદેશો પ્રમાણ અવિભાગો હોય છે અને ઉત્કૃષ્ટથી પણ એક એક આત્મ પ્રદેશમાં અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ વીર્યાવિભાગો હોય છે, પરંતુ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ વીર્યાવિભાગો અસંખ્યગુણ હોય છે.
સર્વથી ઓછા પણ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ સમાન વીર્યાવિભાગવાળા તે જ જીવના જેટલા પ્રદેશો હોય તેનો સમૂહ તે પ્રથમ વર્ગણા, તેવા આત્મ-પ્રદેશો ઘનીકૃત લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રતરોના અસંખ્ય આકાશ પ્રદેશ સમાન હોય છે તેથી એક વીર્યાવિભાગ અધિક વીર્યવાળા તેટલા જ—પણ પૂર્ણ કરતાં થોડા ઓછા—આત્મ-પ્રદેશોનો સમૂહ તે બીજી વર્ગણા અને તેથી એક વીર્યાવિભાગ જેમાં વધારે હોય એવા અને પૂર્વથી વિશેષ હીન આત્મપ્રદેશોનો સમૂહ તે ત્રીજી વર્ગણા. એ પ્રમાણે ઉત્તરોત્તર એક એક વીર્યાવિભાગની વૃદ્ધિવાળા અને પૂર્વ-પૂર્વથી ઓછા ઓછા આત્મ પ્રદેશોના સમૂહરૂપ શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વર્ગણાઓ થાય છે. અર્થાત્ ત્યાં સુધી એક એક વીર્યાવિભાગની વૃદ્ધિવાળા આત્મપ્રદેશો મળે છે, સરખે સરખા વીર્યાવિભાગવાળા પ્રદેશોના સમૂહને વર્ગણા કહેવાય છે.
સાતરાજપ્રમાણ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ પ્રમાણ વર્ગણાઓનું એક સ્પર્ધક થાય છે. જેની અંદર એક એક વીર્યાવિભાગની વૃદ્ધિ વડે વર્ગણાઓ સ્પર્ધા કરતી હોય તે સ્પર્ધક કહેવાય છે. હજુ એક જીવના પ્રદેશો ઘણા બાકી રહે છે પણ હવે પૂર્વની છેલ્લી વર્ગણાના આત્મ પ્રદેશોમાં રહેલ વીર્યાવિભાગોથી એક એક વીર્યાવિભાગ અધિકવાળા જીવપ્રદેશો હોતા નથી. એ જ પ્રમાણે બે-ત્રણ-ચાર, સંખ્યાત કે અસંખ્યાત વીર્યાવિભાગ અધિકવાળા પણ જીવ પ્રદેશો હોતા નથી. પરંતુ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધિક વીર્યાવિભાગવાળા જીવ પ્રદેશો હોય છે, તેથી જ અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અંતર છે.
તે પછી પૂર્વની જેમ બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણા અને ત્યારબાદ એક એક વીર્યાવિભાગની વૃદ્ધિવાળા પૂર્વ-પૂર્વથી ઓછા ઓછા જીવ પ્રદેશના સમૂહરૂપ બીજી વગેરે, એમ ફરી પણ શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ વર્ગણાઓનું બીજું સ્પર્ધક થાય છે....તે પછી ફરીથી અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધિક અધિક વીર્યાવિભાગવાળા જીવ પ્રદેશો હોય છે, એમ શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ સ્પર્ધકો થાય ત્યારે તે જીવના બધા પ્રદેશો પૂર્ણ થાય છે....અને તે સ્પર્ધકોના સમૂહનું પ્રથમ જઘન્ય યોગસ્થાન થાય છે. આ રીતે ચડતા ચડતા વીર્યવાળા જુદા જુદા જીવોની અપેક્ષાએ સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રદેશ પ્રમાણ અસંખ્યાત યોગસ્થાનો હોય છે. વિવક્ષિત કોઈપણ એક સમયે એક જીવના સર્વ આત્મપ્રદેશોનો વીર્ય વ્યાપાર તે યોગસ્થાન કહેવાય છે. અહીં સ્થાવર પ્રાયોગ્ય એક એક