________________
૨૪૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ છે અને જેમ જેમ તે જીવ ભગવાનના વચનનું સૂક્ષ્મ પર્યાલોચન કરીને તત્ત્વ પ્રત્યેની પ્રીતિની વૃદ્ધિ કરે છે તેમ તેમ તેનાં બધાં કર્મો અલ્પ-અલ્પતર થાય છે. તેથી સમ્યગ્દર્શનને બધા રોગને અલ્પ કરનાર કહેલ છે. આથી જ, જીવમાં વર્તતી તત્ત્વની રુચિ કાર્મણ શરીર માટે ક્ષયરોગ તુલ્ય છે. તેમ કહેવામાં આવે છે તેથી તેનું કાર્મણ શરીર સતત ક્ષીણ-ક્ષીણતર થાય છે. અને જેઓને જેમ જેમ તત્ત્વરુચિ અધિક અધિક થાય છે તેમ તેમ તેમનું જ્ઞાન પદાર્થના વાસ્તવિક સ્વરૂપને ગ્રહણ કરવા માટે સમર્થ બને છે; કેમ કે તત્ત્વરુચિ એટલે આત્માની વીતરાગતા પ્રત્યેની રૂચિ અને જીવને વીતરાગતા પ્રત્યેની રૂચિ જેમ જેમ અતિશય થાય છે તેમ તેમ તેના સર્વ શ્રુતનો બોધ કઈ રીતે વીતરાગતા પ્રત્યે પ્રયત્ન કરવો જોઈએ તેના મર્મો દેખાય તેવો નિર્મળ બને છે તેથી જ્ઞાન યથાવસ્થિત પદાર્થને ગ્રહણ કરવા સમર્થ બને છે. અને તે યથાર્થ દર્શન મહામોહના ઉન્માદ રૂપ મિથ્યાત્વનું ઉદ્દલન કરે છે અર્થાત્ જેમ જેમ જીવ ભગવાનના બતાવેલાં તત્ત્વોથી આત્માને ભાવિત કરે છે અને તેના કારણે જેમ જેમ તત્ત્વની રુચિ અતિશય અતિશયતર થાય છે તેમ તેમ તત્ત્વના વિપર્યાસ આપાદક મિથ્યાત્વના દળિયા સત્તામાં રહેલા છે તે ક્ષીણ-ક્ષીણતર થાય છે અને પ્રગટ થયેલું સમ્યગ્દર્શન સૂક્ષ્મ-સૂક્ષ્મતર રુચિ થવાને કારણે નિર્મળ-નિર્મળતર થાય અને જેમ જેમ સમ્યગ્દર્શન નિર્મળનિર્મળતર થાય તેમ તેમ ક્ષયોપશમ ભાવ વજની ભીંત જેવો દુર્ભેદ્ય બને છે, જેથી ક્ષયોપશમ ભાવનું સમ્યગ્દર્શન પણ નિમિત્તોને પામીને પાત થવાની સંભાવના ન રહે તેવું દઢ બને છે. તેથી જેમ જેમ તત્ત્વપ્રીતિકર પાણીનું મહાત્મા પાન કરે છે તેમ તેમ સૂક્ષ્મ-સૂક્ષ્મતર મિથ્યાત્વનો નાશ થાય છે.
વળી, અહીં=જીવતા રોગ મટાડવાના ઔષધમાં, પરમાત્ર ચારિત્ર જાણવું અને તેનું જ=ચારિત્રનું જ, સદ્અનુષ્ઠાન, ધર્મ, સામાયિક, વિરતિ, ઈત્યાદિ પર્યાયો છે. તત્ત્વનો બોધ થયા પછી સ્વભૂમિકા અનુસાર મોહનાશનું કારણ બને એવું જે સર્મનુષ્ઠાનનું સેવન તે ચારિત્ર છે અને તે સેવનથી આત્મામાં જેટલા અંશથી મોહની અનાકુળતા પ્રગટ થાય તે મોહની અનાકુળતા ચારિત્ર છે. અને તે ચારિત્રનો પરિણામ સમભાવ સ્વરૂપ હોવાથી સામાયિક છે અર્થાત્ સુખ-દુઃખ, શત્રુમિત્ર, જીવન-મૃત્યુ સર્વ ભાવોથી સમાન પરિણામ રહે તેવી જીવની પરિણતિનો રાગાત્મક ઉપયોગ સમભાવ છે. જેમ પોતાને ઇષ્ટ ખાદ્યપદાર્થોમાં ઉપયોગ વર્તતો હોય ત્યારે તેના રાગને કારણે તે પદાર્થોનું આકર્ષણ અધિક અધિક થાય છે તેમ સમભાવના સ્વરૂપના પર્યાલોચનપૂર્વક સમભાવ પ્રત્યે વર્તતો રાગાત્મક ઉપયોગ સામાયિકના પરિણામને અતિશય-અતિશયતર કરે છે જે ચારિત્રરૂપ છે. વળી, તે સામાયિકનો પરિણામ પાપની વિરતિરૂપ છે; કેમ કે અસમભાવના પરિણામથી સર્વ પાપોની પ્રવૃત્તિ છે. તે અસમભાવના પરિણામથી જન્ય પાપની પ્રવૃત્તિ પૂર્વમાં જીવ કરતો હોય તે પાપની વિરતિ સમભાવના પરિણામથી પ્રગટ થાય છે. માટે જેમ જેમ સમભાવનાનો પરિણામ પ્રકર્ષવાળો થાય છે તેમ તેમ પાપની વિરતિ અતિશય થાય છે.
તે જ=સઅનુષ્ઠાન આદિના પર્યાય સ્વરૂપ ચારિત્ર જ, મોક્ષલક્ષણ મહાકલ્યાણનું અવ્યવહિત કારણપણું હોવાથી મહાકલ્યાણ કહેવાય છે.