________________
ઊપડી આવશે. પછી ન એની દવા છે, ન એના ઉપચાર છે.’
રાજા અજાતશત્રુએ કહ્યું : ‘તમે બધા નિર્બળ મનના છો. આજ હું અતળના તાગ લેવા નીકળ્યો છું. કદાચ થોડી ખુવારી થાય તોય મને ચિંતા નથી. પણ હવે પાછા વળવાની વાત ન કરશો. દીનવૃત્તિ કે પલાયનવૃત્તિ અજાતશત્રુના જીવનમાં નથી.'
પર્વતનો અધિષ્ઠાતા નમન કરીને ચાલ્યો ગયો, પણ રાજાના અંગરક્ષકોએ જ આ વાત બહાર પાડી. તેઓએ વર્ષોથી ઘરકુટુંબ તજ્યાં હતાં, અને શાંતિ તો સ્વપ્નમાં પણ અનુભવી નહોતી. આ રાજા યુદ્ધમૂર્તિ છે, એ હશે ત્યાં સુધી યુદ્ધ જવાનાં નથી ! પણ હવે યુદ્ધ શા માટે ? તેઓએ અધિષ્ઠાતાએ કહેલી સાવચેતી બહાર પાડી દીધી.
સેનામાં આ વર્તમાન પ્રસરતાં સહુએ કહેવા માંડ્યું : ‘અમે તો માણસ સામે લડીએ, કુદરત સામે નહિ.'
અજાતશત્રુએ આનો કંઈ જવાબ ન આપ્યો, પણ બીજે દિવસે પ્રભાતે પોતે પહેલો ગુફાપ્રવેશ કરશે, એવી જાહેરાત કરી. રાજાએ સેનામાં પણ પોતાનો પ્રભાવ પાડવાની કળા જાણવી જોઈએ. આવો એકાદ પ્રસંગ એના જીવનની ગૌરવગાથા બની જાય છે.
આ નિર્ણય પ્રગટ થતાંની સાથે બધાની જીભ સિવાઈ ગઈ. કેટલાક તો કહેવા લાગ્યા કે શું આપણી જાત કરતાંય રાજાની જાત હલકી ? એને આવા જોખમમાં કેમ જવા દેવાય ? કોઈ વાર કિનારે આવેલાં વહાણ મૂર્ખતામાં ડૂબી જાય !
થાકેલા સૈનિકો નકલી ઉત્સાહ બતાવીને રાજાની પહેલાં ચાલ્યા. કંટાળેલા સેનાપતિઓ વીરતાનાં પોકળ વચનો કાઢતાં રાજાને આગળ ન રહેવા વીનવવા લાગ્યા. પણ રાજાએ કોઈની વાત ન સાંભળી ! સવાર થતાં રાજાએ પોતાના વિજયી અશ્વ પર ચઢી પ્રયાણ કર્યું. પાછળ સૈન્ય ચાલ્યું. અશ્વ, પાલખી અને પાયદળથી આખો ડુંગર ડોલી રહ્યો.
જેને ગુફાઓ કહેવામાં આવતી, એ ખરેખર વૈતાઢ્ય પાર કરવાના માર્ગ હતા. એ માર્ગ એક યા બીજી રીતે બંધ કરવામાં આવ્યા હતા; બંધ કર્યાંને વર્ષો વીતી ગયાં હતાં !
આગળ રથપતિઓ, શિલ્પીઓ ને મજૂરો ચાલતા હતા. સાથે ચુનંદા સશસ્ત્ર યોદ્ધાઓ હતા. ગુફાના પ્રથમ દ્વારને થોડીક પળોમાં ઢાળી દેવામાં આવ્યું અને બધા આગળ વધ્યા. અજાતશત્રુનો ઘોડો સહુથી આગળ હતો.
પણ એક ગુફાના દ્વારે બધાની પ્રગતિને ખાળી દીધી. રાજા દોડીને ત્યાં 394 D શત્રુ કે અજાતશત્રુ
પહોંચી ગયો. એ જાણતો હતો કે સેનામાં ને કામ કરનારાઓમાં કચવાટ છે; એ કચવાટને ખીલવા માટે કોઈ પણ કારણે મેદાન ન મળવું જોઈએ.
રાજા એ દ્વાર પાસે સર્યો કે એ લોહદ્વાર ધડાક કરતું ખૂલી ગયું. ભાગ્યશાળીનું નસીબ એની પહેલાં જાય છે !
વિજયી યોદ્ધાની જેમ અજાતશત્રુએ એમાં પ્રવેશ કર્યો. બધેથી જયજયકારનો ધ્વનિ ગુંજી રહ્યો. એ ધ્વનિના સ્વરો ગુફામાં પડઘા પાડી રહ્યા, ત્યાં અંદરથી એક પથ્થર સર્યો ને વંટોળની જેમ હવાનો સામેથી ધક્કો આવ્યો.
હવા તે કેવી ! ભયંકર બદબૂવાળી !
એ હવા સાથે બહારની હવા ભળી !
અને એક મોટો ભડકો થયો !
ભડકો તે કેવો ? કાલાગ્નિ જેવો ! અંધારી ગુફામાં અજવાળું અજવાળું થઈ ગયું. જેટલા ગુફામાં હતા, એટલા ત્યાં ને ત્યાં ભડથું થઈને ઢળી પડ્યા. રાજા અજાતશત્રુ પણ એની વચ્ચે શબ થઈને પડ્યો !
કોણ કોને બચાવે ?
પછી તો ગુફાના ભડકા બહાર આવવા લાગ્યા. બહાર ઊભેલા પણ જીવ લઈને ભાગ્યા. ઘણાને તો ‘રોતી’તીને પિયરિયા મળ્યાં' જેવું થયું !
શું થયું ને કેમ બન્યું, કોણ ત્યાં તળ રહ્યું ને કોણ સાથે થયું -- કશીય માહિતી જાણવા કોઈ ન રોકાયું. ધીરજનો જર્જરિત બંધ એક પળમાં કડડભૂસ થઈ ગયો. લાંબી વાટ પર વિનાશ વરસી ગયો.
વૈશાલી, કપિલવસ્તુ ને શ્રાવસ્તી તો ક્યારનાં સ્મશાન બન્યાં હતાં; હવે બીજાં નગરો પણ સ્મશાન બની રહ્યાં.
સ્મશાનમાંથી જાગીને શબ ઘર તરફ પાછાં વળ્યાં હોય તેમ સૈનિકો પાછા ફરતા હતા. ગુફાના ભયંકર અગ્નિએ એમના ચહેરાઓને વિકૃત કરી નાખ્યા હતા, એમના વિશ્વ-વિજયી હાથ પગોને નકામા કરી દીધા હતા !
આખો દેશ જાણે માનવતાના ભંગાર સમો બની ગયો હતો. કોઈ કોઈને કુશળ પૂછતું નહોતું. સહુ કહેતા કે પ્રેમ સાચો મંત્ર, યુદ્ધ મોટો શાપ ! ભગવાન મહાવીર ને ભગવાન બુદ્ધ સાવ સાચા. અજાતશત્રુ પોતાની જાતનો શત્રુ તો ખરી, પણ જગતનો શત્રુ પણ ખરો !
પણ રે ! મરેલા માણસની ગમે તેટલી નિંદા કરો, તેથી મરેલાને શું હાનિ અને જીવતાને શું લાભ ? ભૂલી જાઓ હવે એ બધો ભૂતકાળ ! યુદ્ધે ભરખેલી ભૂમિ પર ધરતીએ હાશ કર્યું !D 395