Book Title: Shabda Sannidhi
Author(s): Kumarpal Desai
Publisher: Kumarpal Desai

View full book text
Previous | Next

Page 73
________________ શબ્દસંનિધિ ૧૩ કેવળ અંગત લાગણીની ખડભડથી કવિતા ઉત્તમ ઊર્મિકાવ્ય, ઉત્તમ મહાકાવ્ય કે ઉત્તમ નાટકની સાથે સ્થાન પામી શકે નહીં. કવિની કૃતિમાં તો ઊર્મિ ઉપરાંત કવિસંવિતુના બધા કોશ છલકાયા હોવા જોઈએ. આ જ તેમની કાવ્યવિભાવનામાં વરતાઈ આવતી પાયાની વાત છે. આથી જ તેઓ અર્થઘન અને પરલક્ષી કવિતા તરફ વધુ ઝોક ધરાવે છે. તેઓ માત્મજાગૃતિ સાથે શાસ્ત્રીય જ્ઞાનને પણ મહત્ત્વ આપે છે અને આથી જ કાવ્યની ચિરંજીવિતા માટે લોકહૃદયમાં તેનું સ્થાન હોવું જરૂરી છે, એમ બતાવે છે. ગાંધીયુગની કવિતા બળવંતરાયના આદર્શને અનુસરીને ચાલી હતી. પરંતુ તે પેઢીના શ્રેષ્ઠ કવિઓએ બળવંતરાયની જિ કરને પકડી રાખવાને બદલે ઊર્મિને વિચારની પ્રમાણસર મેળવણી કરી બતાવી. ઠાકોરના અગેયતાના સિદ્ધાંતને સર્વથા અપનાવવાને બદલે તેમણે વિષયાનુરૂપ ગેય કે અગેય પદ્યવાહનનો સફળપણે વિનિયોગ કરી જાણ્યો. આથી ત્રીસીના કવિઓએ પ્રવાહી છંદોરચનાના પ્રયોગોની સાથે નાનાલાલનો વારસો સાચવે તેવાં ગીતો પણ આપ્યાં. તે પછીની પેઢીએ તો આ વિભાવનાને વધુ સંસ્કારીને નરી આંખે દેખાતી વાસ્તવિકતાને તિલાંજલી આપીને સુક્ષ્મ, અતીન્દ્રિય સુંદરતાને કવનનો વિષય બનાવીને શબ્દબદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો અને છેક નજીકના વર્તમાનની પેઢીનો અભિગમ અતિવાસ્તવિક (Surrealistic) બન્યો. તેને પ્રતાપે કવિની સર્જકતા વાસ્તવિકતાનો પ્રતીક કે પ્રતિરૂપ તરીકે વિનિયોગ કરીને નવીન કલા હેતુ સિદ્ધ કરવા તરફ વળી છે. આમ, આજની કાવ્યવિભાવના બળવંતરાયની સંકલ્પનાથી ઘણી આગળ વધી ગઈ છે અને તેને મુકાબલે બળવંતરાયની વિભાવના સ્થળ લાગે. પરંતુ આજની એ સિદ્ધિના છોડને ઉછેરવામાં બળવંતરાયના વિચારોએ ખાતરનું કામ કર્યું છે અને તે કારણે તેમને ઇતિહાસમાં સ્થાન મળેલું છે. તુલના : ગોવર્ધનરામ અને મુનશીનાં સ્ત્રીપાત્રો | ગુજરાતી સાહિત્યના બે સમર્થ નવલકથાકારો-ગોવર્ધનરામ અને મુનશી–નાં સ્ત્રીપાત્રો આગવાં અને એક અર્થમાં એના સર્જકની ભાવનાનાં ઘાતક છે. તેમની ભાવનાઓ, આદર્શો અને પ્રવૃત્તિઓ જ નહીં, પણ તેમના ઉચ્ચારોમાં પણ બંનેનાં નિરાળા વ્યક્તિત્વ દેખાઈ આવે છે. ગોવર્ધનરામ અને મુનશીનાં સ્ત્રીપાત્રોની તુલના કરતા પહેલાં એક ભેદ ધ્યાનમાં લેવો જોઈએ. કમળનું દલદલ ખોલી આપે એ રીતે ગોવર્ધનરામ પાત્રનો સંપૂર્ણ પરિચય આપે છે. એ પછી કથાપ્રવાહ દ્વારા તો માત્ર પાત્રનાં ગુણ-અવગુણ દર્શાવતી ઘટનાઓનાં દૃષ્ટાંતો જ મળે છે. આથી ‘સરસ્વતીચંદ્ર'ના પહેલા ભાગમાં જેવી કુમુદ જોવા મળે છે, એવી જ કુમુદ ચોથા ભાગને અંતે દેખાય છે. જ્યારે મુનશીનાં પાત્રો સતત ક્રિયાશીલ અને પરિવર્તનશીલ લાગે છે. જેમ જેમ પરિસ્થિતિ સર્જાતી જાય, તેમ તેમ પાત્રનાં ગુણો-લક્ષણો પ્રગટ થતાં જાય છે. શ્રી મુનશીની નવલકથાઓ નાટયાત્મક નવલકથા હોવાથી પાત્રો એના કાર્ય દ્વારા વિકસતાં રહે છે તે એની વિશિષ્ટતા છે. ગોવર્ધનરામ અને મુનશીની પ્રકૃતિ, વિચારશક્તિ તેમજ નિરૂપણશક્તિમાં મોટો તફાવત છે. ગોવર્ધનરામનાં પાત્રો મુનશીનાં પાત્રો જેવાં પરાક્રમી અને ક્રિયાશીલ જણાતાં નથી. મુનશીનો ઉદ્દેશ જ જીવનનો ઉલ્લાસ ગાવાનો છે. તેથી તેમનાં પાત્રો માત્ર ઉલ્લાસ ગાનારાં અને બતાવનારાં હોય છે, તેમાં ગોવર્ધનરામાં પાત્રો જેવું ચિંતન નજરે પડતું નથી. વળી મુનશીનાં પાત્રો પોતાનું ધ્યેય યા તો મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા સતત દોડતાં જણાય છે. કોઈને પોતાની ગતિ રોકી સ્થિર ચિત્ત જીવનનો અને ઘણી વાર તો પોતાના કાર્યના સારાસારનો વિચાર કરવાની નવરાશ નથી.

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80