________________
આવસહિ સામાચારી
નવકલ્પી વિહાર જ ખૂબ યોગ્ય છે.
(૩) એક લાખ ભૂખ્યા ગરીબોને એક એક મીઠાઈનો ટૂકડો ખવડાવવો એના કરતાં દસ હજાર ગરીબોને પેટ ભરાય એટલું ખવડાવવું શું વધુ સારું નથી ? એક લાખ સાધર્મિકોને ૧૦૦-૧૦૦ રૂપિયા આપવા કરતાં હજાર સાધર્મિકોને એક-એક લાખ રૂપિયા આપવા એ શું વધુ યોગ્ય નથી ? તેઓ એના દ્વારા આખી જીંદગી માટે સ્થિર બની જાય, આજીવિકાનું સાધન મેળવી શકે. એમ જુદા જુદા ઘણા ક્ષેત્રોમાં ૧-૨ દિવસ રોકાઈને તેમને કેટલું પમાડી શકાય ? એ કેટલું ટકે ? એને બદલે માત્ર નવ જ ક્ષેત્રોમાં મહિના સુધી વ્યાખ્યાનાદિ દ્વારા ઉપકાર કરવામાં આવે તો તે જીવો એવું પામે કે આખી જીંદગી સુધી એ ધર્મ ન છૂટે. એના મૂળીયા ખૂબ ઊંડા
જાય.
હા, કારણસર વધારે વિહાર કરવાની છૂટ છે જ. પણ વિશેષ કા૨ણો ન હોય તો આ નવકલ્પી વિહાર અપનાવવો વધુ લાભદાયી છે એવું મને લાગે છે.
મૂળ વાત ઉપર આવીએ.
ઉત્સર્ગમાર્ગે હલનચલન નથી જ કરવાનું, પણ અપવાદ માર્ગે તો હલનચલન કરવાનું જ છે. ત્યારે ન કરે તો દોષ લાગે. (૧) ગોચરી વહોરવા જવું પડે. (૨) સ્થંડિલ જવું પડે. (૩) ગુરુ, ગ્લાન વિગેરેને માટે ગોચરી જવું પડે. (૪) દેરાસર જવું પડે વિગેરે ઘણા કારણો એવા છે કે એ માટે ઉપાશ્રયની બહાર જવું જ પડે. એ વખતે આ આવસહિ સામાચારી પાળવાની છે.
ઉપર બતાવેલા આવશ્યક કાર્યો વખતે પણ જે સાધુ સ્વાધ્યાયાદિ છોડીને ઉપાશ્રયની બહાર જવા તૈયાર ન થાય એ આજ્ઞાભંજક જાણવો.
શિષ્ય ! આ પદાર્થો મારા નથી પરંતુ ત્રિભુવનપતિ દેવાધિદેવ સર્વજ્ઞ ભગવાન્ મહાવીરદેવના છે. એટલે તું એ દૃષ્ટિથી જ એ પદાર્થોને જોજે. એને જીવનમાં ઉતારીશ તો આ હળાહળ કળિયુગમાં પણ સાચી સાધુતાને સ્પર્શી શકીશ.
સંયમ રંગ લાગ્યો - આવસહિ સામાચારી ૭ ૨૬૦