Book Title: Nikolas Nikalbi
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 421
________________ ૭૨ ડાથોય્ઝ એકૅરેમીના અંત નિકોલસ પોતાના દુ:ખના વખતના મિત્રોને ભૂલે તેવો ન હતો. પોતાની બદલાયેલી સ્થિતિના શુભ સમાચાર યૉર્કશાયરમાં જૉન બ્રાઉડીને લખી જણાવવા તેણે કેટલીય વાર ઉધામા કર્યા; પણ તે કાગળ લખવા માંડે ને અધૂરો રહે, અથવા સારો ન લખાયો એમ માની ફાડી નાંખે. છેવટે મેડલીને જ આગ્રહ કરીને તેને જણાવ્યું કે, તમે જાતે જ જઈને તમારા એ ભલા મિત્રને મળી આવો, અને આપણાં લગ્ન પત્યા બાદ આપણે ત્યાં થોડો વખત રહેવા આવવાનું નિમંત્રણ પણ તેમને આપતા આવો. મેડલીનના પિતા તાજેતરમાં જ ગુજરી ગયા હોઈ, શોકનો સમય પૂરો થાય ત્યાર બાદ એનું લગ્ન લેવાનું હતું. અને નિકોલસને એ પ્રસ્તાવ એવો ગળે ઊતરી ગયો કે, કશી ખબર આપ્યા વિના જ, પોતાના એ ભલા ગામડિયા મિત્રને ઓચિંતા જઈ ચમકાવવા માટે જ, તે કોચ-ડીમાં ચડી બેઠો. યૉર્કશાયર પહોંચી રાતે તે ગ્રેટાબ્રિજની વીશીમાં સૂઈ રહ્યો. બીજે દિવસે વહેલી સવારે બજાર-મથક તરફ જઈ, ત્યાં પૂછપરછ કરી, જાન બ્રાઉડીનું ઘર તેણે શોધી કાઢયું. સૌ કોઈ એ ભલા માણસને ઓળખતાં હતાં; અને એક જણ તો તેને એના ઘર સુધી આવીને મૂકી ગયો. એ ભોમિયાને બહારથી જ વિદાય કરી, નિકોલસ ઝટપટ ઝાંપામાં પેઠો. મકાનની અને આસપાસના વાડાની ફૂલતી-ફાલતી સ્થિતિ જોઈ, રાજી થતો તે રસોડાના પાછલા બારણે પહોંચી જઈ તેને પોતાની લાકડી વડે જોરથી ઠોકવા માંડયું. ૩૬૫

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436