Book Title: Kshamabhavna
Author(s): Vairagyarativijay, Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna

View full book text
Previous | Next

Page 16
________________ એ દિવસો ખૂબ સારા હતા. હળીમળીને રહેતા. ખુલ્લા દિલે વાતો થતી. છૂપાડવાની રમત નહોતી રમાતી. બધું ખુલ્યું હતું. એક બીજાના સહારે જીવતા. ભરોસો હતો. દુનિયાના રાજા હતા. આજે દૂર થઈ ગયા છીએ. એમની સાથે બોલવાનું બંધ છે. દિલમાં દૂરી આવી ગઈ છે. આમને સામને આક્ષેપો થાય છે. ઘણુંબધું છૂપાડવું પડે છે. તકેદારી રાખીને વહેવાર થાય છે. નિખાલસતા મરી ગઈ છે. દુનિયા સૂની થઈ ગઈ છે. કબૂલ, એમની ભૂલ નાની સૂની નથી, પણ આ તાળી બે હાથે વાગી હતી. મેં પણ ગંજાવર ભૂલ કરી હતી. એમની વાત જવા દો મારા તરફથી સારી વર્તણૂક નથી થઈ. મારી વર્તણુકનો કોઈ ખુલાસો એમના માથે નથી મારવો. મારું વર્તન એ મારી જવાબદારી છે. મારી ભૂલનો જવાબદાર એક માત્ર હું જ છું. મારે વર્તન સુધારવું પડશે. ભૂલ સુધારવી પડશે. સૌથી પહેલા એમની પાસે જવું છે, અને સાચા દિલથી કહેવું છે : હું ક્ષમા માંગુ છું. એમણે મારી સાથે ગુસ્સાથી વાત કરી. શાંતિથી વાત કરી હોત તો હું સાંભળી લેવાનો હતો. ગુસ્સો કર્યો એટલે મે ધરાર ન સાંભળ્યું. એ સાચા હોય એટલે એમને ગુસ્સો કરવાનો હક નથી મળી જતો. એ ગુસ્સો રાખે એમની પાસે. મારી સાથે સીધી રીતે વાતો થવી જોઈએ, તમીઝથી. જરૂર. શરત એ છે કે મારે એ સીધી રીતે સાંભળવી જોઈએ. શાંતિથી કહેલી વાત મારાં કાને જ નથી પડતી, પ્રેમથી કરેલી સૂચના તો પાનખરના પવનમાં પાંદડું ઉડે એમ ઉડી જાય છે. ભૂલી જવામાંઅપેક્ષિત વાતને ભૂલી જવામાં મેં ક્યારેય પાછી પાની નથી કરી. આખરે એમને ગુસ્સો આવી જ ગયો. હવે બધું નવેસરથી સમજાય છે. એમની માંગણી સ્પષ્ટ થઈ ગઈ છે. ગુસ્સો ભલે ખરાબ રહ્યો, મારા માટે એ સારો જ નીવડ્યો છે. એવી રીતે રહીશ કે એમને ગુસ્સો કરવો નહીં પડે. મારે ગુસ્સો વેઠવો નહીં પડે. એમને ગુસ્સો આવ્યો. મારી માટે ગમે તેવું બોલ્યા. તિરસ્કાર અને ધુત્કાર, મારા પર તૂટી જ પડ્યા. મારું ખૂન કરવાનું બાકી રાખ્યું. સાવ તોડી પાડ્યો મને, આટલો બધો આક્રોશ ? હી. આટલો બધો શું - આનાથી પણ વધારે આક્રોશ. કેમ કે એમને મારી માટે લાગણી છે.એમનો ગુસ્સો શ્રેષમાંથી આવ્યો નથી. એમનો ગુસ્સો પ્રેમમાંથી આવ્યો છે. મારી પર થોડો જ પ્રેમ હોત તો થોડો જ ગુસ્સો કરત. મારી પર પ્રેમ જ ના હોત તો ગુસ્સો જ ના કરત. ઘણો બધો પ્રેમ છે માટે ઘણો બધો ગુસ્સો કર્યો. માત્ર ગુસ્સો દેખાય અને એની પાછળ ઘૂઘવતી લાગણી ના દેખાય તો એ મારો અંધાપો છે. દ્વેષનો પ્રતિવાદ કરીએ છીએ એ રીતે આ ગુસ્સાનો પ્રતિવાદ ન કરાય. આ ગુસ્સામાં લાગણી છે. એ લાગણીમાં મારી ચિંતા છે. એ ચિંતામાં મારા શુભની ઝંખના છે. એ ઝંખના સામે લડાય નહીં. હું સારો છું અને એ ખરાબ છે. એ બે સૂત્રો પર જ બધો ક્લેશ બંધાયો છે. મને સારો પૂરવાર કરવા હું બધું કરી છૂટું છું. એમને ખરાબ સાબિત કરવા હું હંમેશા સતર્ક રહું છું. મનોમન આ બન્ને સૂત્રોનો વિસ્તાર થતો રહ્યો છે. દરેક વાતે અને દરેક મુદ્દે મારું સમર્થન મેળવ્યું છે, એમનો વિરોધ કર્યો છે. ખાવા પીવામાં કે ઉઠવા બેસવામાં કે જવા આવવામાં કે કામ કરવામાં ને ન કરવામાં હું સારો છું તે દેખાવું જ જોઈએ. એમની ખરાબી ઉપસી આવવી જોઈએ. આ બન્ને ગાંઠો ઝેર જેવી છે. એ આખરે મારીને જંપશે. મારાં માની લેવાથી હું સારો નથી બની જવાનો. હું ખરાબ હોઈ શકું છું. કદાચ, હું ખરાબ જ છું. એટલે જ મને ખરાબી દેખાય છે. મને એ સારા નથી દેખાતા એનો મતલબ એ થાય કે હું સારો નથી. મને એ સારા દેખાય તો જ પૂરવાર થાય કે હું ખરેખર સારો છું. ફિલહાલ હું કેવો છું ? વિચારવું પડશે. - ૨૫ -

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20