Book Title: Khatrani Ghantadi
Author(s): Ratnasundarsuri
Publisher: Ratnasundarsuriji

View full book text
Previous | Next

Page 33
________________ મહારાજ સાહેબ, આપના ગત પત્રના લખાણે મને સ્તબ્ધ કરી દીધો છે. આપે જે કાંઈ લખ્યું છે એમાં, એ અક્ષરશઃ સાચું છે. જગતની વાત શું કરું? હું પોતે ગઈ કાલ સુધી એમ માનતો હતો કે સંતથી ભૂલ થાય જ નહીં. સંતે ભૂલ કરાય જ નહીં. આ માન્યતાના આધારે જ્યારે જ્યારે પણ મારા કાને કોઈ સંતના પતનના સમાચાર આવ્યા છે, મેં જગતના ચોગાન વચ્ચે એમની ભરપેટ નિંદા કરી છે. એમની થાય એટલી વગોવણી કરી છે. ‘એમના કરતાં આપણે લાખ દરજ્જુ સારા' એવું જોરશોરથી બોલ્યો છું. પણ, આપના ગત પત્રે મારી આંખો ખોલી દીધી છે. વચન આપું છું આપને કે હવે પછી ક્યાંય, ક્યારે પણ, કોઈ પણ સંતના જીવનની ક્ષતિના નબળા સમાચાર જોવા-જાણવા કે સાંભળવા મળશે હું મારી જીભને મૌન કરી દઈશ. હું તો એમના અવર્ણવાદ નહીં કરું પણ અન્યોને ય અવર્ણવાદ કરતા અટકાવીશ. હું એમાં ટૂંકો પડીશ તો જ્યાં અવર્ણવાદ ચાલતા હશે ત્યાંથી દૂર હટી જઈશ. ખૂબ ખૂબ આભાર માનું છું હું આપનો કે આપે મને બહુ મોટા - સંતોની નિંદાના - પાપથી સમ્યક સમજણ આપીને ઉગારી લીધો છે. જય, સંતોની નિંદાથી દૂર રહેવાના તેં કરેલા સંકલ્પ બદલ તને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. સાથે આશીર્વાદ પણ આપું છું કે એ સંકલ્પના અમલમાં તું જરાય કાચો પણ ન પડે અને પાછો પણ ન પડે. હવે ગત પત્રમાં તેં મારા જીવન અંગે પુછાવેલ પ્રશ્નનો જવાબ. ‘ભોગ’ અને ‘દમન'ના વિકલ્પની વાત તો મેં તને પૂર્વના પત્રોમાં વિસ્તારથી જણાવી જ દીધી છે. ‘ભક્તિ'ના ત્રીજા નંબરના વિકલ્પની જે વાત મેં તને સામાન્યથી કરી છે અને એ વિકલ્પના સહારે જ મેં મારા જીવનને અપવિત્રતાના કાદવથી ખરડાતું બચાવી લીધું છે. આ અંગે થોડીક વિસ્તારથી વાત કરું. વ્યવહાર જગતનો એક કાયદો છે કે વધુ ગમતી ચીજ જ્યારે આંખ સામે આવી જાય છે ત્યારે ઓછી ગમતી ચીજ પરથી મનનું ધ્યાન આપોઆપ હટી જ જાય છે. ભેળ-પૂરી સામે ગાંઠિયા ગૌણ થઈ જ જાય છે ને? પારકર પેનની પ્રાપ્તિ બૉલપેનનો ત્યાગ કરાવી જ દે છે ને? અસલી હીરો હાથમાં આવતા નક્કી ઝવેરાત છૂટી જ જાય છે ને? કંઈક અંશે મારી બાબતમાં આ જ બન્યું છે. સંયમજીવનની ભવ્યતા સમજાઈ છે, સંસારત્યાગ આપોઆપ થઈ ગયો છે. ગુરુદેવની ભવોદધિ તારકતા શ્રદ્ધાનો વિષય બની ગઈ છે. સ્વજન પરિવારથી સહજરૂપે દૂર થવાનું બની ગયું છે. પ્રભુ પ્રત્યેનો પ્રેમ હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ ગયો છે, પૈસા આનંદપૂર્વક છૂટી ગયા છે. મોજશોખ હૈયાની પ્રસન્નતા સામે છેલ્લા સ્થાને ધકેલાઈ ગયા છે.

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51