Book Title: Kahe Kalapurnasuri Part 01 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ધન નહિ આપનારો કંજૂસ ગણાય તો જ્ઞાન નહિ આપનારો કંજૂસ ન ગણાય ? બીજાને આપવાથી જ આપણું જ્ઞાન વધે.
ભણવા આવનારને ભણાવનાર ધૂત્કારે નહિ, વાત્સલ્યપૂર્વક ભણાવે.
આમ કરવાથી અવ્યવચ્છિત્તિ (અખંડ પરંપરા) ચાલે.
હું જો મારા શિષ્યોને ભણાવીશ તો તેઓ તેમના શિષ્યપ્રશિષ્યોને ભણાવશે, એમ પરંપરા ચાલશે.
સિદ્ધિ પછી આ દર્શાવવા જ વિનિયોગ બતાવ્યો છે.
પ્રણિધાન, પ્રવૃત્તિ, વિષ્ણજય અને સિદ્ધિ સુધી પહોંચ્યા પછી પણ વિનિયોગ ન આવ્યો તો જ્ઞાન સાનુબંધ નહિ બને, ભવાંતરમાં સાથે નહિ ચાલે.
કોઈ ભણનાર ન હોય તો સામેથી બોલાવીને ભણાવો.
ફૂલ ખીલ્યા પછી ફોરમ ફેલાવે, તેમ ભણ્યા પછી તમે જ્ઞાનની સુગંધ ફેલાવો. એ વિનિયોગથી જ થઈ શકે.
તીર્થની પરંપરા આ રીતે જ ચાલશે. જૈન શાસનની ચાલતી અખંડ પરંપરામાં આપણે થોડા પણ નિમિત્ત બનીએ એવું ભાગ્ય ક્યાંથી ?
બીજ કાયમ રહેવું જોઈએ. બીજ હશે તો વૃક્ષ પોતાની મેળે મળી જશે. શ્રુતજ્ઞાન બીજ છે.
નાની ઉંમરના ઘણા સાધુ-સાધ્વીજી અહીં છે. આ સાંભળીને ભણવા-ભણાવવામાં આગળ વધશો કે સંતોષી બનીને બેસી રહેશો ? અહીં સંતોષી બનવું ગુનો છે.
પણ જ્ઞાન અભિમાન પેદા ન કરે તે પણ જોવાનું છે. એ માટે ભક્તિ સાથે રાખો.
જેમ જેમ અરિહા સેવીએ રે, તેમ તેમ પ્રગટે જ્ઞાન.'
ધન કમાયા પછી તેને સાચવવું કેટલું મુશ્કેલ છે તે અનુભવીને પૂછો તો ખ્યાલ આવશે. દિનેશભાઈ ! સાચી વાત છે ને ? જરા ગફલતમાં રહો કે ધન ગાયબ ! - જ્ઞાનમાં પણ એવું જ છે. જ્ઞાન મેળવ્યા પછી એને ટકાવવું મુશ્કેલ છે. જ્ઞાનને ટકાવવું હોય તો બીજાને ભણાવો.
૪૯૨
* * * * * * * * * * * * * કહે કલાપૂર્ણસૂરિ-૧