________________
133
પાઠ-સંપાદન અંગે વ્યવહારુ સૂચનો
ચડિયાતા ક્રમ પ્રમાણે ગોઠવી શકાય, જેમ કે હૈં, હસ્તપ્રત હૈં‚ કરતાં વધુ શુદ્ધ હશે, અને T, હસ્તપ્રત હૈં કરતાં વધુ શુદ્ધ હશે. આમ ઉત્તરોત્તર સમજી શકાય.
૩
આ પછી સૂચિમાં દર્શાવેલી હસ્તપ્રતોનો વિગતવાર પરિચય આપવો જોઈએ. આ પરિચય તે સૂચિમાં દર્શાવેલ હસ્તપ્રતોના ક્રમ પ્રમાણે આપવો જોઈએ. આમાં સર્વપ્રથમ તો હસ્તપ્રતનું સાંકેતિક ચિહ્ન અને ત્યાર બાદ જ્યાંથી હસ્તપ્રત પ્રાપ્ત થઈ હોય તે સ્થળનું નામ, ગ્રંથાલયનું નામ, ગ્રંથાલયમાં તેનો ક્રમાંક, પત્રસંખ્યા, પ્રત્યેક પત્રમાં પંક્તિઓની સંખ્યા, પ્રત્યેક પંક્તિમાં અક્ષરોની સંખ્યા, જેના ઉપર લખાઈ હોય તે (ભોજપત્ર, તાડપત્ર વગેરે) લેખન-સામગ્રી, અને તેના હસ્તાક્ષરોની પદ્ધતિ (Style) ઇત્યાદિનો પરિચય આપવો જોઈએ. આ બ્રાહ્ય વર્ણનમાં હસ્તપ્રતની વર્ણવિન્યાસ (લિપિ) સંબંધી વિશિષ્ટા, હસ્તપ્રતનાં સ્વરૂપ અને સ્થિતિ, ઉપાન્ત-ટિપ્પણી (હાંસિયામાં લખાયેલી નોંધ : marginalia) અને બે પંક્તિઓ વચ્ચે ક૨વામાં આવેલા સુધારા, પૃષ્ઠાંકનનું વૈશિષ્ટય, વિભાગોની સંખ્યા અને ક્રમાંક (જો હોય તો)ની માહિતી આપવી જોઈએ અને ગ્રંથની વચ્ચે વચ્ચે આવતી પુષ્પિકાઓ (colophons) વિષે પણ,ખાસ કરીને જ્યારે તે હસ્તપ્રતના સંચરણના ઇતિહાસ પર પ્રકાશ ફેંકતી હોય ત્યારે, માહિતી આપવી જોઈએ. આ સાથે હસ્તપ્રતનું પ્રતિલિપીકરણ જેના આદેશ અનુસાર કરવામાં આવ્યું હોય તે આશ્રયદાતાનું નામ, લહિયાનું નામ, પ્રતિલિપીકરણનું સ્થળ અને પ્રતિલિપીકરણનો સમય અથવા પ્રતિલિપિ ક્યારે તૈયાર કરવામાં આવી તે વિષે આનુષંગિક માહિતી પણ સંપાદકે, જ્યારે પણ સંપાદક દ્વારા આ માહિતી પ્રાપ્ત કરવાનું શક્ય હોય ત્યારે, અહીં આપવી જોઈએ. જો હસ્તપ્રતનાં એક કે વધુ શીર્ષક હોય તો આ વિસ્તૃત પરિચયમાં તે પણ દર્શાવવાં જોઈએ. લેખન-પદ્ધતિની ચર્ચા કરતી વખતે સંપાદકે એ પણ જણાવવું જોઈએ કે હસ્તપ્રત એક જ હસ્તાક્ષરમાં લખાયેલી છે કે પછી તેનું અનુલેખન જુદી જુદી વ્યક્તિઓ દ્વારા થયું છે. આ જ પ્રમાણે હસ્તપ્રતના હાંસિયામાં અથવા બે પંક્તિઓની વચ્ચે કરવામાં આવેલા સુધારાવધારા વિષે પણ જણાવવું જોઈએ. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે પહેલી વ્યક્તિ વડે કરવામાં આવેલાં સંશોધન પાછળની વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ સંશોધન કરતાં ઘણાં વધારે મૂલ્યવાન હોય છે. આ પ્રકારની બધી જ માહિતી અહીં નોંધવી જોઈએ, જેથી વાચકને સમીક્ષાત્મક અધ્યયનની દૃષ્ટિએ હસ્તપ્રતની સ્થિતિ અને મહત્તા યોગ્ય રીતે સમજવામાં મદદરૂપ થાય. જે હસ્તપ્રતોની ઉપેક્ષા કરવામાં આવી હોય તેમને શા કારણે છોડી દેવામાં આવી છે તે પણ દર્શાવવું જ જોઈએ. તે જ પ્રકારે જો હસ્તપ્રતોની આંશિકરૂપે તુલનાત્મક ચકાસણી(સંતુલન) કરવામાં આવી હોય તો સંપાદકે આવા સંતુલનનો જ્યાંથી પ્રારંભ થતો હોય અને જ્યાં અંત આવતો હોય તે વિષે દરેક હસ્તપ્રતના વિસ્તૃત પરિચયમાં દર્શાવવું જોઈએ.