Book Title: Agam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Author(s): Dolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
છઠ્ઠું ગુણસ્થાનક જે એક ભવ આશ્રી ૭૦૦ વાર આવે છે, તે ઉપરોક્ત આશયથી જ ફરમાવેલું છે. જો આટલું રહસ્ય ભગવાન ન બતાવે તો આત્મા ‘ઓસન્ન' એટલે તેનો સંયમનો ઉત્સાહ ઓસરી જાય અને આગળ જતાં પાસસ્થાની પતિત દશા પામી જાય. આવા દુર્નિર્વાવાર પરિણામથી ઉગરવા માટે જ ઉપરોક્ત રહસ્યો ભગવાને ખોલ્યા છે.
આત્મા ભલે પોતાના અસંગ અને નિર્લેપ ભાવની આરાધના માટે સંયમના ભાવને વહન કરે, પણ અનંત અવતારથી આત્માને પુદ્ગલનો (પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયોનો) સંગ છે, તેથી તે પૂરી પરીક્ષા કર્યા વિના જલદીથી મુક્ત થવા દેતો નથી અને તે પોતાના (પુદ્ગલ) તરફ ખેંચ-ખેંચ કર્યા કરે છે. આવા આકર્ષણ સમયે આત્માને જો જાગૃતિ ન રહી તો પુદ્ગલની ખેંચ આત્માને અંધકારમાં ધકેલીને એક એવી ગંભીર ભૂલ ઊભી કરાવે છે કે સુખ આત્મામાં નથી પણ પુદ્ગલમાં સુખ છે એટલે પછી તે આત્માને નામે અને સંયમની આડમાં શાતા અને સગવડતાની જ શોધમાં રહે છે અને પરિણામે પોતાના સંયમને નકલી અને બનાવટી બનાવે છે. (દશ. અ–૪, ગાથા ૨૬) જો છેદ સૂત્રો ન હોત તો આચાર સૂત્રો અપૂર્ણ ગણાત, સૌથી મોટું અને મહત્વનું છેદસૂત્ર શ્રી નિશીથ સૂત્ર છે, તે આચારાંગ સૂત્રના બીજા શ્રુતસ્કંધના એક વિભાગ તરીકે જ છે. ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ એ બંનેનો સમન્વય થાય ત્યારે જ સંયમ પરિપૂર્ણ
બને છે.
‘કોઈપણ આશ્રવ દ્વારનું સેવન કપટને આધારે ટકેલું હોય છે. યોગ્ય જ્ઞાની ગુરુ પાસે કપટને જો ખુલ્લું કરી દેવામાં આવે તો તે કપટ(દોષ) નિરાધાર બની જાય છે, પછી નિરાધાર બનેલા અપરાધીનું આચરણ ક્યાં સુધી ટકે ? એટલા માટે જ શાસન વ્યવસ્થામાં ભગવાને ‘આલોચના’ સર્વ પ્રથમ કહી છે. દોષ મુક્ત થવાની તમન્ના કેટલી જાગૃત છે, તેનું માપ વિચારીને પછી જ પ્રાયશ્ચિત્તનું તપ નિશ્ચિત કરે છે.
મહાવીર દેવનો માર્ગનિર્વાણનો માર્ગ છે. નિર્વાણનો અર્થ એ છે કે સર્વ પ્રકારના કલેશો અને સંતાપોના મૂળ સમાન અજ્ઞાનથી નિવૃત્ત થયું. અજ્ઞાનથી હળવા થવા માટે જીવનની દિશા બદલવી જરૂરી છે. પોતાના જીવન પંથના માર્ગને સુધારવાના માર્ગનું નામ છે. ‘વિરતિભાવ' એટલે સંયમ અને ચારિત્ર.
ચારિત્ર એ એક મોટી સાધના છે પણ તે સાધના અનાદિકાળથી આત્માના ઊંડાણમાં ઉતરી ચૂકેલા અજ્ઞાન ભાવ અને કર્મભાવના હુમલાથી ઘેરાયેલા છે. તપ અને સંયમના ભાવપૂર્વકના પાલનથી સંગ્રહીત થયેલી આત્મ શક્તિ, અજ્ઞાનના એ હુમલા સામે ઝઝૂમીને પણ પોતાના અંગીકાર કરેલા ચારિત્ર રત્નનું રક્ષણ અને પોષણ કરે છે.
31