SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ બીજાને મદદરૂપ થવાની વૃત્તિ અભ્યાસમાં પણ પ્રગટ થવા લાગી. આનું કારણ એ કે મુસ્કાનને એક જીવનમંત્ર મળી ગયો કે બીજાને મદદ કરવાથી પોતાને અનેરો આનંદ આવે છે અને જેમને મદદ કરી હોય તે એના તરફ સાચા દિલથી ચાહના અને પ્રેમ રાખે છે. એમને માટે મુસ્કાન ‘ખાસ’ બની જાય છે અને પોતાની આસપાસના સમાજમાં ‘ખાસ’ બનવાનું એ મુસ્કાનને ગમે છે. એની માતા જૈમિની કહે છે, ‘તે શાળામાં તેના વર્ગના સહાધ્યાયીઓની ખૂબ સંભાળ લે છે. લંચના સમયે એ બીજાં બાળકોને એમના અભ્યાસમાં મદદરૂપ બને છે અને આમ કરવા જતાં ઘણી વાર એનો નાસ્તો એમ ને એમ ઘેર પાછો આવે છે.’ મુસ્કાન તેર વર્ષની થઈ. ઑકલૅન્ડમાં આવેલી સ્ટારશિપ હૉસ્પિટલે એના જમણા પગને સીધા કરવા માટે અને પગની પિંડીના સ્નાયુઓને લંબાવવા માટે સર્જરી કરવાનું નક્કી કર્યું. આને પરિણામે એનું હલન-ચલન ઓછું થઈ ગયું. આવે સમયે કરવું શું ? પથારીમાં બેસી રહેવું, તો ગમે ક્યાંથી? આવી સ્થિતિમાં પણ એ કોઈ સર્જનાત્મક અને ઉત્પાદક કાર્ય કરવા ચાહતી હતી. એને થયું કે લાવ, ફરી કલમ ચલાવું. કઈ વાત લખવી ? ગણેશની કથાથી લેખનકાર્યનો પ્રારંભ કર્યો હતો. હવે શું લખવું ? એણે પોતાની આત્મકથા લખવાનું નક્કી કર્યું અને શારીરિક મર્યાદા ધરાવનાર બાળક તરીકે પોતાની જિંદગીની કથા લખવા-આલેખવાનો વિચાર કર્યો. આઠ મહિનામાં તો એની એ કથા આઇ ડ્રીમ’ તૈયાર થઈ ગઈ. વળી પાછો મુસ્કાનને એક વિચાર આવ્યો. આ પુસ્તકના વેચાણમાંથી જે કંઈ આવક આવે, તે આ સ્ટારશિપ હૉસ્પિટલને જ દાનમાં આપી દઉં. બન્યું એવું કે મુસ્કાનની માતા જૈમિની જ્યાં કામ કરતાં હતાં તે બેંક ઑફ ન્યૂઝીલૅન્ડે આ પુસ્તકને સ્પોન્સર કરવાનો પ્રસ્તાવ મૂક્યો અને એના પિતા અરુણભાઈ જ્યાં કામ કરતા હતા, તે ફાસ્ટ-વે કુરિયર્સે કોઈ પણ મૂલ્ય લીધા વિના આ પુસ્તક ખરીદનારને પહોંચાડવાની તૈયારી બતાવી. આ પુસ્તક પ્રકાશિત થયું અને થોડા જ મહિનામાં અઢીસો ડૉલર એકઠા થયા. મુસ્કાને પોતાને સારવાર આપનારી સ્ટારશિપ હૉસ્પિટલને આ રકમ દાનમાં આપી. મુસ્કાનના આ પુસ્તકને ઑકલૅન્ડની વેસ્ટલેક ગર્લ્સ હાઈસ્કૂલના 50 • તેને અપંગ, મન અડીખમ સ્ટેજ પર ગિટાર વગાડતી મુસ્કાન દેવતા નવમા ધોરણની વિદ્યાર્થિનીઓ ‘કરેજ’ શીર્ષક હેઠળ ભણે છે. એની આવકનો બીજો તબક્કો મુસ્કાને ‘ધ બ્રેકફાસ્ટ ક્લબ’ નામની સંસ્થાને આપ્યો. આ સંસ્થા સામાજિક અને આર્થિક રીતે પછાત વિસ્તારની શાળાનાં બાળકોને અપાતા ભોજન માટે કલ્યાણકાર્ય કરે છે. વળી મુસ્કાન ‘એટિટ્યૂડ લાઇવ’ માટે બ્લોગ પણ લખે છે અને એની બે સંક્ષિપ્ત વાર્તાઓ ‘બૅંક ઑફ ન્યૂઝીલૅન્ડ લિટરરી ઍવૉર્ડ'ની વિવિધ કૅટેગરીમાં સમાવેશ પામી છે. એક વક્તા તરીકે પણ મુસ્કાન ધીરે ધીરે પ્રભાવશાળી બનતી રહી છે. કપરી જિંદગીની વચ્ચે એનો આનંદ અક્ષત રહ્યો છે. એની ઇચ્છા તો એ છે કે ભારતના ઓરિસામાં આવેલા નાના ગામડામાં એક કન્યાશાળા બાંધવા માટે ફાળો એકત્રિત કરવો. જીવન પ્રત્યે સદાય ઉત્સાહી એવી મુસ્કાન માને છે કે એ ઘણું બોલે છે, ઘણું લખે છે અને ઘણી વાર પુસ્તકાલયમાં કોઈ ઉત્તમ પુસ્તક વાંચવામાં ઘણી મશગુલ બની જાય છે.' સ્વાસ્થ્ય સામેની અસંખ્ય લડાઈઓ લડીને એને પાર ઊતરનાર મુસ્કાન વળી હળવાશથી પોતાની વાત કહે છે, ‘જેમ હું વાત કરું છું, તેમ લખું છું. મને વાતો કરવી ખૂબ ગમે છે. હું મારી જિંદગીની સફરની વાત કરીશ, જેથી મેં વેઠેલા સંઘર્ષો, જીવનમાં આવેલી ચડતી-પડતીની તો લોકોને જાણ થશે, પરંતુ એથીય વિશેષ એમાંથી હું કઈ રીતે પાર નીકળી એ વાંચશે અને સહુ કોઈ પ્રોત્સાહન પામશે.' એ કહે છે કે ‘હું વાસ્તવિકતા સ્વીકારવાથી ડરતી નથી, નિખાલસપણે મુસ્કાનનું હાસ્ય * 51
SR No.034437
Book TitleTan Apang Man Adikham
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy