SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ઉર્દૂ , બંગાળી, મરાઠી, મરુ, જાડેજી વગેરે સોળ ભાષાના અનુક્રમ વગરના ચારસો શબ્દને કર્તા-કર્મ સહિત – અનુક્રમ સહિત કરી આપવા, વચ્ચે બીજાં કામો કર્યો જવાં – આવી આવી બાબતોનો સમાવેશ થતો હતો. એક વિદ્વાને તો તેમની શક્તિ જોઈને એવી ગણતરી કરી કે તેઓ એક કલાકમાં પાંચસો શ્લોક સ્મરણ રાખી શકે છે. શ્રીમદ્ રાજચંદ્ર આંખે પાટા બાંધવા છતાં હાથના સ્પર્શથી પુસ્તકોનાં નામ ક્રમબદ્ધ કહી શકતા હતા. રસોઈને ચાખ્યા વિના માત્ર જોઈને જ તેમાં મીઠું ઓછું છે કે અધિક કે સહેજે નથી તે પારખી શકતા હતા. શ્રીમદ્ રાજચંદ્રને અપાર નામના, અદ્વિતીય સ્મરણશક્તિ અને ઝડપી ખ્યાતિ પ્રાપ્ત થઈ હતી, પરંતુ એમના જીવનની જાગૃતિ એટલી બધી હતી કે તેઓ સિદ્ધિના યશોગાન વચ્ચે પણ વૈરાગ્ય અને ભક્તિથી આ સઘળી ઘટનાઓ નિર્લેપભાવે નિહાળતા હતા. તેમનું અતીન્દ્રિય અંતર્મુખપણું આવે વખતે જાગૃત રહેતું હતું અને તેથી જ એમણે વિચાર્યું કે લૌકિક સિદ્ધિ અને પ્રતિષ્ઠા એ મારા જીવનનું પ્રયોજન નથી, પરિણામે તત્કાળ આવા પ્રયોગો બંધ કરી દીધા. જ્યોતિષનું જ્ઞાન પણ એમને અવરોધરૂપ લાગ્યું અને તેથી આ સઘળાં બાહ્ય પ્રદર્શનોને, સર્પ કાંચળી ઉતારે એટલી સાહજિકતાથી એમણે ત્યજી દીધાં. આત્મજાગૃતિનું આ એક અનોખું ઉદાહરણ છે. ભારતને આઝાદી મળી એ મહાત્મા ગાંધીજીના પ્રયત્નોની કેવી મોટી સિદ્ધિ ગણાય ! પરંતુ જ્યારે દેશ આખો આઝાદીના ઉત્સવમાં ડૂળ્યો હતો, ત્યારે ગાંધીજી કૉલકાતામાં એક મુસ્લિમ કુટુંબને સાંત્વના આપી રહ્યા હતા. સિદ્ધિની ટોચે પહોંચાડનારા સંયોગો વચ્ચે પણ એમની માયાજાળથી અલિપ્ત રહીને આત્મચિંતન કરનારી આ વિભૂતિમાં ક્ષણેક્ષણની કેવી જાગૃતિ હશે ! આધ્યાત્મિક કે પારમાર્થિક જાગૃતિના પાયામાં દુન્યવી જાગૃતિ છે. રોજિંદા જીવનની જાગૃતિના પાયા પર જ આત્મજાગૃતિ પણ અવલંબતી હોય છે. આવી આત્મજાગૃતિ ક્ષણેક્ષણ પ્રગટવી જોઈએ. કેમ કે ગમે તે ક્ષણે પ્રમાદ અવસ્થા પ્રગટી શકે છે. જેમ કોઈ કિલ્લાનો ચોકીદાર ચોવીસે કલાક જાગૃત રહીને, પહેરો ભરીને કોઈ દુશ્મન નગરમાં પ્રવેશે નહીં તેની તકેદારી રાખે છે, એવી જાગૃતિ ને તકેદારી સાધકે સ્વ-જીવનમાં રાખવાની હોય છે. જે પ્રમાદ સેવે છે એને માટે ચોતરફ ભય રહેલો હોય છે, જ્યારે અપ્રમાદી એવી સદા જાગૃત વ્યક્તિને ક્યાંય કશો ભય હોતો નથી. પરમનો સ્પર્શ ૯૧ SRO)0
SR No.034433
Book TitleParamno Sparsh
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2018
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy