SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ લાગે છે. મારે ગામડામાં વસતા એ લોકોનો વિચાર કરવો જોઈએ કે જેમને જીવન ટકાવવા માટે રોજેરોજ નહીં, પણ પ્રતિક્ષણ મહાભારત ખેલવું પડે છે. થોમસ નઝરિયો મનોમન વિચારતો હતો કે “મોલમાં જઈએ ત્યારે આપણે જરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે કેટલી બધી દરકાર કરતા હોઈએ છીએ. એને માટે મોલમાં અહીંતહીં ઘૂમી વળીને પુષ્કળ સમય વિતાવીએ છીએ, પરંતુ પોતાના અસ્તિત્વ કાજે ઝઝુમતા લોકો વિશે આપણને વિચાર સુધ્ધાં આવતો નથી. શું લોકોને સત્યની પ્રતીતિ કરાવવા માટે કે જગાડવા માટે ફક્ત ભયંકર વંટોળ કે ધરતીકંપ જ પૂરતા છે ? શું દરરોજ ગરીબાઈના કારણે અસંખ્ય લોકો મૃત્યુ પામે છે, તે વાસ્તવિકતા તરફ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર નથી ? જગતના આ આકરા સત્યની શોધ કરવાનો નઝરિયાએ વિચાર કર્યો. શહેર છોડીને ગામડાંમાં અને ગામડાંમાં પણ કોઈ અત્યંત ગરીબ એવી વસ્તીમાં મોત ટાંપીને બેઠું હોય એવા લોકોની વચ્ચે જવાની ખેવના રાખી અને એમાં એણે ફોટોજર્નાલિસ્ટ રેની બાયરનો સાથ મળ્યો. નઝરિયોના વિચારને તો રેની બાયેરે ક્યારનોય પોતાની તસવીરોમાં કેદ કર્યો હતો. એ તસવીરો બાયેરની નજરમાંથી ખસતી નહોતી. થોમસ નઝરિયોએ એને એક પ્રોજેક્ટ તરીકે આ કામ સોંપ્યું અને કોઈએ બાયરને પૂછવું પણ ખરું કે તમે કોઈ પ્રોજેક્ટ કે અસાઇન્મેન્ટ પર કામ કરતા હો, ત્યારે તમારું ચિત્ત ફક્ત એ મુજબ જે કામ કરે છે ? એના ઉત્તરમાં રેની બાયરે આ પ્રમાણે કહ્યું, ‘જુઓ, કોઈ અસાઇન્મેન્ટ માટે વાટ જોવાની ન હોય. વ્યક્તિએ જાતે એક વિચાર પેદા કરવાનો હોય અને પછી એ વિચાર પર રાતદિવસ કાર્ય કરવાનું હોય.' રેની બાયરે પોતાનું કામ શરૂ કર્યું. એ જે કોઈ દેશમાં જતી, ત્યાંના તસવીરકારોને મળતી. એમની સંસ્કૃતિને પામવાનો પ્રયાસ કરતી. બને તેટલી માહિતી એકઠી કરતી. પ્રજાજીવનની એકેએક બાબતની જાણકારી મેળવતી એની વિસ્તૃત નોંધ તૈયાર કરતી. પછી ભલે એ વિગતો એને ઉપયોગી ન હોય. એ પછી કોઈ પત્રકારને સાથે રાખતી. શહેર અને ગામડાંની શેરીઓમાં ઘૂમતી, લોકોના ઇન્ટરવ્યુ લેતી. કોઈ ઘટના કે છબીને કૅમેરામાં કંડારવા માટે કલાકો A • માટીએ ઘડ્યાં માનવી કે દિવસો વિતાવવા પડતા. પણ રેની બાયરને આનંદ એ વાતનો કે એણે કોઈ ‘પોઝ” કે “પોટ્રેટ'નો ફોટોગ્રાફ લીધો નહોતો, પણ ૨૧મી સદીની ગ્લોબલ બનેલી દુનિયામાં મોતના ઓથાર હેઠળ રઝળતી જિંદગીની સાચી છબી મેળવી હતી. જે ધરતી પર અને જે સમયમાં આપણે જીવીએ છીએ, એ સમયની આ જીવંત હકીકત છે ! પ્રગતિના આકાશને આંબવા નીકળેલી પૃથ્વી પરની માનવજાતની સૌથી મોટી પીછેહઠનો આ નજરે દીઠો અહેવાલ છે. મુગ્ધ અને રમતિયાળ બાળપણને પરીકથાઓની રંગીન દુનિયામાં રમતું મૂકવાને બદલે અહીં પેટનો ખાડો પૂરવા માટે જીવતરનાં રુધિર રેડવાં પડે છે ! આફ્રિકાના ઘાનામાં વસતી આઠ વર્ષની ફાતી પર લાંબા વખતથી મલેરિયાની બીમારીએ ભરડો લીધેલો છે. એકાએક એવી ટાઢી ધ્રુજારી આવે કે આખું શરીર થરથર કાંપવા લાગે, પણ ન તો એની પાસે દર્દની ફિકર કરવાનો સમય છે કે ન તો એની પાસે કોઈ દવા છે. એ ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ફેંકી દીધેલા ભાગોના ઢગલામાં કંઈક મેળવવા હાથ નાખીને ફંફોસે છે. ઇ-વેસ્ટના જોખમી વાતાવરણમાં એને એક-એક પેની મેળવવા માટે પોતાના આરોગ્યને દાવ પર લગાડવું પડે છે. આ ઇ-વેસ્ટમાંથી મળેલા ભાગો એક નાનકડી બકેટમાં ભરે છે અને પછી ધાતુઓથી ભરેલી એ બકેટ માથા પર સમતોલ રાખીને વેચવા નીકળે છે. એને એટલી આશા છે કે એક ટંકના લુખા-સૂકા ભોજન પૂરતી રકમ તો આમાંથી મળી જશે. શરીરમાં તાવ અને માથા પર વજનને કારણે સતત વેદનાથી પીડાય છે. એની આંખોમાંથી આંસુ ટપકે છે, પણ ગમે તે થાય એને જીવવું હોય, તો આ રોજના મોતની વચ્ચેથી પસાર થવું પડે છે. પચીસ વર્ષની લિબિયામાં વસતી જેસ્ટિના કોકો અને એની પુત્રી સાતાની સ્થિતિ કલ્પનાને પણ ધ્રુજાવી નાખે તેવી છે. જેસ્ટિના કોકો માત્ર ત્રણ વર્ષની હતી અને સાવ પાંગળી બની ગઈ. એ પગથી ચાલી શકતી નથી. હાથથી ઘસડાતાં ઘસડાતાં ચાલે છે. એ લોકોનાં કપડાં ધુએ છે, ગળચટાં બિસ્કિટ વેચીને ગુજરાન ચલાવે છે અને એમાંય ક્યારેક બિસ્કિટ ખરીદવાના પૈસા ન હોય, ત્યારે ભીખ માગીને શ્વાસ ધબકતા રાખે છે. એના દિલમાં એક ‘કાઈક દિવસ” • 45
SR No.034429
Book TitleMatrie Ghadya Manvi
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy