SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા પર્યાવરણની ચિંતા કરીએ ! તમે વિશ્વભરના પર્યાવરણની ચિંતા કરો છો, પણ તમારી આસપાસના પર્યાવરણનો વિચાર કર્યો છે ખરો ? તમે જે સ્થળે તમારી કામગીરી બજાવતા હો, તે સ્થળ વિશે ક્યારેય વિચાર કર્યો છે ? તમારી ઑફિસમાં ફાઈલોના અસ્તવ્યસ્ત ઢગલા પડ્યા છે ! કેટલાય કાગળો આમતેમ ઊડી રહ્યા હોય છે. વચ્ચે અખબારો પડ્યાં હોય અને ફર્નિચરો હિસાબની નોટબુકોથી કે પુસ્તકસામયિકોથી ખીચોખીચ ભરેલાં હોય છે. હકીકતે જેમ વિશ્વની સુખાકારી માટે પર્યાવરણની જાળવણી જરૂરી છે, એ જ રીતે વ્યક્તિની સુખાકારી અને કાર્યક્ષમતાની વૃદ્ધિ માટે એણે પોતાના નિવાસસ્થાન અને ઑફિસના પર્યાવરણનો વિચાર કરવો જોઈએ. કોઈક ઑફિસમાં તો વ્યક્તિ ટેબલ પર એટલી બધી ફાઈલોનો ખડકલો કરીને બેઠી હોય કે એને મળવા જાવ, ત્યારે એનો ચહેરો શોધવો મુશ્કેલ પડે. આનું કારણ એ નથી કે આ બધી ફાઈલો એને એકસાથે ઉપયોગી છે. આનું કારણ એ છે કે ફાઈલોને વ્યવસ્થિત ગોઠવવાની એને ભારે આળસ છે અથવા તો ફાઈલોનો ઢગલો કરીને એની અતિ વ્યસ્તતા બતાવવા માગે છે. કાર્ય, સમયનું વાતાવરણ વ્યક્તિના વિકાસ માટે જરૂરી છે. આમાં એનો ઘણો સમય વેડફાય છે. ઘણી વાર સરકારી ઑફિસમાં જાવ ત્યારે ઉત્સાહને બદલે ઉદાસીનતાનો અનુભવ થાય છે. ઠેરઠેર પડેલી ફાઈલોના ઢગલા પર જામી ગયેલી ધૂળ પ્રમાદની ચાડી ખાય છે. આ પ્રમાદ ધીરેધીરે અધિકારીના મન પર કબજો જમાવે છે. તમારા પ્રશ્નોનો જવાબ આપતાં પૂર્વે આસપાસ જામેલો પ્રમાદ કે ભરડો વાળીને બેઠેલી આળસથી એ વિચારે છે કે મારે તો કશું કરવાનું નથી ! આથી વ્યક્તિએ પોતાની આસપાસ એવા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ કે જે એનામાં નવી પ્રેરણા અને જીવંત ઉત્સાહનો સંચાર ક્યાં કરે. ક્ષણનો ઉત્સવ 4 દેવાલય વૃદ્ધાશ્રમ લાગે છે ! કોઈ મંદિરમાં દર્શનાર્થે જાવ ત્યારે સહેજ નજર કરજો કે અત્યંત ભક્તિભાવથી ઈશ્વરની મૂર્તિનાં દર્શન કરનારા યુવાનો કેટલા છે ? પ્રભુ સમક્ષ ભાવથી હાથ જોડીને ઊભેલાં બાળકો કેટલાં છે ? કઈ વયના લોકો મંદિરની કેટલો સમય મુલાકાત લે છે, તેની યાદી રાખવી જોઈએ, તો એમ લાગશે કે ઈશ્વર તો વૃદ્ધોના છે. યુવાનો સાથે એનું કોઈ અનુસંધાન નથી. મોટા ભાગના યુવાનો માત્ર હાથ જોડી, વંદન કરીને મંદિરમાંથી બહાર નીકળી જાય છે. મંદિરના ઉપાસકો જોતાં એમ લાગે કે આપણે વૃદ્ધાશ્રમને અહીં લઈ આવ્યા છીએ. વ્યક્તિ જેમજેમ વૃદ્ધ બને તેમતેમ એ મંદિર આવવામાં વધુ નિયમિત અને ઉપાસનામાં વધુ સમય વ્યતીત કરવા માંડે છે. આદિ શંકરાચાર્ય કે કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને બાલ્યાવસ્થાથી જ્ઞાન અને ધર્મ પ્રાપ્ત થયાં હતાં. આજના બાળકને આ મંદિરો જ્ઞાન અને ધર્મ આપી કે શકે છે ? બાળકના માનસઘડતરમાં મંદિરનો કેટલો હિસ્સો છે ? માત્ર વડીલોના કહેવાથી બાળક કે યુવાન મંદિરમાં જતો હોય છે અથવા તો કોઈ યાત્રાધામના પ્રવાસે નીકળ્યો હોય ત્યારે મંદિરની ‘ઔપચારિક મુલાકાત' લેતો હોય છે, પરંતુ એના મનમાં ભક્તિનાં બીજ કે ઈશ્વરની શ્રદ્ધા કેટલી છે ? મંદિરના ભગવાનનો બાળકો અને યુવાનો સાથે નાતો જોડીએ. જેનાં દર્શન કરે છે, એના ગુણને આત્મસાત કરવાની એનામાં કેટલી તીવ્રતા છે. અરે ! એ જેમનું દર્શન કરે છે, એ ભગવાન વિષ્ણુ કે તીર્થંકર ઋષભદેવ વિશે કશી વિશેષ જાણકારી ધરાવતો નથી. પરિણામે મંદિરો યુવાનોને આકર્ષી શક્યાં નથી અને બાળકોને આતુર બનાવી શક્યાં નથી. બધી બાબતમાં આવતીકાલની ચિંતા-ફિકર કરનારા આપણે ચોપાસ સતત નિર્માણ પામતાં મંદિરોની આવતીકાલનો વિચાર કરીશું ખરા ? ક્ષણનો ઉત્સવ
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy