SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ મૃત્યુ પછી પણ જીવતાં-ધબકતાં સત્કર્મો આ જગત પરથી જીવનલીલા સંકેલી લીધા બાદ કશું શેષ રહે છે ખરું? કે પછી વ્યક્તિના દેહનાશની સાથોસાથ એણે પ્રાપ્ત કરેલાં યશ, સિદ્ધિ અને સમૃદ્ધિ સઘળું સમાપ્ત થઈ જાય છે ? વ્યક્તિનું અવસાન થયા પછી ધરતી પર એનું કશું બચે છે ખરું કે અગ્નિસંસ્કારની ભડભડતી આગમાં બધુંય ભસ્મીભૂત થઈ જાય છે ? નાશવંત જીવનમાં અવિનાશી હોય તો તે સત્કર્મ છે. કર્મ તો સહુ કોઈ કરે છે, કોઈ આજીવિકા માટે તો કોઈ અંગત સિદ્ધિ માટે, પરંતુ આવાં કર્મો કરનાર મૃત્યુ બાદ વિસ્મૃતિ પામે છે. કારણ કે માનવીનાં અંગત કામ તો વહેતા પ્રવાહમાં વહી જનારાં હોય છે. એ સામા પૂરે તરીને કોઈ સત્કર્મ કરનારો હોતો નથી. ગાડરિયા પ્રવાહે ચાલનાર વ્યક્તિના અસ્તિત્વની એના મૃત્યુ પછી કોઈ નોંધ પણ લેતું નથી અને એનો કોઈ અણસાર રહેતો નથી. દેહ સાથે સઘળું ભસ્મીભૂત થઈ જાય છે, જ્યારે સ્વાર્થ, સંકુચિતતા અને ભૌતિકતા જેવા અવરોધો પાર કરીને માનવી માટે કલ્યાણકારી સત્કર્મો કરનારને સહુ કોઈ યાદ કરે છે. સત્કર્મ કરવાની બે જ રીત છે, કાં તો તમે તમારી વાણી કે લેખિની દ્વારા સત્કર્મને પ્રગટ કરો અથવા તો તમે સ્વયં સત્કર્મ કરી બતાવો. આમ કાર્ય અને કલમ દ્વારા થયેલાં સત્કર્મો જ વ્યક્તિના મૃત્યુ પછી એના સ્મરણની સુવાસ આપતાં રહે છે. નાશવંત અને શાશ્વતનો ભેદ વહેલી તકે પારખી લેવો જોઈએ અને જેની નજર શાશ્વત સત્કર્મ પર છે તેની સામે નાશવંત બાબતો નાશ પામે છે. સત્કર્મ અ-મૃત છે. એ વ્યક્તિ જીવંત હોય કે દિવંગત હોય પણ એના ભાવ સદાય વાતાવરણમાં સુવાસ પ્રેરતા હોય છે. પોતાના દેહની અને મનની શક્તિઓ સામાજિક કાર્યોમાં રેડીને કાર્ય કરનાર માનવીનાં દેહ કે મન ન હોય, તો પણ એનાં સત્કર્મ શાશ્વત રહે છે. 114 ક્ષણનો ઉત્સવ ૧૧૩ ભય ભૂતકાળ કરતાં ભવિષ્યમાં વધુ જીવે છે એ હકીકત છે કે ભય વિનાની કોઈ વ્યક્તિ તમને આ જગતમાં જડશે નહીં. નિર્ભયતાનો દાવો કરનારી વ્યક્તિ ઘણી વાર બડાશ હાંકીને એના ભયને છુપાવતી હોય છે. ગમે તેવો મહાન ખેલાડી પણ મેદાન પર જતી વખતે રમત પૂર્વે ભયથી એકાદ કંપારી અનુભવે છે. કોઈ કુશળ અદાકારને પૂછશો તો તે પણ કહેશે કે નાટકના તખ્તા પર પ્રવેશતાં પૂર્વે થોડી ક્ષણ ‘શું થશે ?'નો ભય એને સતાવતો હોય છે. અતિ તેજસ્વી વિદ્યાર્થીના મનમાં પણ પરીક્ષા પૂર્વે નિષ્ફળતાનો ભય લટાર લગાવી જતો હોય છે. એ સાચું કે કેટલાક ભયને હસી કાઢે છે અથવા તો એને વિશેષ મહત્ત્વ આપતા નથી. આવી વ્યક્તિ પણ ભીતરમાં ભય અનુભવતી હોય છે. કોઈને વસ્તુનો ભય લાગે છે, તો કોઈને વ્યક્તિનો ભય લાગે છે. કોઈને ગરીબીને કારણે ભવિષ્ય કેવું દુઃખદ જશે એનો કાલ્પનિક ડર લાગતો હોય છે તો કોઈને પોતાની અમીરાઈ છીનવાઈ જશે તો શું થશે એવો ભાવિનો ભય સતાવતો હોય છે. ભયને ભૂતકાળ કરતાં ભવિષ્યકાળ વધુ પસંદ છે. આમ ભય એ એક સર્વવ્યાપક લાગણી છે, આથી નિર્ભયતાની બડાશ હાંકવાને બદલે પોતાના ભીતરના ભયને સ્વીકારીને ચાલવું જોઈએ અને માનવું જોઈએ કે પ્રત્યેક ભયગ્રસ્ત પરિસ્થિતિનો કોઈ ને કોઈ ઉકેલ હોય છે, એમ મારી ભયની ભાવનાનો પણ ઉકેલ શોધીને તેને નિર્મૂળ કરીશ. નિર્ભયતા એ માનવમુક્તિનો પહેલો પાઠ છે. નીડરતા એ ડર કે ભય સામેનું બ્રહ્માસ છે અને અભય એ આધ્યાત્મિકતાનું ઉચ્ચ શિખર છે. વિચારની સ્પષ્ટતા, આચરણની દઢતા અને પરોપકારની ભાવના ધરાવનારને ભય કદી સ્પર્શી શકતો નથી. ક્ષણનો ઉત્સવ 115
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy