SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ - ૯૩. આપણા મનની ગ્રંથિથી વ્યક્તિને બાંધીએ નહીં કુતૂહલ એ દરિયાનાં મોજાં જેવું હોય છે ! મોટા ભાગની વ્યક્તિઓ માત્ર કુતૂહલથી જીવતી હોય છે. એમના ચિત્તમાં સતત એક પછી એક કુતૂહલ ઊગતાં હોય છે. એમને કુતૂહલ જાગે કે અમુક રાજકીય ઘટના પાછળ કયું પરિબળ કામ કરે છે અને એનો ઉત્તર મળતાં એમની રાજકીય જિજ્ઞાસાનું શમન થઈ જશે. કોઈના મનમાં વિચાર જાગે કે વ્યક્તિના જીવનમાં કયા ગુણો હોય તો એ આત્મસાક્ષાત્કાર કરી શકે છે. એ ગુણોની માહિતી પ્રાપ્ત કરશે અને ત્યાં જ એનું કુતુહલ સમાપ્ત થઈ જશે. એનો હેતુ પોતાનું કુતૂહલ સંતોષવાનો છે, પરમાત્મપ્રાપ્તિનો નહીં. આવી રીતે કોઈના મનમાં સવાલ જાગે કે પરમાત્મા ક્યાં છે? અને એ કોઈ જ્ઞાની કે સંતને આનો ઉત્તર પૂછશે અને પ્રત્યુત્તર મળતાં એને મનમાં બરાબર ગોઠવીને એનું કુતૂહલ શાંત થઈ જશે. આ રીતે કુતુહલ માત્ર મનનો એક તરંગ છે. મનમાં જાગેલો એક સવાલ હોય છે, જે ઉત્તર મળતાં સંતોષ પામે છે. આવું કુતુહલથી ભરેલું મન સપાટી પર વિહાર કરતું હોય છે. એ ક્યારેય વિષયની ભીતરમાં જઈ શકતું નથી. આવાં કુતુહલો એ જ ઘણાં માણસોની વિચારધારાનો મુખ્ય પ્રવાહ હોય છે. એમના મનમાં એક પછી એક કુતૂહલ જાગતાં રહે છે અને એ રીતે કુતૂહલ વારેવારે પ્રગટ કરીને જીવતા રહે છે. માહિતીના આ યુગમાં માણસ મનમાં કુતૂહલનો ખડકલો લઈને જીવે છે. એના ચિત્તમાં પારાવાર પ્રશ્નો પડ્યા છે, પ્રશ્નોના ઉત્તરોની ખોજ છે, પણ ત્યાં જ એના કુતુહલનું પૂર્ણવિરામ છે. કુતૂહલ પાસે વિચારનો ઝબકારો છે, ઝબકારાની માફક એ ક્ષણમાં વિલીન થઈ જાય છે પછી કુતૂહલનો કોઈ અર્થ રહેતો નથી. કુતૂહલ વ્યર્થ છે કે સાર્થક છે એનો વિચાર જરૂરી છે, નહીં તો આખી જિંદગી કુતૂહલોની પરંપરામાં વેડફાઈ જશે. કોઈ વ્યક્તિને મળીએ ત્યારે આપણે એને એક નિશ્ચિત છાપ સાથે મળતા હોઈએ છીએ. આ માણસ કુટિલ અને કાવતરાબાજ છે અથવા તો આ વ્યક્તિ તરંગી અને ધૂની છે એવી એક ચોક્સ છાપ સાથે બીજાને મળતા હોઈએ છીએ. આને દુનિયાદારીનું લેશમાત્ર ભાન નથી કે પછી આ માણસ જેવો ઘમંડી બીજો કોઈ નથી, એમ એને જોતાં જ આપણું ચિત્ત ગાંઠ વાળીને બેસી જાય છે. પ્રત્યેક વ્યક્તિના વ્યક્તિત્વ વિશે આપણે આવી મનની ગાંઠ ધરાવીએ છીએ, પરંતુ આમ કરવા જતાં એ વ્યક્તિના વ્યક્તિત્વનાં ઘણાં પાસાં ચૂકી જઈએ છીએ. આપણા મનમાં એને વિશેની છાપ પ્રમાણે એની વાત સાંભળીએ છીએ અને એ વાતનું પૃથક્કરણ કરીને અંતે આપણી છાપ અનુસાર એને ઘાટ આપીને સ્વીકારીએ છીએ. એ ગમે તે કહેશે, પરંતુ આપણે એને વિશેના આપણા નિશ્ચિત ઢાંચાથી જ સાંભળીશું. પરિણામે આપણે એની વાતને પૂરેપૂરા સમજી શકતા નથી. એના વ્યક્તિત્વને પામી શકતા નથી અને આપણી ‘લેબલ'વાળી અધૂરી સમજ થી એને યોગ્ય રીતે નાણી શકતા નથી.. ઘણી વાર આપણે એમ માનીએ છીએ કે અમે આવી વ્યક્તિઓ વિશે કોઈ નિશ્ચિત છાપ ધરાવતા નથી, પણ હકીકતમાં આવી છાપ આપણા મનમાં હોય છે અને એ સતત આપણા વ્યવહારમાં આડે આવતી હોય છે. વ્યક્તિને યોગ્ય સંદર્ભમાં જાણવા માટે કશાય પૂર્વગ્રહ વિનાના શ્રોતા બનવું જરૂરી છે. વ્યક્તિને સમજવા પ્રયાસ કરીએ તો જ એના વ્યક્તિત્વને પામી શકીએ. વ્યક્તિને પહેલાં એની આંખે જોઈએ પછી આપણી આંખે જોવાનો પ્રયાસ કરીએ. પૂર્વગ્રહ કે પૂર્વધારણાઓનાં ચશ્માં પહેરીને વ્યક્તિને જોવા જઈએ તો ઘણી મોટી થાપ ખાઈ જઈએ તેવો સંભવ છે. 94 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 95
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy