SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯૦ આદતની પાછળ ઘેટાંની માફક ચાલે છે ! ઘેટાના જેવા સ્વભાવવાળો માણસ તમે જોયો છે ? એક ઘેટું બીજા ઘેટાની પાછળ ચાલ્યું જતું હોય, ત્યારે ન તો આંખ ઊંચી કરે છે કે ન તો માથું ઊંચું કરે છે ! આને આપણે ગાડરિયો પ્રવાહ કહીએ છીએ અને કેટલાક માણસ પણ પેલા ઘેટાની માફક આજુબાજુનું કશુંય જોયા વિના નીચી ઢળેલી આંખ અને નતમસ્તક સાથે પોતાની આદત પાછળ ચાલતા હોય છે. કોઈને પાન-સોપારીની આદત હોય તો કોઈને દારૂ કે કેફી વ્યસનની આદત હોય, પરંતુ એ આદત એને ઘેટાસમાન બનાવી દે છે, જે કશોય વિચાર કર્યા વિના મુંગે મોંએ એની પાછળપાછળ ચાલ્યા કરે છે. બાળપણની આદત બુઢાપામાં પણ જતી નથી. આવી આદત ધીરેધીરે વ્યક્તિ પર વર્ચસ્વ જમાવી દે છે અને પછી એ આદત એના જીવનનો નિત્યક્રમ બની જાય છે. સ્થિતિ કે પરિસ્થિતિ ગમે તેટલી બદલાય, પણ આદતનું સ્વરૂપ બદલાતું નથી. માણસ સાવ ગરીબ થઈ ગયો હોય, તોપણ એ આદત છોડી શકતો નથી. એ આદતમાં ખુવાર થવાનું પસંદ કરે છે, પણ એમાંથી મુક્ત થવાનો વિચાર કરતો નથી, કારણ કે આવી આદત માણસની વિચારશક્તિ પર કુઠારાઘાત કરે છે અને પછી માનવી કોઈ યંત્રની પેઠે પોતાની આદતો સંતોષતો જાય છે. એને ખબર હોય છે કે એ આર્થિક રીતે પાયમાલ થઈ જશે અથવા તો કેન્સર જેવી જીવલેણ બીમારી લાગુ પડશે, તોપણ એ આ આદત છોડી શકતો નથી. પરિણામે એ એની ભૂતકાળની આદતમાંથી વર્તમાનમાં બહાર આવી શકતો નથી, પ્રબળ સંકલ્પ એ જ અનિષ્ટકારક આદતોની મુક્તિનો પહેલો ઉપાય છે. આદત સારાસાર બુદ્ધિનો નાશ કરે છે, ત્યારે શુભ-સંકલ્પ સારાસારનો વિવેક કરીને કાર્ય કરે છે. નિષ્ફળતાના કેન્દ્રમાં પોતે જ હોય છે ! પોતાની નિષ્ફળતાને બીજાના દોષની ખીંટી પર ટાંગવાનો ચેપી રોગ લાગુ પડે, તો તે વ્યક્તિના બીમાર વ્યક્તિત્વને ધીરે ધીરે કોરી ખાય છે. ગૃહિણી પોતાનાં ઘરસંસારનાં દુ:ખો માટે પોતાને નહીં, પરંતુ એના પતિને જ ગુનેગાર અને જવાબદાર માને છે. કંપનીનો બૉસ કંપનીની ખોટનું કારણ પોતાની અણઆવડતને નહીં, પરંતુ કર્મચારીઓની અયોગ્યતાને માને છે. કોઈ નોકર પોતાની સઘળી મુશ્કેલીનું કારણ પોતાના માલિકને માને છે. આમ વ્યક્તિ પોતાની નિષ્ફળતાનું બીજા પર દોષારોપણ કરતી હોય છે. જીવનમાં નિષ્ફળ ગયેલો પુરુષ એના કારણરૂપે પત્નીનો વિચિત્ર સ્વભાવ, પુત્રનું ઉદ્ધત વર્તન, પડોશીઓ દ્વારા થતી પંચાત કે પછી નબળા સંયોગોને માનતો હોય છે. આ રીતે દોષારોપણ એ એક એવો ચેપી રોગ છે, જે એક વાર વ્યક્તિના મનને વળગ્યો એટલે એમાંથી મુક્ત થઈ શકતો નથી. એના ચિત્તનું આ જ રીતે “પ્રોગ્રામિંગ” થઈ જાય છે. એ પોતાની સમસ્યાના કારણ માટે પોતાની જાતને જોવાને બદલે અન્યને જુએ છે. સમસ્યાનો વિચાર કરવાને બદલે એ કારણભૂત માને છે તેવી બીજી વ્યક્તિનો વિચાર કરે છે અને આમ કરીને એ પોતાની જવાબદારીમાંથી મુક્તિ મેળવી લે છે. પોતાની સમસ્યા કે પોતાની નિષ્ફળતાને માટે એ સ્વયં જવાબદાર હોવા છતાં દોષનો ટોપલો બીજાને માથે નાખી દેવા અતિ આતુર હોય છે. જીવનની સચ્ચાઈ જાણવા માટે પોતાની નિષ્ફળતાના કેન્દ્રમાં પોતાની જાતને મૂકીને જોવું જોઈએ. પોતાની વૃત્તિ, મર્યાદા, સ્વભાવ અને શક્તિ-સામર્થ્યને લક્ષમાં રાખીને સમગ્રતયા વિચાર કરવો જરૂરી બને છે. જો એ અન્ય પર દોષારોપણ કરવા લાગશે, તો સ્વદોષની ઉપેક્ષા કરતો રહેશે. એની પોતાની જાતની સાચી ઓળખ વિના સફળતા હાથ લાગે કઈ રીતે ? 92 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 93
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy