SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિનો ખોળો ખોઈ બેઠા ! આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન વળે ! સફળ વ્યક્તિઓના જીવનમાં એવી કઈ જડીબુટ્ટી હોય છે કે જેના દ્વારા એ જે કોઈ ક્ષેત્રમાં કાર્યરત હોય, તેમાં એક પછી એક પ્રગતિનાં સોપાન સાધતી હોય છે. એ વ્યક્તિ પાસે પોતાની કલ્પનાને વાસ્તવિક અનુભવરૂપે વિચારી શકવાની ક્ષમતા હોય છે. એ પોતાના જીવનસ્વપ્નને ચિત્તમાં સાચેસાચું સર્જાયેલું હોય, તેમ જુએ છે અને એ પછી એ સ્વપ્નની હકીકતને સાકાર કરવા માટે પ્રયાસ કરે છે. આવી વ્યક્તિ પાસે પોતાના ધ્યેયનો મનોસાક્ષાત્કાર કરવાની અદ્ભુત શક્તિ હોય છે. એ ધ્યેયને મનમાં પ્રત્યક્ષ કરીને પોતાની કાર્યપ્રણાલી નિશ્ચિત કરતી હોય છે. મનોમન શિખરને જુએ છે. એને બારીકાઈથી નિહાળે છે અને પછી એ શિખરે પહોંચવા માટેનો માર્ગ તૈયાર કરે છે. ધ્યેયસિદ્ધિના માર્ગમાં આવનારા અવરોધોનો સાક્ષાત્કાર કરે છે અને શિખરને નજરમાં રાખીને એ અવરોધોને કેવી રીતે પાર કરવા તેનું આયોજન કરે છે. માત્ર સ્વપ્ન સેવવાથી કશું થતું નથી. એ સ્વપ્નનો મનોમન સાક્ષાત્કાર કરવો જોઈએ અને પછી એ ચિત્તના અનુભવને વ્યવહારમાં ઉતારવા માટે પુરુષાર્થ ખેડવો જોઈએ. તમારા સ્વપ્નને મનમાં સાચેસાચું જીવંત કરવા તમારી પાસે એ માટેનો પ્રબળ આવેગ હોવો જોઈએ. એનું વારંવાર પુનરાવર્તન કરવું જોઈએ, તો જ પૂરેપૂરી બુદ્ધિ-શક્તિ એની પ્રાપ્તિ માટે પ્રેરણા અને જોશનું કામ કરવા લાગશે. સ્વપ્નને સેવવા અને સ્વપ્નને સર્જવા વચ્ચેની મોટી ખાઈ પસાર કરવા માટે બૌદ્ધિકતા અને કાર્યનિષ્ઠાનો સેતુ રચવો પડે. સ્થપતિએ તૈયાર કરેલી ડિઝાઇનો ઇમારતમાં પલટાવવા માટે એના એ કેએક પાસાનો પરામર્શ કરવો ઘટે. માર્ગમાં આવનારા અવરોધોનો વિચાર કરીને એને માટે આગોતરું આયોજન કરવું પડે. આંખમાં સ્વપ્ન આંજવાથી કશું ન થાય હાથથી એ સ્વપ્નોનું સર્જન કરવું પડે. સવારથી રાત સુધી માનવી સતત દેહની દરકાર રાખતો હોય છે. શરીરની નાનીનાની જરૂરિયાતો પર પૂરું ધ્યાન આપે છે અને એના સૌંદર્ય કે શક્તિની વૃદ્ધિ માટે અનેક ઉપાયો કરે છે. જિંદગીનો કેટલો બધો સમય એ આ શરીર માટે ગાળે છે ! એને એના શરીરનું બંધાણ થઈ ગયું હોય છે અને તેથી વાળ વેરવિખેર થાય કે કપડાં ટૂંકાં કે ચમકદાર ન હોય તો એ બેચેની અનુભવે છે. શરીરનાં સુખ અને પીડા સાથે એનું આખું સંવેદનતંત્ર જોડાઈ ગયું હોય છે અને તેથી માનવી દેહથી એક ક્ષણ પણ અળગો રહી શકતો નથી. એ જેમ શરીરને સ્વસ્થ રાખવાનું વિચારે છે, એ રીતે એણે મનની માવજત કરવી જોઈએ. તન અને મનનો જીવનભરનો સંબંધ છે. શરીરને આરામ આપે છે એમ એણે મનને આરામ આપવો જોઈએ. અતિશય કામ, અતિ વ્યસ્તતા અને માનસિક તનાવ વચ્ચે પણ એણે મનના સ્વાથ્ય માટે થોડીક મિનિટો કાઢવી જોઈએ. કામના ઢગલા વચ્ચે દટાયેલો હોય તોપણ એની વચ્ચે થોડો સમય શાંતિથી બેસીને, આંખો બંધ કરી, પોતે જોયેલાં કોઈ પ્રકૃતિદર્શનને માણે તો એના મનમાં નવી તાજગી આવશે. જીવનમાં જોયેલાં ગમતાં પ્રકૃતિદૃશ્યો વચ્ચેથી એ મનને પસાર કરશે તો એનું મન સદા સ્વસ્થ અને સ્વાશ્યપૂર્ણ રહેશે. એવાં દૃશ્યો અને આનંદ આપશે અને સતત એક પ્રકારના વિચાર-ઢાંચામાંથી મુક્ત કરશે. પહેલાં માનવીએ પ્રકૃતિનો ખોળો ગુમાવ્યો, પછી પ્રકૃતિનું દર્શન ગુમાવ્યું અને આજે આખી પ્રકૃતિ જ ખોઈ બેઠો છે. પ્રકૃતિમાં રહેલી પરમની ભવ્યતા, જીવનનો ઉલ્લાસ અને અંતર્મુખતાનો આનંદ પામવો હોય તો એણે પ્રકૃતિ પાસે જવું જ પડશે. 88 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 89
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy