SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ સામેની વ્યક્તિને પહેલો દાવ આપો પોતાની વાતને આવેશ આગ્રહપૂર્વક પ્રસ્તુત કરતી વ્યક્તિ બીજાને પોતાની વાત સમજાવવામાં ભાગ્યે જ સફળ થતી હોય છે. તમારો વિચાર અન્ય કોઈ વ્યક્તિ સ્વીકારે એમ ઇચ્છતા હો, તો પહેલાં તમારે શાંત ચિત્તે, એકાગ્રતાથી એ વ્યક્તિના વિચારો સાંભળવા જોઈએ. તમે એનું હૃદગત્ જાણી શકશો અને એની દલીલ કે એનાં કારણો સમજવાં મળશે. આ સમયે મોટા ભાગની વ્યક્તિઓ અધવચ્ચેથી જ એ દલીલ કે કારણોને તોડીને પોતાની વાત રજૂ કરતી હોય છે. આ આક્રમણ એવું જોખમી છે કે જેને પરિણામે સામી વ્યક્તિ તમારી વાત સ્વીકારે એવી કોઈ શક્યતા રહેતી નથી. આથી અન્ય વ્યક્તિને બરાબર સાંભળવી, એનો મુદ્દો કે વિચાર સમજવાનો સાચા દિલથી પ્રયાસ કરવો અને પછી તમારી વાત રજૂ કરવી. આમ પહેલો દાવ સામી વ્યક્તિને આપવો જોઈએ, પછી તમારે દાવમાં ઊતરવું જોઈએ. પરંતુ આપણે ત્યાં બને છે એવું કે વ્યક્તિ પોતે પહેલો દાવ આંચકી લે છે અને તેને પરિણામે સામસામી દલીલબાજી, વિરોધ કે વિસંવાદ સિવાય બીજું કશું રહેતું નથી. સામી વ્યક્તિને સાંભળવાથી એની સાથે એક પ્રકારનો સેતુ બંધાશે. એ વ્યક્તિને પણ એમ લાગશે કે તમે એના વિચારોને આદર આપો છો. એને સમજવા કોશિશ કરો છો. આમ કરીને તમે એનો સાથ મેળવી શકશો, પરંતુ તમારી જ દલીલો જોરશોરથી રજૂ કરીને સામી વ્યક્તિને પરાજિત કરવા ચાહતા હશો, તો તમે જ અંતે પરાજિત થઈ જશો. સામી વ્યક્તિના મુદ્દાઓ સાંભળ્યા પછી એમાંથી જરૂરી મુદ્દાઓ સ્વીકારવા જોઈએ. તમારા સ્વીકારની વાત પણ પ્રગટપણે કરવી જોઈએ. એ પછી જ્યાં વિરોધી વિચાર હોય ત્યાં પણ પહેલાં એના વિચારનો આદર કરીને પછી પોતાની વાત મૂકવી જોઈએ. એવું પણ બને કે તમારા બધા જ મુદ્દાઓ સ્વીકારાય નહીં. સંવાદ સાધવા એક-બે મુદ્દે સમાધાનની તૈયારી રાખવી પડે. ૮૫ તુલના કરવી એટલે દુઃખને નિમંત્રણ આપવું! વ્યક્તિના જીવનમાં આવતી પ્રત્યેક સમસ્યા વ્યથાનું સરનામું લઈને આવતી હોય છે. આવે સમયે એ ક્યારેક વર્તમાન સમસ્યાને ભૂલવા માટે પાછલા પગે દોડીને ભૂતકાળમાં આશરો લેતી હોય છે. ભૂતકાળનાં એ સુખોનું સ્મરણ એની વર્તમાનની વેદના વધુ ઘેરી બનાવે છે. એને એનું ગામડું, બાળપણનું નિર્દોષ વાતાવરણ, ગોઠિયાઓ સાથેની ધીંગામસ્તી અને મુગ્ધાવસ્થાનો આનંદ યાદ આવે છે અને એની તુલનામાં વર્તમાન જીવન અતિ વ્યથાજનક લાગે છે. તુલના એ ખતરનાક ખેલ છે. એ ક્યારેય સંપૂર્ણ હોતી નથી અને તેથી અપૂર્ણ સરવાળાઓ કરીને વ્યક્તિ તુલના કરતો હોય છે. જીવનના બે સમયગાળાની, બે પરિસ્થિતિની કે બે વ્યક્તિની સરખામણી ક્યારેય પૂર્ણરૂપે સાચી હોતી નથી, આમ છતાં ભૂતકાળમાં વસનાર આવી તુલનાઓથી જીવતો હોય છે અને ધીરેધીરે આ ભૂતકાળ એના વર્તમાન જીવન પર ઉદાસીનું આવરણ ઓઢાડી દે છે. વર્તમાન સમસ્યાઓને માટે માત્ર અનુભવો ઉપયોગમાં આવે છે, ભૂતકાળ નહીં. વ્યક્તિ જેમ ભવિષ્યનાં દિવાસ્વપ્નો જોતી હોય છે, એ જ રીતે એ ભૂતકાળનાં વિસરાયેલાં સ્વપ્નોને ફરી ફરી ઘૂંટવાનો શોખ ધરાવે છે. મન આસપાસની ભૂતકાળની દીવાલ હતાશા, નિરાશા અને નિસ્પ્રાણ વાતાવરણ સર્જે છે. ધીરે ધીરે વ્યક્તિ વર્તમાનને અને સમસ્યાને ભૂલીને ભૂતકાળની આશ્રિત બની જાય છે. ભૂતકાળનું સ્મરણ અને વર્તમાનનું વિસ્મરણ કરાવે છે અને એના ભવિષ્યનો છેદ ઉડાડે છે. વીતેલા યુગની વાતોના એ નિઃસાસાથી એ જીવે છે અને એની એ બેચેની એના આજના યુગને ખાર બનાવે છે. ભલે એ ભૂતકાળ આપણો હોય પરંતુ એ વીતી ગયેલી વાત છે. આજે આપણે કંઈ એ ભૂતકાળ નથી. ભૂતકાળની વિદાયમાં જ ભવિષ્યનું આગમન છુપાયેલું છે. 86 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 87
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy