SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ - પ૮ ફાટફાટ સમૃદ્ધિ કોરીકટ દરિદ્રતા લાગે છે ! આખો દિવસ વાદળછાયું આકાશ હોય અને સૂર્યનું એક કિરણ પણ જોવા ન મળે, ત્યારે એને પામવા માટે મન કેટલું બધું તડપતું હોય છે ! એ પ્રકાશ વિના વાતાવરણ ગમગીન અને ઉદાસ લાગે છે અને ચિત્ત પર ભારે બોજનો અનુભવ થાય છે. એવા વાદળછાયા આકાશમાંથી કિરણ ફૂટે, ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાય ત્યારે મને કેવું નાચી ઊઠે છે ! પ્રકાશની સાથે ચિત્તને ગાઢ સંબંધ છે. એ જ મનને તાજગી, સ્કૂર્તિ અને ઉત્સાહ આપે છે, પરંતુ જ્યારે આત્મામાં પ્રકાશનો અનુભવ થાય છે ત્યારે એમ લાગે છે કે બહારનું અંધારું કે પ્રકાશ - એ સઘળું જ અંધકારમય હતું. જેને ઉત્સાહપ્રેરક પ્રકાશ માનતા હતા એ પણ ક્યાં પ્રકાશ છે ? ભીતરનો પ્રકાશ મળતાં બહારનો પ્રકાશ અંધકારમાં પરિવર્તન પામે છે. ધીરેધીરે બહારનો પ્રકાશ કે અંધકાર બધું જ ઓગળી જાય છે અને ભીતરમાં પ્રકાશનું અજવાળું સતત ફેલાયેલું રહે છે. આ ભીતરનો પ્રકાશ કોઈ આકાર ધરાવતો નથી, કોઈ વસ્તુ સાથે સંબંધિત નથી. માત્ર એનો અનુભવ વ્યક્તિના અણુએ અણુમાં વ્યાપી રહે છે. એ પ્રકાશમાંથી જાગતી દૃષ્ટિ જ ગતને બદલી નાખે છે, પહેલાં બહાર જે દેખાતું હતું અને જેની ચાહના હતી એ બધું શૂન્યવત બની જાય છે. બહારની ગમગીની કે ઉત્સાહ ઓસરી જાય છે. એ પ્રકાશનો કંઈ રીતે ઉગમ થયો, એનો સહેજે અણસાર નહોતો, પણ ભીતરનો આ પ્રકાશ વ્યક્તિનું અસ્તિત્વ પલટી નાખે છે. દુનિયા એવી જ બેઢંગી હોય છે, પણ પ્રકાશની પ્રાપ્તિ પછી સઘળા ઢંગ બદલાઈ જાય છે. જીવન એ જ હોય છે, પણ જીવનના રંગ પલટાઈ જાય છે. પહેલાં લાલ રંગનું આકર્ષણ હતું. હવે શ્વેત રંગ પસંદ પડે છે. પહેલાં જેમાં ફાટફાટ સમૃદ્ધિ જોઈ હતી, ત્યાં કોરી કટ નિર્ધનતા નજરે પડે છે. - પ૯ પુત્રને પોતાની ઇચ્છાનો પડછાયો બનાવશો નહીં કલ્પના પણ કરી ન હોય તેમ માતાપિતા પોતાના બાળક પર બોજરૂપ બને છે. તેઓ તેમના મનની ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષાનો બોજ નાની વયના શિશુ પર લાદે છે અને એને એ દિશામાં દોરવાનો યત્ન કરે છે. પિતાની ઇચ્છા પુત્ર વેપારી બને તેવી હોય, તો તે પુત્રના જન્મથી જ એને વેપારી તરીકે જોશે. એની વેપારી તરીકેની કુનેહ ખીલવવા કોશિશ કરશે. પોતાના અનુભવો અને સિદ્ધિઓ કહીને બાળકને એ દિશામાં વાળવા પ્રયાસ કરશે. એને માટે કોઈ રસ્તો પણ બનાવી રાખશે. આમ પિતા જે હોય છે તે અથવા તો જે બની શક્યા નથી તે, પોતાનો પુત્ર બને તેને માટે પ્રયાસ કરતા હોય છે અને તેથી જ પિતાની અતૃપ્ત ઇચ્છા કે મહત્ત્વાકાંક્ષાઓનો બોજ બાળક પર પડતો હોય છે. બાળકને પોતાની ઇચ્છાનો પડછાયો બનાવવા વિચારતા હોય છે. પુત્રને એન્જિનિયર બનાવવાની ઇચ્છાવાળા પિતાને એમ જાણ થાય કે પુત્રને નાટ્યવિદ્યા કે સંગીતકલામાં રસ છે, તો પિતા બેચેન બની જશે, કારણ કે એને તો બાળકને પોતાની ઇચ્છાના ઢાંચામાં ઢાળવો છે. એમાં કશુંક પ્રતિકૂળ થાય તો પિતાનો દિમાગ જતો રહે છે અને બાળકના ભાવિ વિશે ઘણી વાર નાહી નાખે છે. પિતાના આ ‘બોજ'ને કારણે બાળકનો નૈસર્ગિક વિકાસ રૂંધાય છે. એની અંદર પડેલી સર્જનાત્મકતા ગૂંગળાય છે. પિતા એના ખ્યાલોથી બાળકને બાંધવા પ્રયાસ કરે છે ત્યારે પિતાને મન જેનું મૂલ્ય હોય છે, તે બાળકને મન સાવ તુચ્છ હોય છે. બાળક કલાકાર બનવા માગતો હોય, તો એને ક્યારેય અઢળક ધનસંપત્તિના સ્વામી થવાનો વિચાર નહીં આવે, પરંતુ અઢળક સંપત્તિનો સ્વામી એવો એનો પિતા બાળકની કલારુચિ પ્રત્યે તિરસ્કાર દાખવીને એને પોતાને રસ્તે લઈ જવા પ્રયાસ કરશે. બાળકને માત્ર પ્રેમ આપવો એ જ પૂરતું નથી, એને ઓળખવો જોઈએ અને એની ઇચ્છાઓને આદર આપવો ઘટે. 60 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 61
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy