SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ નિસ્તેજ ચહેરો નિરસતાની નાન્દીરૂપ છે પોતાની જાતને જોવા અને જાણવા માટે અરીસાની કશી ઉપયોગિતા નથી. એને બદલે તમારે પલંગમાંથી ઊઠ્યા પછીનો તમારો ચહેરો જોવો જોઈએ. જીવનમાં પરિવર્તન લાવવું હોય તો સવારે ઊઠતી વખતના ચહેરામાં પરિવર્તન લાવવું પડશે. પથારીમાંથી જાગતાંની સાથે તમે તમારો ચહેરો જોયો છે ખરો ? કેટલાકના ચહેરા ખૂબ થાકેલા હોય છે, કારણ કે આખી રાત સ્વપ્નોની સૃષ્ટિમાં એમણે ઘમાસાણ યુદ્ધ ખેલ્યું હોય છે અને એમાં કેટલીય ઉટપટાંગ ઘટના, ડરામણાં દૃશ્યો અને વિચિત્ર પરિસ્થિતિ જોઈ હોય છે. આખી રાત પડખાં ફેરવનારની રાતનો અજંપો એના સવારનાં લાંબાં બગાસાંમાં જોવા મળશે. જાગ્યા પછી પથારીમાં સૂતા સૂતા કરેલા સંતાપજનક વિચારો જાગ્રત થતી વખતે ચહેરા પર એ જ સંતાપ મૂકી જશે. આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઘેરાયેલો માનવી પથારીમાંથી ઊઠશે, ત્યારે રાત્રીનો થાક લઈને ઊઠતો હોય છે. એનું પ્રભાત નિરાશામય પ્રભાત હોય છે. એનો નિસ્તેજ ચહેરો એ નિરસ દિવસની નાન્દીરૂપ હોય છે. કેટલાકના મન પર સવારની એ ઉદાસીનતા આખા દિવસ સુધી છવાયેલી રહે છે અને કેટલાક સુર્ય મધ્યાહ્ન આવે, ત્યારે માંડ એ ઉદાસીનતાને ખંખેરી શકે છે. આવી વ્યક્તિઓ ગમે ત્યારે ઊઠે, પરંતુ એમના પ્રભાતનો પ્રારંભ ઘણા વિલંબથી થતો હોય છે. સવારે ઊઠતી વખતે વ્યક્તિએ છૂર્તિ, જીવંતતા અને ઉત્સાહથી એ વિચારવું. જોઈએ કે આ નવા દિવસને હું મારી તાજગી અર્પણ કરીશ. કેવો સરસ આનંદદાયક અને સફળતા લાવનારો આ દિવસ ઊગ્યો છે એમ માની ઊઠનારી વ્યક્તિના ચહેરા પર ઉત્સાહી જીવનનો ધબકાર જોવા મળે છે. રોજ સવાર જિંદગીની સોનેરી સવાર લાગવી જોઈએ. ૪3 ઈશ્વર બોજરૂપ બની જાય છે! ‘અઢળક ઢળિયો રે શામળિયો’ એમ ગાતી વખતે ભક્તકવિએ શામળિયાની કેટલી બધી અઢળક ઉદારતાનો અનુભવ કર્યો હશે ! એનું ઉચ્ચારણ કરતી વખતે એ ભક્તકવિના ચહેરા પર કેવો આનંદસાગર ઊછળતો હશે ! ઈશ્વર તરફ ઉપકૃતતાનો કેટલો બધો ભાવ હશે ! આવા ઉત્સાહ, ઉમળકા અને આનંદથી ઈશ્વર તરફ જવું જોઈએ. એની પાસે અઢળક શાશ્વત સમૃદ્ધિ છે અને એ તમને આપવા ચાહે છે. માત્ર તમારો ઉત્સાહભર્યો ઉમળકો ચાહે છે. આની સામે કેવી રીતે ઈશ્વર તરફ આપણે વર્તીએ છીએ? કથા સાંભળતી વખતે ઝોકાં ખાતાં શ્રોતાજનોને આપણે નીરખ્યાં છે. મંદિરના ખૂણે બેસીને માંદલા અવાજે ઈશ્વરસ્મરણ કરતા ભક્તજનોને જોયા છે. જાણે જીવ જતો હોય એમ માંડમાંડ ઈશ્વરનું નામ લેતા લોકોને દીઠા છે. કેટલાક તો કારાવાસની સજા પામ્યા હોય અને ગણી ગણીને દિવસ પસાર કરતા હોય, તે રીતે માળાના મણકા ગણતા હોય છે. કોઈ ભાવશૂન્ય બનીને કે લાચારીનું આવરણ ઓઢીને ભજન સાંભળતા હોય છે.. આવા ‘ભક્તને જોઈને એને અઢળક સમૃદ્ધિ આપવા ચાહતો ઈશ્વર પણ પાછો ફરી જતો હશે. એને ઘણું આપવું હોય, પણ લેનારની પ્રમાદી અવસ્થા અને એના નિસ્તેજ દેખાવને જોઈને એ આપવાનું માંડી વાળતો હશે. આ સુસ્ત, ઝોકે ચડેલા, આળસુને એ આપવા જાય, તોપણ ‘ભક્ત' એ લેવા માટે હાથ લાંબો કરશે કે નહીં એવો સવાલ પણ એના મનમાં ઊઠતો હશે ! આવી વ્યક્તિને ઈશ્વર બોજરૂપ અને ધર્મ ભારરૂપ લાગતો હોય છે. આરાધના એ અંતિમ વેળા વિતાવવાનું ઉદાસીનતાભર્યું સાધન બની રહે છે. હકીકતમાં ઈશ્વર સમક્ષ પણ ઉત્સાહ, જોશ અને આનંદથી જવું જોઈએ, કારણ કે પરમાત્મા પણ પ્રસન્ન ચહેરાવાળી વ્યક્તિને જ પસંદ કરતો હોય છે.. 4 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 45
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy