SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૮ જીવનમાં સેતુ વિનાના સંબંધોનો ભંગાર પડ્યો છે આપણી શોધ છે “અતૂટ’ સંબંધોની મિત્ર સાથે, પત્ની સાથે, વડીલ સાથે કે સમાજની કોઈ વ્યક્તિ સાથે અતૂટ સંબંધ બાંધવા અહર્નિશ પ્રયાસ કરીએ છીએ. કરોળિયો જેમ જાળું રચે, એમ વ્યક્તિ સંબંધોનું સતત જાળું રચતી રહે છે, પરંતુ જ થ્થાબંધ કે ઢગલાબંધ સંબંધો ઊભા કરનાર ક્યારેય ‘સંબંધના સેતુનો વિચાર કરતી નથી. હકીકતમાં સંબંધો કરતાય સેતુ વિશેષ મહત્ત્વનો છે. આ સેતુ છે સમાન ધ્યેય, સમાન શોખ કે પછી બંને વ્યક્તિને સમાન રૂપે સાંકળતી કોઈ બાબત કે ભાવના. આવો સેતુ હશે તો જ સંબંધમાં મીઠાશ રહેશે, દૃઢતા જન્મશે અને દીર્ઘકાળ સુધી ટકી રહેશે. પતિપત્નીના સંબંધોમાં દૈહિક આકર્ષણ થોડાં પ્રારંભિક વર્ષો સુધી રહે છે, પછી તો એ સંબંધી સમજણના સેતુ ઉપર ટકે છે. જો એમની વચ્ચે કોઈ સેતુ નહીં હોય, તો ધીરેધીરે એ સંબંધોમાં ખટાશ, ખારાશ અને તિરાડ જાગશે. એક જ ખંડમાં જીવતી બે વ્યક્તિઓ વચ્ચે માનસિક દીવાલ હશે. એક સાથે રહેતા બે મિત્રો વચ્ચે માત્ર ઔપચારિક સંબંધો જ હશે. પણ સંબંધો રચવામાં ઉતાવળા એવા આપણે સંબંધના સેતુનો ક્યાં પૂરો વિચાર કરીએ છીએ ! પછી પરિણામ એ આવે છે કે આપણા ગઈકાલના સંબંધો એ આજે હોતા નથી. સંબંધના પ્રારંભ સમયે જે ઉત્સાહ, ઉમંગ અને આતુરતા હતી, એ સમય જતાં નિરુત્સાહ, હતાશા અને વિષાદમાં ફેરવાઈ જાય છે. એક કાળે જે સંબંધથી જીવનમાં વસંતનો ઉલ્લાસ ફેલાયેલો હતો, ત્યાં જ હવે પાનખરની ઉદાસી જોવા મળશે, સંબંધ બાંધતી વખતે સ્નેહનો ભૂકો મારીએ છીએ. એમાં ઓછપ આવતાં સંબંધના ઊંડા કૂવામાંથી બહાર નીકળવા હવાતિયાં મારીએ છીએ, કારણ એટલું જ કે સેતુ વિના કદી દીર્ઘજીવી સંબંધોનું સર્જન થતું નથી. - ૧૯ નિષ્ફળતા ઓઢીને કોઈને મળશો નહીં! કોઈ મહાન વ્યક્તિની મુલાકાત લેતી વખતે ક્વચિત્ મનમાં સંકોચ અને કંપારીનો અનુભવ થતો હોય છે. એમની સમક્ષ જઈને પોતે શું પૂછશે એની દ્વિધા સતત કનડતી હોય છે. મુલાકાત પૂર્વે એનું મન વારંવાર ભીરુ બનીને લડખડાતું હોય છે અને મનમાં પારાવાર શંકાઓ ચકરાવા લેતી હોય છે. આવી જ રીતે કોઈ ડરામણી વ્યક્તિને મળવાનું હોય, ત્યારે વ્યક્તિનું મન ભય પામતું હોય છે. એના પગ ધ્રુજતા હોય છે અને મન નકારાત્મક કે ડરભર્યા વિચારોથી ભરાઈ જાય છે. સમર્થ વ્યક્તિ તુચ્છ ગણશે કે ડરામણી વ્યક્તિ આફત લાવશે એવા ખ્યાલથી મળવા જવું નહીં અને પોતાની અવગણના કે અપમાન થશે એવી પૂર્વ ધારણા સાથે મળવું નહીં. આત્મવિશ્વાસ એ આવા પ્રસંગોમાં સૌથી મહત્ત્વની બાબત છે. જો નકારાત્મક દૃષ્ટિથી મુલાકાત કરવા જાય, તો એની મુલાકાત નિષ્ફળ જ જવાની. કોઈ સમર્થ વ્યક્તિ સમક્ષ જતી વખતે પોતે કેવો પામર છે એવો વિચાર વારંવાર એના મનમાં ઘૂમરાયા કરે અથવા તો કોઈ સમસ્યારૂપ વ્યક્તિને મળવા જતી વખતે દહેશતથી મન સતત ડંખ્યા કરતું હોય, તો તેમાં એને નિષ્ફળતા જ મળવાની. એની મુલાકાતમાં કસી બરકત નહીં આવે. મુલાકાતનું કારણ અને પ્રકાર કોઈ પણ હોય, પરંતુ એ મુલાકાત સમયે પૂર્ણ આત્મવિશ્વાસ હોવો જોઈએ. ભય કે ડરની લાગણી ન હોવી જોઈએ. કદાચ એમાં મુશ્કેલી આવે તોપણ એનો સામનો કરી લેવાની મક્કમતા હોવી જોઈએ, સામી વ્યક્તિના પ્રશ્નોનો એ દૃઢતાપૂર્વક સામનો કરી શકશે અને આમ કરવા જતાં એની સફળતાની શક્યતાઓ પણ વધશે. નિષ્ફળતા ઓઢીને ચાલવા કરતાં આત્મવિશ્વાસથી સફળતાનાં આગે કદમ ભરવાં વધુ લાભદાયી હોય છે. આત્મવિશ્વાસ જેવો આપણા જીવનમાં બીજો કોઈ મિત્ર, સાથી કે સંરક્ષક નથી. ક્ષણનો ઉત્સવ 21 20 ક્ષણનો ઉત્સવ
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy