SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પૉઝિટિવ અને નૅગેટિવ વિચાર સાથોસાથ રહે છે! શુભ અને અશુભને પરસ્પરના પ્રબળ શત્રુ માનીએ છીએ. મંગળ અને અમંગળ વચ્ચે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર હોવાનું ધારીએ છીએ. હકીકતમાં આ વિરોધી તત્ત્વો સામસામા છેડે રહેતાં નથી, પરંતુ એકબીજાની લગોલગ અને પડખોપડખ જીવે છે અને એથી જ જીવનમાં જે ક્ષણે શુભ વિચાર આવે છે, એ પછી તત્કાળ બીજી ક્ષણે અશુભ વિચાર આવે છે. જ્યારે કોઈનું અમંગળ કરવાની ઇચ્છા થાય છે, ત્યાર પછીની જ પળે એ અમંગળ કૃત્ય કરવા અંગે ખચકાટ જાગે છે , ભીતરમાંથી આવતા ‘બે અવાજ 'ને ઓળખવા જોઈએ. બેમાંથી જે અવાજ પસંદ કરો, તે નિર્ણાયક બને છે. પ્રકાશ અને અંધારની ચિત્તની ઓ લીલા સમજનારે અંધારને અળગો રાખવા માટે પ્રકાશ પ્રતિ પક્ષપાત દાખવવો પડે છે. મનમાં પોઝિટિવ અને નૅગેટિવ બન્ને વિચારો આગળપાછળ જ નહીં, લગભગ સાથોસાથ આવતા હોય છે. નૅગેટિવ વિચારનું વર્ચસ્વ તોડવા માટે પૉઝિટિવ વિચારને વધુ પ્રબળ બનાવવો પડે છે. વિચારો જેટલા હકારાત્મક હશે, એટલી નકારાત્મકતાથી દૂર રહી શકાશે. આને માટે મનને પૉઝિટિવ વિચારો કરવા માટે કેળવવું પડે છે અને તેવા વિચારો કરવા માટે ભય, શંકા, દ્વિધા અને લઘુતાગ્રંથિથી મુક્ત થવા માટે પ્રયાસ કરવો પડે છે. આવા નકારાત્મક ભાવોમાંથી મુક્તિ મેળવવી સહજ નથી, પરંતુ જો મક્કમ મનોબળથી એ રીતે કરવામાં આવે તો એ અશક્ય પણ નથી. વળી પૉઝિટિવ વિચારોને પરિણામે એક નવું વિશ્વ વ્યક્તિ સમક્ષ ખડું થાય છે અને એને માટે ઉજ્વળ ભવિષ્યની અનેક શક્યતાઓ પ્રગટે છે. આ રીતે કેળવાયેલું પૉઝિટિવ મનોવલણ વ્યક્તિના જીવનમાં નિર્ણાયક બની રહે છે. ૧૩ સર્જનાત્મકતામાં મૌલિક સાહસ છુપાયેલું હોય છે સર્જનાત્મકતા એટલે શું ? ચીલાચાલુ માર્ગમાં કંઈક નવું કરવાની વૃત્તિ. વ્યક્તિ એની સર્જનાત્મકતાથી કાર્યસિદ્ધિનો કોઈ ત્વરિત રસ્તો શોધી કાઢે છે. જટિલ અને અટપટી બાબતોને વધુ સરળ બનાવે છે અને કાર્ય કરવાની પદ્ધતિમાં કોઈ નવો અભિગમ અપનાવે છે. સર્જનાત્મકતામાં રૂઢ, ચીલાચાલુ કે પરંપરાગત બાબતને સમૂળગી બદલી નાખવાની કે એમાં આકાશ-પાતાળ જેટલું પરિવર્તન કરવાની વાત હોતી નથી, પરંતુ પ્રવર્તમાન પરિસ્થિતિમાં મૌલિક ચિંતનથી નાવીન્ય સર્જીને નવી હવા કે ભિન્ન વાતાવરણ સર્જવાનું હોય છે. એવું માનવાની જરૂર નથી કે કલાકાર કે ઉદ્યોગપતિ એમની સર્જનાત્મકતાથી સમગ્ર પરિસ્થિતિને પલટી નાખે છે. હકીકતમાં જે પરિસ્થિતિ ચાલતી હોય છે, તેમાં એ દસેક ટકાનું પરિવર્તન લાવે છે. બધા જે રીતે વિચારતા હોય, એનાથી સર્જનશીલ થોડું નોખું અને અલગ તરાહથી વિચારે છે , સર્જનાત્મકતાનો જન્મ સર્જક કે સંશોધકના ચિત્તમાં થતો હોય છે અને પછી એ નવીન વિચાર નવો અવતાર ધારણ કરીને પ્રગટ થાય છે. આનો અર્થ એ છે કે સર્જનાત્મકતામાં જે અસ્તિત્વમાં છે તેના સંપૂર્ણ સંહારની, એનો સમૂળગો છેદ ઉડાડવાની કે એને સર્વથા નષ્ટ કરવાની આવશ્યકતા નથી. એને માટે તો વ્યક્તિએ થોડુંક નવેસરથી વિચારવાની જરૂર હોય છે. એના પર મૌલિક ચિંતન કરવાની જરૂર હોય છે. એ આવેલા નૂતન વિચાર પર જુદા જુદા પ્રયોગો કરે છે. પોતાની અંતઃપ્રેરણાને ઓળખે છે અને પછી થોડું સાહસ કરીને કશુંક નવું સર્જવા પ્રયત્ન કરે છે. સર્જનાત્મક્તાનું સાહસ જ એને ચીલાચાલુ પરિસ્થિતિથી અને પોતાના વ્યવસાયના અન્ય માણસોથી જુદા તારવી આપે છે અને એને એની મૌલિકતા અને સર્જનાત્મક્તાને કારણે સફળતાના ઊંચા સ્થાને બેસાડે છે. 14 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 15
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy