SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જગત સાચું છે, પણ એની આસક્તિ સ્વપ્નરૂપ છે ! કોણ કહે છે કે “જગત સ્વપ્નરૂપ છે ?’ દાર્શનિકોએ ભલે એમ કહ્યું હોય કે આ સંસાર સર્વથા મિથ્યા અને સ્વપ્નવત્ છે, પરંતુ સ્વપ્નમાં અને જગતમાં જે દેખાય છે એની વચ્ચે એક ભેદ છે. વ્યક્તિ સ્વપ્નમાં મહેલ જેવું મકાન જુએ કે પછી પોતાને સત્તાના સિંહાસને બેઠેલો જુએ, તો તેનું કોઈ અસ્તિત્વ હોતું નથી. જ્યારે વાસ્તવિક જગતમાં તો એ વિશાળ મહેલ અને સત્તાનું સિંહાસન બન્ને જોતો હોય છે. સ્વપ્નમાં જે સદંતર મિથ્યા છે, એવું મિથ્યા નક્કર જગતમાં હોતું નથી. જગતમાં એ વસ્તુ અસ્તિત્વમાં હોય છે અને એ પછી પણ રહેતી હોય છે. આપણા અસ્તિત્વ સમયે અને અસ્તિત્વ ભૂંસાઈ ગયા પછી પણ તે હયાત હોય છે. એ મકાન નિમિત્તે જાગેલો સંપત્તિનો ગર્વ કે સત્તાને કારણે પ્રગટેલો સત્તાલોભ ખોટો છે, આથી મકાન કે સિંહાસનને દૂર કરવાને બદલે એના પરિણામે જાગેલી આસક્તિ, અહંકાર અને વિષય-કષાયને દૂર કરવાના હોય છે. ભૌતિક વસ્તુની પ્રાપ્તિ માટે રાત-દિવસ થતી બેચેની ઓગાળવાની છે. સ્વપ્નમાં તો કશું હોતું નથી, જ્યારે જગતમાં જે હોય છે તે રહેવાનું જ છે. માત્ર એના પર પહેલાં જે મોહનો ભાવ હતો, તેમાં નિર્મોહ થવાનું છે. પહેલાં જેના ભણી દોડ હતી, ત્યાં હવે પીછેહઠ કરવાની છે. એને માટે પહેલાં જે આકર્ષણ હતું, તે આકર્ષણો પ્રત્યે ઉદાસીનતા કેળવવાની છે. એ વસ્તુઓને પરિણામે જે આસક્તિ જાગતી હતી, એમાંથી અનાસક્તિ કેળવવાની છે. આ રીતે જગત અને સ્વપ્ન બન્ને સમાન છે એમ કહી શકાય નહીં. બન્ને ભલે મિથ્યા હોય, પણ પહેલામાં કશાયનું અસ્તિત્વ હોતું નથી અને બીજામાં એનું અસ્તિત્વ હોય છે. માત્ર એની પ્રત્યેના ભાવનું પરિવર્તન સાધવાનું છે. ૧૧ તમારા સમયનું હવે બૅકબૅલેન્સ કેટલું છે ? કેટલીક વસ્તુઓના વિકલ્પ આપણી પાસે છે. લસ્સી પીવાનું મન થયું હોય અને તે ન મળે તો છાશથી થોડા તૃપ્ત થઈ શકાય, દીવાલ પર કોઈ તસવીર ટાંગવાની ઇચ્છા હોય, તો એને બદલે કોઈ ચિત્ર ટાંગીએ તો ચાલે. બસ મળતાં વાર લાગે તેમ હોય, તો રિક્ષાથી કામ ચલાવીએ છીએ. ઘણી બાબતોમાં વિકલ્પ છે, માત્ર સમયની બાબતમાં કોઈ વિકલ્પ કે અવેજી નથી. સમય એ આપણી પાસેની સૌથી મોટી સમૃદ્ધિ છે અને ઘણી વાર તો સમય સર્વથા લૂંટાઈ કે વેડફાઈ જાય, પછી એની મૂલ્યનો ખ્યાલ આવતો હોય છે. આ સમય પ્રત્યે વ્યક્તિ ભાગ્યે જ ધ્યાન કેન્દ્રિત કરે છે. પોતાને સહજપણે મળેલી સમયની શક્તિ કે સમૃદ્ધિ વિશે માનવી ભાગ્યે જ કોઈ જાગૃતિ સેવે છે, પરિણામે એની વિશેષતા સમજ્યા વિના એને વેડફી નાખે છે. સમય એ તમારી સમૃદ્ધિ છે, પરંતુ તમે તમારી ધનસમૃદ્ધિની જેટલી સમયની સંભાળ લીધી છે ખરી ? ક્યારેય વિચાર્યું છે કે હવે સમયનું કેટલું બેંક બેલેન્સ મારી પાસે છે ? ભવિષ્યમાં વપરાનારા સમય વિશે ગહન ગંભીરતાથી વિચાર્યું છે ખરું ? સમયની સાર્થકતા સધાય એવી કોઈ ‘ડિપૉઝિટ’ કરી છે ખરી? માણસ પાસે સમય છે, પરંતુ એ સમયનું સુચારુ સંચાલન એની પાસે નથી. દૃષ્ટિના અભાવને કારણે અને ગંભીર વિચારને અભાવે વ્યક્તિ વ્યર્થ રીતે સમય બરબાદ કરીને સમયથી પરાજિત થતો રહે છે. પોતાના જીવનનાં કાર્યોમાં સમય કેમ પસાર કરવાનો છે, તે વિશે એ પૂરતો વિચાર કે આયોજન કરતો નથી અને તેને કારણે સામે ચાલીને પોતાની સહજ પ્રાપ્ત, મહત્ત્વની સમૃદ્ધિ ગુમાવે છે. ધનવૈભવ કે અલંકાર ગુમાવીએ તો તરત ખ્યાલ આવે છે, પણ સમય એવો છે કે જો તમે જાગ્રત ન હો, તો કેવી રીતે લૂંટાઈ જાય છે તેનો ખ્યાલ પણ નહીં આવે. 12 ક્ષણનો ઉત્સવ ક્ષણનો ઉત્સવ 13
SR No.034425
Book TitleKshanno Utsav
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2016
Total Pages82
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy