SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ 22 સતી ફાગુની મહામુનિ વેલાકુલના આશ્રમમાં આજ પ્રાતઃકાલે એક રથ આવીને ઊભો રહ્યો. રથ કીંમતી હતો, બળદ અદ્દભુત હતા, અને એથીય અદ્દભુત હતાં અંદર બેસનારાં ! રથમાંથી એક સુંદરી નીચે ઊતરી. જાણે આકાશના આંગણેથી ઉષાદેવી પૃથ્વી પર અવતરી. એના પગની પાનીનો રંગ રક્ત કમળને શરમાવતો હતો અને એની સુપુષ્ટ દેહવલ્લરી દાડમના વૃક્ષને શરમાવતી હતી, એનાં નેત્રોમાં સૌંદર્યસુધાના ભંડાર ભર્યા હતા, ને એ વિશાળ મખમલી પાંપણોની નીચે ઢંકાયેલા હતા. કાળાં ભવાં એની ખડી ચોકી કરતાં હતાં. એ નેત્ર એક દિશામાંથી બીજી દિશામાં વળતાં ને તમામ પરિસ્થિતિ પર જાણે જાદુ વેરતાં. એ સુંદરીનો સુદીર્ઘ કેશકલાપ અમાવસ્યાની અંધારી રાતના અવશેષ જેવો હતો. અને એ અંધારા આભમાં એનો મુખચંદ્ર પૂર્ણ તેજે પ્રકાશતો. આ સુંદરીએ આશ્રમની પૃથ્વી પર પગ મૂક્યો ને એની પાછળ એક રુષ્ણ પુરુષ ઊતર્યો. એની તરુણાવસ્થાનો વિચ્છેદ થયેલો દેખાતો હતો. ને અનેક પ્રકારના રોગોએ એની દેહમાં ઘર કર્યું હતું. લોકો આશ્ચર્યચકિત નેત્રે આ યુગલને જોઈ રહ્યાં ! એકલું સૌંદર્ય હોત તો આટલી કુતૂહલવૃત્તિથી કોઈ ન નીરખત, પણ સૌંદર્યની સાથે કુસ્સૌંદર્ય પણ હતું. પુરુષ આ સુંદરીનો સ્વામી લાગતો હતો. વાહ રે વંકાયેલી વિધાતા ! તું તો અજબ યોગ કરાવનારી છે ! કોયલને કાળી અને બગલાને ધોળો તું જ બનાવે છે! કેવી સુંદર સ્ત્રી ! આવી નારી તો વૈશાલીમાંય વિરલ છે. ને કેવો અસુંદર રોગી પતિ ! ભવોભવમાં પિતા, પુત્ર કે મિત્ર તરીકે પણ ન મળજો ! પતિ તરીકે તો મહાપાપ જાગ્યાં હોય તો જ મળે ! એની પાસે બેસવું દુષ્કર, અને એને સ્પર્શ કરતો તો એથીય ભયંકર ! એવાને પતિ તરીકે ભજવો, એ જીવતે જીવ રૌરવ નરકમાં નિવાસ કરવા બરાબર છે ! સુંદરીનાં નેત્રોમાં ખેદ હતો. એ પુરુષની બાંહ્ય પકડી, ધીરે ધીરે મહામુનિ વેલાકુલની પર્ણકુટી તરફ ચાલી. મહામુનિ લોકકલ્યાણનાં કામોમાં ગૂંથાયેલા હતા, ત્યાં એમણે દૂરથી આ સુંદરીને આવતી જોઈ : કેવું અભિનંઘ રૂપ ! પણ એનું યોગીને શું ? આવાં રૂપ તો રોજ અહીં ઘણાં આવતાં, પણ આ રૂપની સાથે મહાકુરૂપ ચાલતું હતું. એ વાતે મહામુનિનું ખાસ લક્ષ ખેંચ્યું. સંસારમાં સરસ તત્ત્વો કરતાં પરસ્પરવિરોધી લાગતાં તત્ત્વો સવિશેષ ધ્યાન ખેંચે છે. કુરૂપ પાસે રૂ૫, સ્થૂલ પાસે કુશ, શ્વેત પાસે શ્યામ જોનારનાં નજરો અને ચિત્તને તરત પકડી લે છે. અંધારામાં અજવાળાં કરે તેવી સુંદરી, અને સંસારના સારને અસાર કરી દેખાડે તેવો પુરુષ : આવાં સ્ત્રી-પુરુષના મિલનયોગે મુનિ વેલાકુલનું લક્ષ ખેંચ્યું. તેઓએ સુંદરી પાસે આવતાં તેના તરફ જોઈને પૂછયું, “કોણ છો તમે, સુંદરી?' હું ફાલ્ગની છું, મહારાજ !' સુંદરીએ કહ્યું. અને આ કોણ છે ?’ પુરુષ તરફ આંગળી ચીંધીને મુનિ વેલાકુલે પ્રશ્ન કર્યો. ‘એ મારા સ્વામી છે.' ‘એમનું નામ ?' ‘પૂનમરાજ !' ‘પૂનમરાજને અમાસે ગ્રસ્યા લાગે છે.’ મુનિએ જરા આલંકારિક ભાષામાં પ્રશ્ન ક્ય ‘એ તો જેવો જેનો પ્રારબ્ધયોગ. સંસારની આખી રચના પ્રારબ્ધ પર થયેલી છે. કોઈનું મિલન, કોઈનો વિયોગ એ બધાય - પ્રારબ્ધ જાદુગરના ખેલ છે, મહારાજ !' ફાલ્ગનીએ મોતી જેવા શબ્દોમાં નમ્રતાથી કહ્યું. આ શબ્દોમાં વિષાદ અને દુ:ખગૌરવ બંને હતાં. મુનિને સુંદરી ભક્તહૃદયા લાગી. એમણે કહ્યું, ‘તમારી વાત તો ધર્મચિંતનથી ભરેલી છે, સુંદરી !' ‘હા, મહારાજ ! દુઃખી સંસારમાં ધર્મ જ મારા માટે તરવાનો ત્રાપો છે.” સતી ફાલ્ગની D 157
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy