SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ પગલાં ભરતાં કહ્યું. મગધરાજ એનો કંઈ જવાબ આપ્યા વગર મહામંત્રી વસકારને આવતા જોઈ રહ્યા. વૃદ્ધત્વ આવી ગયું હતું, પણ મહામંત્રીનું શરીરબળ હજી એવું ને એવું હતું. વાળ બધા પાકીને શ્વેત થઈ ગયા હતા, પણ પગમાં જરાય કંપ નહોતો. હિમાલયનું કોઈ ભવ્ય શિખર પૃથ્વી પર ચાલ્યું આવતું હોય એવો એમનો દેખાવ હતો. રાજકાજ એમનો પ્રિય વિષય હતો ને મગધ તો એમના હૃદયનો ટુકડો હતું. મગધ માટે જરૂર પડે તો યમ સાથે પણ બાખડે તેવા હતા. એમના હોઠ દૃઢ હતા ને સત્તા દાખવતા હતા. પગમાં લોહસ્તંભની અડગતા હતી. બાહુમાં અગાધ તાકાત દેખાતી. ને એમની મોટી પાંપણોવાળી આંખો સાથે આંખ મિલાવનારને ખાતરી થઈ જતી કે આ લોહને પિગાળવું સહેલ નથી. મંત્રીશ્વરે વયસૂચક એક સીસમની ચાંદીની ખોળવાળી લાકડી હાથમાં રાખી હતી. એ લાકડી માટે કંઈ કંઈ કહેવાતું. એમાં, કહે છે કે લાખેણા હીરા રહેતા અને એમાં જ વિષ પાયેલાં હાથે ફેંકવાનાં તીર રહેતાં. કેટલાક કહેતા કે સિદ્ધો પાસેથી મળેલી મંત્રપૂત આ યષ્ટિકા છે. એ યષ્ટિકા પાસે હોય ત્યારે મંત્રીશ્વરને પરાસ્ત કરવા શક્ય નથી. એ લાકડી ધાર્યું સિદ્ધ કરાવે એવી છે. વેરી પણ વશ થઈ જાય. અને એનો તાજો પુરાવો એમની વૈશાલીની મુલાકાત હતી. હાથી સેચનકને જીવતો શેકી નાખ્યો અને અન્યાયી બહાનું લઈને યુદ્ધ આદર્યું તોય મહામંત્રીને જોતાં વૈશાલીના નગરજનો મુગ્ધ કેવા થઈ ગયા ! કેટલું સ્વાગત કર્યું ! અરે, છેલ્લે ગણનાયક ચેટકની મુલાકાતમાં તો ગણનાયક ખુશ ખુશ થઈ ગયા. એ પોતે એમને વોટાવા નીકળ્યા. ઘણા દહાડાની ઓળખાણ હોય અને જુદા પડતાં અંતર ચિરાતાં હોય એમ વર્ત્યા. વૈશાલીની પ્રજા એક વાર મગધની જય બોલાવી રહી, ને કડવો ભૂતકાળ મીઠો કરી રહી. સાચો મુસદ્દી એનું નામ, જે ધાર્યાં આંસુ પડાવે અને પાડે. ભલે એ આંસુ મગરનાં હોય, ખોટાં હોય, ક્ષણજીવી હોય. સંસારમાં અમર છે પણ શું ? મહામંત્રી વસ્તકારે વિદાય વખતે વૈશાલીની પ્રજાનો જે આભાર માન્યો, એની સંસ્કૃતિને જે રીતે બિરદાવી એથી ગણતંત્રના લોકો ખરેખર ગાંડા થઈ ગયા. તેઓ છડેચોક કહેવા લાગ્યા, જોઈ આપણી સંસ્કૃતિ ! અરે, વેરી પણ એનાં વખાણ કરે છે ! આમ રંગ જમાવી. ભગવાન બુદ્ધને મળી નવા ઉત્સાહ સાથે પાછા વળેલા મહામંત્રી મંત્રણાગૃહનાં પગથિયાં ચઢીને આવી રહ્યા હતા. જુવાન રાજા બેએક પગથિયાં ઊતરી સ્વાગતે સામો ધસ્યો. મંત્રીશ્વરને નમ્યો. 140 ] શત્રુ કે અજાતશત્રુ મંત્રીશ્વરે સામા નમન કર્યાં. ખાનગીમાં રાજા મહામંત્રીને ભાવથી પૂજતો એ તેમને આદર્શ બ્રાહ્મણ અને નિસ્વાર્થી મુસદ્દી માનતો. ‘યાત્રા તો કુશળ થઈને ?' “એકદમ કુશળ. ‘ભગવાન બુદ્ધને મળ્યા ?' રાજાએ પૂછ્યું. મળ્યો પણ ખરો અને નિરાંતે જે પૂછવું હતું તે પૂછ્યું પણ ખરું. ભગવાન બુદ્ધને મગધ પર પ્રેમ છે. વૈશાલી મગધની મૈત્રી ચાહે છે.' મંત્રીશ્વરે આસન લેતાં કહ્યું. ‘એ તો આ જેષ્ઠિકા(લાકડી)નું જાદુ જ એવું છે ! તો તમે મૈત્રી આપી ?’ મગધરાજે પૂછ્યું. એણે દાણો ચાંપી જોયો. રાજા આખરે રાજા હતો. મંત્રી આખરે મંત્રી હતો. રાજાને લાગ્યું કે કદાચ મંત્રીશ્વર વૃદ્ધ થયા છે, ને બહુ સ્વાગત-ભાવથી શત્રુદેશ તરફ હૃદય કૂણું થયું હોય ને મત-પરિવર્તન પણ થયું હોય. ‘મૈત્રી લીધી જરૂ૨, પણ આપી નહિ ! મૈત્રી આપવાનું મન તો જરૂર થાય. આવી ભોળી ને પ્રેમાળ પ્રજા, આવો સંસ્કારી દેશ, માર્દવની મૂર્તિ જેવા રાજસંચાલકો, એ બધુંય ગમે; પણ મૈત્રીનો કૉલ આપું તો મગધને માટે હાથે કરીને પગ પર કુહાડો મારવા જેવું થાય. તો તો પછી મગધનો પ્રાચીન રાજવંશ નષ્ટભ્રષ્ટ કરવાની પેરવી ચાલે અને શિયાળિયાં આવીને સિંહને કહે કે આ બોડ ખાલી કરો. અને મંત્રી પણ એમનો દાસાનુદાસ બની રહે ! એટલે મગધરાજ, એ તો વાત જ કરવાની ન હોય. ગણતંત્રની સાથે મૈત્રી એટલે રાજતંત્રનો મૃત્યુઘંટ ! મગધ માટે તો યુદ્ધ એ જ યુગધર્મ ! કાં તો વૈશાલીના રાજતંત્રનો પલટો થાય અને નહીં તો એનો વિનાશ થાય!! ‘તો આજ્ઞા આપો. શું નિર્ણય કર્યો આપે ?' મગધરાજને મહાઅમાત્યના લોહવચનોથી ઉત્સાહ વધ્યો. ‘પછી વાત કરીએ. પ્રથમ મહાભિખ્ખુ દેવદત્તને બોલાવો. એમની હાજરી જરૂરી છે.' મહારાજે પ્રતિહારીને મહાભિખ્ખુ દેવદત્તને તાબડતોબ બોલાવી લાવવાની આજ્ઞા કરી. ‘મહાભિખ્ખુ એમાં ઉપયોગી છે ?' મગધરાજે પૂછ્યું. ‘હા. વૈશાલીમાં વેલાકુલ નામના એક લોકપ્રિય મુનિ છે. પ્રજા પર એની ખૂબ પકડ છે. એને ગમે તે રીતે વશ કરવો છે. લડાઈ માત્ર લશ્કરથી જિતાતી નથી. અડધી લડાઈ તો આવા એક જ માણસને વશ કરતાં જિતાઈ જાય તેમ છે.' મહામંત્રીએ કહ્યું. મગધપ્રિયા C 141
SR No.034420
Book TitleShatru ke Ajat Shatru
Original Sutra AuthorN/A
AuthorJaibhikkhu
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2014
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy